દેશના આગામા રાષ્ટ્રપતિ પદ માટે NDAએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુના નામ પર પસંદગી કરવામાં આવી છે. મંગળવારે સાજે જ ભાજપની સંસદીય બોર્ડની મીટિંગ પછી તેમના નામે સહમતિ બની. આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર હતા. મુર્મુ પોતાનું ઉમેદવારી પત્રક 25 જૂને દાખલ કરી શકે છે. જ્યારે વિપક્ષે જ્યાં યશવંત સિન્હાને ઉમેદવાર જાહેર કર્યા છે.
મીટિંગ પછી ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મીટિંગમાં 20 નામ પર ચર્ચા કરવામાં આવી. મીટિંગમાં નક્કી કરાયું હતું કે આ વખતે રાષ્ટ્રપતિના કેન્ડિડેટ માટે પૂર્વ ભારતથી કોઈ દલિત મહિલાની પસંદગી થવી જોઈએ. જે બાદ મુર્મુના નામને મંજૂરી આપવામાં આવી.
ઓડિશાના રહેવાસી છે 64 વર્ષના મુર્મુ
ઝારખંડના 9માં રાજ્યપાલ પદે રહેલા 64 વર્ષના દ્રોપદી મુર્મુ ઓડિશાના મયૂરગંજના રહેવાસી છે. તેઓ ઓડિશાના જ રાયરંગપુરથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેઓ પહેલાં ઓડિયા નેતા છે જેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં ભાજપ-બીજેડી ગઠબંધન સરકારમાં વર્ષ 2002થી 2004 સુધી તેઓ મંત્રી પણ રહ્યાં. મુર્મુ ઝારખંડના પહેલાં આદિવાસી મહિલા રાજ્યપાલ પણ રહ્યાં છે.
વિપક્ષે યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે
તો આ તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણુમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા યશવંત સિન્હા વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા. જે બાદ તેમને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને આ વાતનો સંકેત આપ્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સામેલ થવા માટે તૈયાર છે. નવી દિલ્હીમાં વિપક્ષની બેઠકમાં NCP શરદ પવારે કહ્યું કે અમે 27 જૂન સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરીશું.
સિન્હાએ લખ્યું- હું મમતાજીનો આભારી છું
સિન્હાએ પોસ્ટમાં કહ્યું, 'મમતાજીએ TMCમાં મને જે સન્માન અને પ્રતિષ્ઠા અપાવ્યા, તેના માટે હું તેમનો આભારી છું. હવે સમય આવી ગયો છે કે હું એક મોટા ઉદ્દેશ્ય માટે પાર્ટીથી અલગ થઈ જઉં કે જેથી વિપક્ષને એકજૂથ કરવા માટે કામ કરી શકું. મને આશા છે કે મમતાજી મારા આ પગલાંને સ્વીકારશે.'
મોટા નેતાઓએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી પોતાના નામ પાછા ખેંચ્યા
અત્યાર સુધીમાં અનેક મોટા નેતા રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી પાછા હટી ગયા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીએ સોમવારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. તેમની પહેલાં નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવાથી ઈનકાર કરી દીધો હતો.
ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 29 જૂન
15 જૂને નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 29 જૂન છે. જો ચૂંટણી કરાવવાની જરૂર પડશે તો તે 18 જુલાઈનાં રોજ કરાવવામાં આવશે અને જુલાઈમાં જ પરિણામ પણ આવી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.