• Gujarati News
  • National
  • Preparing To Introduce A Bill To Ban Crypto In Parliament, Drastic Reduction In World Cryptocurrency; Learn What A Cryptocurrency Bill Is

જાણો શું છે ક્રિપ્ટોકરન્સી બિલ?:સંસદમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવાનું બિલ લાવવાની તૈયારી; ક્રિપ્ટો નિષ્ણાતો કહે છે, કરન્સી પર પ્રતિબંધ નહીં પણ નિયંત્રણ હોવા જોઈએ

મુંબઈ12 દિવસ પહેલા
  • ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક વિચારણાની જરૂરિયાતઃ RBI

કેન્દ્ર સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સી પર લગામ લગાવવાના સમાચાર આવ્યા પછી મોટાભાગની ક્રિપ્ટોકરન્સીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યે બિટકોઈનમાં 17 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ક્રિપ્ટોકરન્સી માટે સરકાર 29 નવેમ્બરથી શરૂ થનારા શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરનારુ બિલ સંસદમાં રજૂ કરશે. બિલમાં તમામ પ્રકારની પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવાની વાત કહેવામાં આવી છે.

ક્રિપ્ટોકરન્સી શું છે, તે કઈ રીતે કામ કરે છે?
ક્રિપ્ટોકરન્સી એક ડિજીટલ અને વર્ચ્યુઅલ કરન્સી છે. જેનું કોઈ ફિઝિકલી અસ્તિત્વ નથી. જે માત્ર આંકડાના રૂપમાં ઓનલાઈન રહે છે. ક્રિપ્ટોકરન્સી પર હાલ કોઈનો કન્ટ્રોલ નથી, હાલ તે સંપૂર્ણ રીતે ડિસેન્ટ્રલાઈઝ્ડ વ્યવસ્થા છે. કોઈ પણ સરકાર કે કંપની તેની પર નિયંત્રણ કરી શકતી નથી. આ કારણે તેમાં અસ્થિરતા છે. તે બ્લોકચેન ટેક્નોલોજી અને ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ પર કામ કરે છે, તેને કોઈ હેક કરી શકતુ નથી. આ સિવાય તેમાં કોઈ છેડછાડ પણ થઈ શકતી નથી

શું છે ડિજિટલ કરન્સી જેને RBI લાવવા માંગે છે?
સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી એટલે કે CBDC દેશની ફિએટ કરન્સી(જે રૂપિયા, ડોલર કે યુરો)નું એક ડિજિટલ સ્વરૂપ છે. જેને કેન્દ્રીય બેન્ક ઈસ્યુ કરે છે. સાથે જ તેની ગેરન્ટી પણ આપે છે. તે ફિએટ કરન્સી સાથે વન ટુ વન એક્સચેન્જેબલ છે. તેનાથી ટ્રાન્ઝેક્શન કોઈની પણ મધ્યસ્થી કે બેન્ક વગર થઈ જાય છે.

ક્રિપ્ટોકરન્સી બિલ અને તેનો હેતુ
પ્રાપ્ત માહિતી મુજબ, ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે કેન્દ્ર સરકાર તરફથી સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021ને રજૂ કરવામાં આવશે. આ બિલના માધ્યમથી સરકાર રિઝર્વ બેન્ક ઈન્ડિયા દ્વારા એક અધિકારિક ક્રિપ્ટોકરન્સી બહાર પાડવા માટે એક સરળ ફ્રેમવર્ક તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. સાથે જ આ બિલ અંતર્ગત એવી જોગવાઈઓ લાવવામાં આવશે, જેનાથી બહાર પાડવામાં આવેલી તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકાશે. જોકે તેના ટેક્નોલોજી અને ઉપયોગને પ્રમોટ કરવા માટે કેટલાક અપવાદ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે 26 બિલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ક્રિપ્ટોકરન્સી બિલ પણ સામેલ છે.

જો પ્રતિબંધ લાગ્યો તો જાણો શું થશે તમારી ક્રિપ્ટોકરન્સીનું?
જોરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતે કહ્યું જો સરકાર તેની પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરે છે તો એ બિલ બિટકોઈન સહિત બીજી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી સર્જી શકે છે. તેમણે કહ્યું કે જો સરકાર ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરે છે, તો બેન્ક અને તમારા ક્રિપ્ટો એક્સચેન્જોની વચ્ચેની લેવડદેવડ બંધ થઈ જશે. તમે કોઈ ક્રિપ્ટો ખરીદવા માટે પોતાની સ્થાનિક કરન્સીને ટ્રાન્સફર કરી શકશો નહિ. તેની સાથે જ તમે તેને કેશ પણ કરી શકશો નહિ.

ક્રિપ્ટો કરન્સીથી પૈસા કમાશો તો આપવો પડશે ટેક્સ
રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે કહ્યું કે મંત્રાલય એ અંગે પણ વિચારણ કરી રહ્યું છે કે લોકો ક્રિપ્ટોકરન્સીથી પૈસા કમાય તો ટેક્સની ચૂકવણી કરે. રેવન્યુ સેક્રેટરીએ કહ્યું કે જો તમે ક્રિપ્ટોકરન્સીમાં નફો કમાવ છો, જો તમે કોઈ વિશેષ ડીલથી પૈસા બનાવો છો તો ભારત સરકાર તેમાંથી ટેક્સ પ્રાપ્ત કરવા માંગશે.

સાત દિવસ પહેલા થઈ હતી સંસદીય સમિતિની બેઠક
ક્રિપ્ટોકરન્સી અંગે લગભગ સાત દિવસ પહેલા એટલે કે 16 નવેમ્બરે પ્રથમ વખત સંસદીય સમિતિની એક બેઠક મળી હતી. તેમાં ક્રિપ્ટો એક્સચેન્જ, બ્લોકચેન, ક્રિપ્ટો એસેટ કાઉન્સિલ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સિવાય અન્ય પક્ષોને લઈને ક્રિપ્ટોકરન્સીના નિયમન અને પ્રોત્સાહન સાથે જોડાયેલા પાસાઓ પર વિચાર કરવામાં આવ્યો. આ મીટિંગમાં એ વાત પ્રકાશમાં આવી હતી કે ક્રિપ્ટોકરન્સીને રોકી ન શકાય. તેના નિયમનની જરૂરિયાત છે.

સિડની સંવાદમાં પીએમ મોદીએ કર્યો હતો ઉલ્લેખ
પીએમ મોદી પણ ક્રિપ્ટોકરન્સીને લઈને ઘણા મંત્રાલયોની સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી ચુક્યા છે. આ સિવાય સિડની સંવાદ કાર્યક્રમ દરમિયાન પણ તેમણે પોતાના સંબોધનમાં ક્રિપ્ટોકરન્સીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી કે બિટકોઈનનું ઉદાહરણ લઈ લો. એ ખૂબ જરૂરી છે કે તમામ લોકશાહી ધરાવતા દેશ તેની પર કામ કરે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે તે ખોટા હાથમાં ન જાય, કારણ કે તેનાથી આપણા યુવાઓ પર ખોટી અસર પડશે.

RBI અને SEBIનો અલગ-અલગ મત
RBI તો ઘણી વખત આ બજારને લઈને ચિંતા જાહેર કરી ચૂકી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ગત સપ્તાહે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક વિચારણાની જરૂરિયાત છે. તેમણે ચલણમાં ઉપલબ્ધ ક્રિપ્ટોકરન્સીની માત્રા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે રોકાણકારોને તેના દ્વારા લલચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ક્રિપ્ટો ખાતુ ખોલવવા માટે લોન પણ અપાઈ રહી છે. જ્યારે બજાર નિયામક સંસ્થા સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)એ પણ રિટેલ રોકાણકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં અનિયમિત ક્રિપ્ટોકરન્સી બજારના ઝડપી ગ્રોથને લઈને ચિંતા જાહેર કરી હતી.

વિશ્વમાં 7 હજારથી વધુ સિક્કા ચલણમાં
હાલ સમગ્ર વિશ્વમાં 7 હજારથી વધુ અલગ-અલગ ક્રિપ્ટો કોઈન્સ ચલણમાં છે. આ એક પ્રકારના ડિજિટલ સિક્કા છે. વર્ષ 2013 સુધી વિશ્વમાં માત્ર એક જ ક્રિપ્ટોકરન્સી હતી Bitcoin. તેને વર્ષ 2009માં લોન્ચ કરવામાં આવી હતી. બિટકોઈન આજે પણ ભારત સહિત વિશ્વમાં લોકપ્રિય છે. તેને સતોશી નાકામોતો દ્વારા વર્ષ 2008માં તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે તેનુ ચલણ વર્ષ 2009માં શરૂ થયું હતું. બજારમાં આવ્યા પછી તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. મંગળવારે આ ક્રિપ્ટો કરન્સીની કિંમત તેના ઓલ ટાઈમ હાઈ 67800 ડોલરે પહોંચી ગઈ છે.

રશિયા-ચીન સહિત બીજા દેશોમાં શું છે નિયમ?
હાલ ચીનમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ છે. આ સિવાય નેપાળની વાત કરવામાં આવે તો અહીં બિટકોઈન પર પ્રતિબંધ છે. રશિયામાં ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ છે. વિયતનામમાં પેમેન્ટ ટૂલ તરીકે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવા પર મોટા પ્રમાણમાં દંડ કરવામાં આવે છે. જોકે અહીં લોકો સંપત્તિ તરીકે બિટકોઈનને રાખી શકે છે. તુર્કી, અલ્જિરિયા, ઈરાક, ઈજિપ્ત, ઈરાન, કોલંબિયા અને બોલિવિયામાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ છે.

અન્ય સમાચારો પણ છે...