હવે શ્રમ કાયદાના વળતા પાણી:કૃષિ કાયદાની વાપસી પછી નવા શ્રમ કાયદા રદ કરવાની તૈયારી

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રમ કાયદા લાગુ કરવાની સમયમર્યાદા વધારાઈ, પરંતુ છેલ્લી તારીખ નક્કી નથી
  • નવા કાયદામાં કંપનીઓ માટે નિમણૂક અને હકાલપટ્ટી સરળ કરવાની જોગવાઈ

કૃષિકાયદા પાછા ખેંચવાની જાહેરાત પછી કેન્દ્ર સરકાર હવે નવા શ્રમ કાયદા ટાળવાની તૈયારી કરી રહી છે. શ્રમ મંત્રાલયના સૂત્રોના મતે, નવા શ્રમ કાયદા લાગુ કરવાની સમયમર્યાદા ચાર વાર વધારી ચૂકાઈ છે. પહેલા ત્રણ વાર સમયમર્યાદા વધારાઈ હતી, ત્યારે કાયદો લાગુ કરવાની આગામી તારીખો પણ નક્કી કરાઈ હતી.

હવે શ્રમ મંત્રાયલે ચોથી વાર પણ સમયમર્યાદા વધારી છે, પરંતુ અંતિમ તારીખ નક્કી નથી. એક અધિકારીએ જણાવ્યું કે, આગામી ત્રણ ચાર મહિનામાં પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે. ત્યાર પછી શ્રમ કાયદા લાગુ કરવાનો વિચાર થઈ શકે છે.

કેન્દ્રએ શ્રમ કાયદા મુદ્દે 2019 અને 2020માં બિલ પસાર કર્યા હતા. દેશના 10 ટ્રેડ યુનિયન તેના વિરોધી છે. આ યુનિયનોએ એ જોગવાઈઓ સામે વાંધો લીધો છે, જેમાં કંપનીઓ માટે કર્મચારીની નિમણૂક અને હકાલપટ્ટી કરવાના નિયમો સરળ કરાયા છે.

સરકાર લોકપ્રિયતાને જોખમમાં નાંખી શકે નહીં, કોર્પોરેટ જગત કહે છે- કાયદા અટક્યા તો અર્થતંત્રને ઝટકો લાગશે
સૂત્રોના મતે, કૃષિ કાયદા લાગુ કરવાનો નિર્ણય બદલ્યા પછી સરકારે શ્રમ કાયદા ટાળવા પણ મન મનાવી લીધું છે. શ્રમ કાયદાને લઈને કર્મચારી વર્ગમાં વધતો વિરોધ જોઈને સરકારે રાજકીય વિચાર શરૂ કર્યો છે. હવે સરકાર પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી સુધી કોઈ જોખમ ખેડવા નથી માંગતી. બીજી તરફ, કોર્પોરેટ જગત નવા કાયદા લાગુ નહીં કરવાને લઈને નારાજ છે.

બેંગલુરુમાં સોસાયટી જનરલ જીએસસી પ્રા. લિ.ના અર્થશાસ્ત્રી કુણાલ કુંડુનું કહેવું છે કે, શ્રમ કાયદા લાગુ કરવામાં મોડું થશે, તો તે અર્થતંત્ર માટે ઝટકો સાબિત થશે. કેન્દ્ર સરકારે નવા કાયદા દેશમાં વેપાર માટે સારો માહોલ ઊભો કરવા તેમજ રોકાણ વધારવાના હેતુથી બનાવ્યા છે. જો સરકાર તે લાંબો સમય ટાળશે, તો તે અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થશે. કારણ કે, કોરોનાના કારણે વેપાર જગત દબાણમાં છે. એટલે કાયદામાં કરાયેલા સુધારા ઝડપથી લાગુ થવા જોઈએ.

10 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ નિયમ બન્યા, અન્ય રાજ્યોમાં નહીં
કેન્દ્ર સરકાર બે વર્ષ પહેલા ઔદ્યોગિક સંબંધો, વેતન, સામાજિક સુરક્ષા અને કામના સ્થળે સુરક્ષા સંબંધિત નિયમોનો ડ્રાફ્ટ જાહેર કરી ચૂકી છે. તેના આધારે અત્યાર સુધી ફક્ત 10 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાના નિયમો બનાવ્યા છે. હાલ દેશના 17 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર છે. જોકે, મોટા ભાગના રાજ્યોની સરકારે ટ્રેડ યુનિયનોનો વિરોધ જોતા આ કાયદા રદ કરવાનું મન બનાવી લીધું છે.​​​​​​​


અન્ય સમાચારો પણ છે...