મોદીનું દેશને સંબોધન:વડાપ્રધાને કહ્યું- લોકડાઉન ગયું છે, કોરોના તો છે જ, તહેવારોમાં વિશેષ સાવધાની જરૂરી; યૂટ્યુબ પર ડિસલાઈક વધ્યા તો ભાજપે નંબર છૂપાવ્યા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • PM મોદીનું કોરોનાકાળનું સૌથી ટૂંકું સંબોધન, તેઓ 12 મિનિટ બોલ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) સાંજે 6 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. કોરોના મહામારી દરમિયાન મોદીનું આ સાતમું સંબોધન હતું. આ સંબોધનમાં તેમણે કબિર સાહેબના દુહાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે પાકિ ખેતી દેખકર, ગર્વ કિયા કિસાન અજહુ ઝોલા(સંકટ) બહુત હૈ, ઘર આવે તબ જાન.તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોરોના ખતમ ન થઈ જાય ત્યાં સુધી સાવધાની રાખો. કોરોનાકાળનું આ મોદીનું સૌથી ટૂંકું સંબોધન હતું. આ સંબોધન તેમણે 12.26 કર્યું હતું. આ અગાઉ તેમણે 30 જૂને સંબોધન કર્યું હતું. એ દિવસે તેઓ 17 મિનિટ બોલ્યા હતા.

મોદીના સંબોધન પહેલા ભાજપના યૂટ્યુબ ચેનલ પર લાઈકથી વધારે ડિસલાઈક હતા. જ્યારે મોદીનું ભાષણ પૂરું થયું ત્યારે ભાજપે પોતાની ચેનલ પરથી આ વીડિયોમાં ડિસલાઈક નંબર છૂપાવી દીધા. એટલે કે આ વીડિયોમાં લાઈક-ડિસ લાઈક તો કરી શકીએ છીએ, પરંતુ તેના નંબર જાણી શકતા નથી. જોકે PMO, નરેન્દ્ર મોદી અને PIBની ચેનલો પર મોદીના આ ભાષણ પર ડિસલાઈકથી વધારે લાઈક હતા. અહીં નંબર દેખાઈ રહ્યા છે.

PM મોદીના સંબોધનની મહત્વની વાતો....

સમયની સાથે આર્થિક વ્યવહારોમાં ધીમે ધીમે ઝડપ આવી રહી છે. આપણા પૈકી મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા દરરોજ ઘરની બહાર નિકળી રહ્યા છે. બજારોમાં પણ તહેવારની આ સિઝનમાં ફરી રોનક આવી રહી છે. પણ આપણે ભૂલવાનું નથી કે લોકડાઉન ભલે ગયું હોય પણ વાયરસ ગયો નથી. છેલ્લા આઠ મહિના બાદ જે સંભાળવી શકાય તેવી સ્થિતિમાં છીએ, તેને હવે આપણે બગડવા દેવાની નથી.

દેશમાં મૃત્યુ દર ઓછો છે. ભારતમાં દસ લાખ પૈકી સાડા પાંચ હજાર લોકોને કોરોના થયો છે. જ્યારે અમેરિકા અને બ્રાઝીલમાં આ આંકડો 25 હજાર છે. ભારતમાં 10 લાખ દીઠ મૃત્યુ દર 83 છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બ્રિટન જેવા દેશોમાં 600ને પાર છે. વિશ્વના સક્ષમ દેશોની તુલનામાં ભારત તેના વધુને વધુ નાગરિકોના જીવનને બચાવવા માટે સફળ થઈ રહ્યુ છે. દેશમાં 90 લાખથી વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે. 12 હજાર ક્વોરન્ટીન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ પણ આશરે 2000 લેબ કામ કરે છે. ટેસ્ટની સંખ્યા ટૂંક સમયમાં 10 કરોડને પાર થઈ જશે. કોવિડ મહામારી સામે ટેસ્ટની વધતી સંખ્યા આપણા માટે મોટી શક્તિ રહી છે.

આ સમય લાપરવાહ થવાનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે પછી કોરોનાથી કોઈ જોખમ નથી. તાજેતરના દિવસોમાં આપણે સૌએ એવી તસવીરો અને વીડિયો જોયા છે કે જેમાં અનેક લોકોએ સાવધાની રાખવાની બંધ કરી દીધી છે. આ વાત યોગ્ય નથી. જો તમે લાપરવાહી રાખો છો, માસ્ક વગર ફરી રહ્યા છો, તો તમે તમારી જાત માટે, પરિવાર માટે, બાળકો માટે અને વૃદ્ધોને મોટા સંકટમાં નાંખી રહ્યા છો. આજે અમેરિકા કે યુરોપના અન્ય દેશો કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હતા. પણ આ દેશમાં ફરી તે અચાનક વધવા લાગ્યા છે અને તે પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સંત કબિર દાસે કહ્યું છે કે પાકિ ખેતી દેખકર, ગર્વ કિયા કિસાન અજહુ ઝોલા(સંકટ) બહુત હૈ, ઘર આવે તબ જાન.

જ્યાં સુધી સફળતા સંપૂર્ણપણે ન મળે ત્યાં સુધી બેદરકારી દાખવવી જોઈએ નહીં. જ્યા સુધી આ મહામારીની વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે કોરોના સામેની લડાઈને રતીભર ઓછી થવા દેવાની નથી. વર્ષો બાદ આપણે એવું જોઈ રહ્યા છીએ કે માનવતાને બચાવાવ માટે અનેક દેશ કામ કરી રહ્યા છે. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સિન માટે મહેનત કરી રહ્યા છે. ભારતમાં પણ વેક્સિનને લઈ કામ ચાલી રહ્યું છે. તે વિવિધ તબક્કા હેઠળ છે. કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે તે પ્રત્યેક ભારતીય સુધી કેવી રીતે પહોંચી તે અંગે સરકાર વ્યવસ્થા કરી રહી છે. રામચરિત માનસમાં શિક્ષાપ્રદ વાતો છે ચેતવણી પણ છે. જેમા કહેવાયું છે કે આગ, શત્રુ, પાપ એટલે કે ભૂલ અને બીમારીને ક્યારેય નાની ન સમજવી. જ્યાં સુધી તેની સંપૂર્ણ સારવાર ન થઈ જાય ત્યાં સુધી તેને હળવાસથી ન લેવું જોઈએ. જ્યા સુધી દવા નહી ત્યાં સુધી ઢીલ નહીં.

તહેવારનો સમય આનંદ અને ખુશીનો સમય છે. આપણે એક મુશ્કેલ સમયને પાછળ રાખી આગળ વધી રહ્યા છીએ. થોડી લાપરવાહી પણ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. બે ગજનું અંતર, સમય સમયે સાબુથી હાથ ધોવા, માસ્ક લગાવવાને લઈ કાળજી રાખો. હું તમને સુરક્ષિત જોવા માંગુ છું. આ તહેવાર તમારા જીવનમાં ઉત્સાહ લાવે તેવું હું ઈચ્છુ છું. માટે હું સતત દેશવાસીઓને પણ આગ્રાહ કરું છું. મીડિયા, સોશિયલ મીડિયામાં એક્ટિવ કર્મીઓને આગ્રહ કરું છું કે જેટલું શક્ય બને એટલું વધારે જનજાગૃતિ અભિયાન કરશો, એટલું દેશના હિતમાં રહેશે. મારા દેશવાસીઓ સ્વસ્થ્ય રહો. ઝડપી ગતિથી આગળ વધો. આપ સૌ દેશવાસીઓને વિવિધ તહેવારો નિમિતે અભિનંદન પાઠવું છું નવરાત્રી, ઈદ, ગુરુનાક જયંતિ, દિવાળી, છઠ્ઠ સહિતના તહેવારો નિમિતે દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું.

વડાપ્રધાન મોદીનાં કોરોના દરમિયાનનાં અત્યારસુધીનાં સંબોધન

તારીખજાહેરાતસમય
19 માર્ચજનતા કર્ફ્યુની જાહેરાત29 મિનિટ
24 માર્ચ21 દિવસનું લોકડાઉન29 મિનિટ
3 એપ્રિલદીવો પ્રગટાવવાની અપીલ કરી12 મિનિટ
14 એપ્રિલલોકડાઉન-2ની જાહેરાત25 મિનિટ
12 મે20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત33 મિનિટ
30 જૂનઅન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત16 મિનિટ
20 ઓક્ટોબરતહેવારોમાં સાવધાની રાખવાની સલાહ12 મિનિટ

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનું સંકટ દેશમાં સતત ચાલુ છે. વડાપ્રધાન લોકોને સતત નિયમોનું પાલન કરવાની અપીલ કરતા આવ્યા છે. વડાપ્રધાન મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહિ, ત્યાં સુધી ઢીલાશ નહિ. છેલ્લા થોડા દિવસોથી દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

દેશમાં હાલ તહેવારનો સમય ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ સતત એ આવવાના છે, એવામાં સરકાર તરફથી એક વખત ફરીથી સાવધાની રાખવામાં આવી રહી છે.

તાજેતરમાં જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે. જોકે તહેવારને કારણે બજારોમાં ભીડ થઈ શકે છે, એવામાં સાવધાનીના ભાગરૂપે સરકાર તરફથી સતત લોકોને કાળજી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ અત્યારસુધીમાં 13 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું

1. 8 નવેમ્બર 2016: કાળાં નાણાં પર અંકુશ મેળવવા માટે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી.

2. 15 ફેબ્રુઆરી 2019: પુલવામામાં CRPFના 40 જવાનોની હત્યા થયા બાદ વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

3. 27 માર્ચ 2019: મોદીએ જણાવ્યું હતું કે DRDOના વૈજ્ઞાનિકોએ લોઅર અર્થ ઓર્બિટમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હતો.

4. 8 ઓગસ્ટ 2019: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ મોદીએ 8 ઓગસ્ટ 2019ના રોજ રાત્રે 8 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું.

5. 7 સપ્ટેમ્બર 2019: ચંદ્રયાન-2 ચંદ્ર પર ઊતરતાં પહેલાં સંપર્ક તૂટ્યા પછી વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા.

6. 9 નવેમ્બર 2019: અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને પંજાબમાં કરતારપુર કોરિડોર પર વાત કરી.

7. 19 માર્ચ, 2020: દેશમાં કોરોના વાઇરસ સામે લડવાના સરકારના પ્રયત્નો સાથે લોકોનો સહયોગ મેળવવા માટે વડાપ્રધાને જનતા કર્ફ્યુની અપીલ કરી હતી.

8. 24 માર્ચ 2020: કોરોના સામે લડવા માટે દેશવાસીઓ પાસે થોડો સમય માગ્યો, તેમણે સમગ્ર દેશને 21 દિવસ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી.

9. 3 એપ્રિલ 2020: 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી ઘરની લાઇટ બંધ કરીને પછી ટેરેસ અથવા બાલ્કની પર દીપ પ્રગટાવવાની અપીલ કરી.

10. 14 એપ્રિલ 2020; દેશભરમાં લગાવાયેલા લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું.

11. 12 મે 2020: આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી.

12. 30 જૂન 2020: પ્રધાનમંત્રીએ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બરના અંત સુધી વધારવાની જાહેરાત કરી.

13. 20 ઓક્ટોબર 2020: કોરોનાકાળમાં તહેવારોમાં સાવધાની રાખવાની સલાહ.

અન્ય સમાચારો પણ છે...