તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Prime Minister Modi To Perform Bhoomi Pujan Of New Parliament Building Today, It Will Be Ready In Two Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા સંસદભવનનો શિલાન્યાસ:મોદીએ નવા સંસદભવનનું ભૂમિપૂજન કર્યું, કહ્યું: આચાર-વિચાર-વ્યવહારથી નવા સંસદભવનની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

5 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના નવા સંસદભવનનું ભૂમિપૂજન કર્યું. નવા સંસદભવનના નિર્માણનો મામલો સુપ્રીમકોર્ટમાં પડતર છે. કોર્ટે માત્ર ભૂમિપૂજનની મંજૂરી આપી છે. નવું સંસદભવન જૂનાની સરખામણીમાં વધુ મોટું અને હાઇ-ટેક હશે. જૂના સંસદભવન નજીક 64,500 ચો.મી. ક્ષેત્રફળમાં બનાવાઇ રહેલા 4 માળના નવા સંસદભવનના નિર્માણમાં 971 કરોડ રૂ. ખર્ચ થવાનો અંદાજ છે. નવા સંસદભવનમાં દરેક આધુનિક સેવાઓ રાખવામાં આવશે. આ ભવન 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. નવા ભવનમાં લોકસભાના સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભાના સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે. પાર્લમેન્ટરી હોલમાં કુલ 1224 સભ્ય એકસાથે બેસી શકશે.

મોદીના ભાષણની મહત્ત્વની વાતો

આજનો દિવસ ઐતિહાસિક
આજે 130 કરોડથી વધારે ભારતીયો માટે ખૂબ ગર્વનો દિવસ છે, કારણ કે આજે આપણે આ ઐતિહાસિક પળના સાક્ષી બની રહ્યા છીએ. ભારતીયો દ્વારા, ભારતીયના વિચારોથી ઓતપ્રોત ભારતના સંસદભવનના નિર્માણનો શુભારંભ લોકતાંત્રિક પરંપરાઓથી થઈ રહ્યો છે. આપણે ભારતના લોકો મળીને આપણી સંસદના નવા ભવનને બનાવીશું, એનાથી વધુ પવિત્ર બીજી કઈ વાત હોઈ શકે, જ્યારે ભારત તેમની આઝાદીનાં 75 વર્ષના પર્વની ઉજવણી કરશે ત્યારે એની સાક્ષીમાં આપણું નવું સંસદભવન હશે. નવા સંસદભવનનું નિર્માણ નૂતન અને પુરાતનના સહઅસ્તિત્વનું ઉદાહરણ છે.

લોકતંત્રના મંદિરને નમન
આ સમય અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પરિવર્તન લાવવાનો પ્રયત્ન છે. હું એ ક્ષણ કદી નહીં ભૂલું જ્યારે 2014માં એક સાંસદ તરીકે મને પહેલીવાર સંસદમાં આવવાનો મોકો મળ્યો હતો. લોકતંત્રના આ મંદિરમાં પગ મૂકતાં પહેલાં માથું નમાવીને આ મંદિરને નમન કર્યા હતા.

જૂની સંસદ ઐતિહાસિક
આપણા વર્તમાન સંસદભવને આઝાદીના આંદોલન પછી સ્વતંત્ર ભારતને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આઝાદ ભારતની પહેલી સરકારનું ગઠન પણ નહોતું થયું અને પહેલી સંસદ પણ અહીં જ બેઠી. આ ભવનમાં જ બંધારણની રચના થઈ, લોકતંત્રની પુન:સ્થાપના થઈ. સંસદની હાલની ઈમારત સ્વતંત્ર ભારતનાં દરેક ઉતાર-ચઢાવ, પડકાર, આશાઓ, અપેક્ષાઓનું પ્રતીક રહી છે. આ ભવનમાં બનેલો દરેક કાયદો સંસદની ઘણી ઊંડાણની વાતો આપણા લોકતંત્રની ધરોહર છે.

જૂના બિલ્ડિંગને વિશ્રામની જરૂર છે
સંસદના શક્તિશાળી ઈતિહાસની સાથે યથાર્થને સ્વીકારવું પણ એટલું જ જરૂરી છે. આ ઈમારત અંદાજે 100 વર્ષ જૂની છે. છેલ્લા દાયકાઓથી એને અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં સાઉન્ડ સિસ્ટમ, આઇટી સિસ્ટમ, જગ્યા વધારવા માટે દીવાલો તોડવામાં આવી. આ બધું થયા પછી સંસદનું આ ભવન હવે વિશ્રામ માગી રહ્યું છે.

આચાર-વિચાર-વ્યવહારથી પ્રાણપ્રતિષ્ઠા થશે
નવું સંસદભવન પણ ત્યાં સુધી એક ઈમારત જ રહેશે, જ્યાં સુધી એની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં ન આવે. આ પ્રાણપ્રતિષ્ઠા કોઈ એક મૂર્તિની નહીં થાય, લોકતંત્રના આ મંદિરમાં એનું કોઈ વિધિ-વિધાન પણ નહીં હોય. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જનપ્રતિનિધિઓનું સમર્પણ, સેવાભાવ કરશે. તેમના આચાર-વિચાર-વ્યવહાર આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે. એકતા-અખંડતા માટે તેમના પ્રયત્નો આ મંદિરની ઊર્જા બનશે. જ્યારે દરેક જનપ્રતિનિધિ તેમનાં જ્ઞાન, કૌશલ, બુદ્ધિ, શિક્ષા અને અનુભવનો નિચોડ આપશે ત્યારે આ નવા સંસદભવનની પ્રાણપ્રતિષ્ઠા થશે.

સૌથી પહેલાં દિશ હિત
1897માં વિવેકાનંદજીએ જનતા સામે કહ્યું હતું કે, આગામી 50 વર્ષો સુધી ભારત માતાની આરાધના જ સર્વોપરી છે. તે મહાપુરુષની વાણીની તાકાત, કે તેના એક્ઝટ 50 વર્ષ પછી 1947માં ભારતને આઝાદી મળી ગઈ હતી. આજે જ્યારે સંસદભવનનો શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યારે દેશે પણ એક નવા સંકલ્પનો શિલાન્યાસ કરવાની જરૂર છે. વિવેકાનંદજીના આહ્યાનને યાદ કરીને સંકલ્પ લેવાનો છે ઈન્ડિયા ફર્સ્ટનો. દરેક નિર્ણય એક ત્રાજવામાં જોખવામાં આવે અને એ ત્રાજવું હશે દેશ હિતનું.

રતન ટાટા પણ હાજર
સંસદભવનના શિલાન્યાસ કાર્યક્રમમાં ઘણી મોટી સેલિબ્રિટીઓ હાજર રહી છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રતન ટાટા, અમિત શાહ, રાજનાથ સિંહ અને અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ કાર્યક્રમ સ્થળ પર હાજર છે.

સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. એમાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી.

લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલાએ આ કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદીને રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થતાં આપણે સંસદભવનમાં બંને ગૃહોનાં સેશનની શરૂઆત કરીશું.

સુપ્રીમ કોર્ટે દર્શાવી હતી નારાજગી
નવા સંસદભવનને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિશે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજીઓ વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ અથવા ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર છેલ્લો નિર્ણય ન સંભળાવવામાં આવે.

આ પણ વાંચોવિગતે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુનાવણી:કેન્દ્રએ નિર્માણ અને તોડફોડ શરૂ ન કરવાનો ભરોસો આપ્યા પછી સુપ્રીમ કોર્ટેે ભૂમિપૂજનની પરવાનગી આપી

આવું હશે નવું સંસદભવન
આવું હશે નવું સંસદભવન

નવા ભવનને પેપરલેસ બનાવાશે
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા મુજબ, નવા ભવનમાં સંસદસભ્યો માટે લોન્જ, લાઈબ્રેરી, સમિતિ રૂમ અને ભોજન રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે, જેથી સંસદને પેપરલેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્ય બેસી શકશે. હાલના ભવનમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 245 સભ્યો બેસી શકે એવી વ્યવસ્થા છે. નવું ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે. એને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે. એના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રીતે અને 9000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે.

વિશેષતાઃ આઝાદીની 75મી વર્ષગાંઠનું સત્ર નવા ભવનમાં યોજાશે

  • નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે.
  • ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે.
  • નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડરગ્રાઉન્ડ હશે.

શા માટે નવું સંસદભવન?
હાલનું સંસદભવન સૈકા જૂનું હોવાથી એેમાં મરામતની બહુ આવશ્યકતા છે. વળી, સંસદ એની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવી હોય તો નવું સંસદભવન બનાવવું અનિવાર્ય છે. જૂની વ્યવસ્થા હોવાથી ઓફિસ સ્પેસ અહીં મર્યાદિત છે. સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે, આથી દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય એવી પ્રાથમિકતા આપવામાં આવી છે.

સેન્ટ્રલ વિસ્ટા શું છે?
1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.

ટાટાને કોન્ટ્રેક્ટ મળ્યો
ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયની કચેરીઓ હશે.

કોણ છે બિમલ પટેલ?
આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રીડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો