ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરના બીજા દિવસે કોંગ્રેસ છાવણીમાંથી મહત્વની માહિતી સામે આવી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુથ બ્રિગેડ 2024ની સામાન્ય ચૂંટણીમાં ઉતારી શકે છે. સંગઠનથી લઈને સત્તામાં કોંગ્રેસ 50 વર્ષથી ઓછી ઉંમરના નેતાઓને 50% હિસ્સેદારી આપશે. આ માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પક્ષ અનેક મુદ્દાઓને નવેસરથી પ્રજા સમક્ષ લઈ જશે. તેમા જાતીગત વસતી ગણતરી, MSPની લીગલ ગેરન્ટીનો સમાવેશ થાય છે.
ખેડૂતોની આવકને બમણી કરવાનું વચન આપ્યું હતું પણ દેવાનો બોજ બમણો થઈ ગયો
ઉદયપુરમાં ચાલી રહેલી કોંગ્રેસની ચિંતન શિબિર (નવ સંકલ્પ શિબિર) વચ્ચે દેવા માફી અંગે હરિયાણાના ભૂતપુર્વ CM અને એગ્રીકલ્ચર કમિટીના સંયોજક ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કેન્દ્ર સરકારને ઘરી છે. ચિંતન શિબિરમાં એગ્રીકલ્ચ અંગે બનેલા ગ્રુપે MSP પર કાયદો બનાવવા તથા ખેડૂતોના દેવાને માફ કરવા એક સમિતિની રચના કરવા સૂચન કર્યું છે. તેમણે કહ્યું છે કે NDA સરકારે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરવાનું વચન આપ્યું હતું પણ તે પૂરું થયું નથી, જોકે ખેડૂતો પર દેવાનો બોજ બમણો થઈ ગયો છે.
તેમણે કેન્દ્રને ખેડૂતોના દેવાને લગતી એક સમિતિની રચના કરવાની માગ કરી છે. એગ્રીકલ્ચર કમિટીના સભ્ય અને છત્તીસગઢના મંત્રી ટીએસ સિંહ દેવે કહ્યું કે છત્તીસગઢમાં ખેડૂત ન્યાય યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવવી જોઈએ.
ખેડૂત વિરોધી છે કાયદો-બાજવા
પંજાબ કોંગ્રેસના ભૂતપુર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રતાપસિંહ બાજવાએ કહ્યું કે ખેડૂતોની સબસિડી વધવી જોઈએ. કેન્દ્ર સરકારે કંપનીઓ સાથે મળી પાક વીમા યોજનામાં ખેડૂતોને બદલે કંપનીઓને ફાયદો કરાવ્યો છે. હવે નવો ઈલેક્ટ્રીસિટી એક્ટ આવી રહ્યો છે,જે ખેડૂત વિરોધી છે.
વાજપેયી યુગમાં નિષ્ફળ ગયેલ ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈનને મોદી સરકાર પુનરાવર્તિત કરે છે.આ અગાઉ પી.ચિદમ્બરે કેન્દ્ર સરકાર પર આર્થિક નીતિઓ અંગે હુમલો કર્યો હતો. ચિદમ્બરમે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ દેશના હિતમાં નથી. GSTના અયોગ્ય અમલીકરણને લીધે રાજ્યોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રાજ્યોએ GSTના નાણાં સમયસર આપી રહી નથી. આર્થિક મોરચે કેન્દ્ર સરકાર ખોટા પગલા ભરી રહી છે.
ચિંતન શિબિરમાં મિશન 2024 પર એક વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં ચૂંટણી થવાની છે. કોંગ્રેસ માત્ર બે રાજ્યોમાં સત્તા પર છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે સંગઠનાત્મક તાકાતની સાથે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. અલગ-અલગ રાજ્યોમાં કોંગ્રેસની સામે અનેક સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે.
રાજસ્થાનમાં રમખાણોથી ઘણા વર્ગો નારાજ છે
રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે, જેમાંથી કોંગ્રેસને 108 અને ભાજપને 71 બેઠકો ગત ચૂંટણીમાં મળી હતી. રાજ્યમાં કોંગ્રેસે જૂનું પેન્શન લાગુ કર્યું અને ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ રાજ્યમાં રમખાણો, પરીક્ષાઓમાં ગેરરીતિ જેવા કારણોસર અનેક વર્ગો નારાજ છે. આ સિવાય રાજસ્થાનમાં પાર્ટીની અંદર જૂથવાદ કોંગ્રેસ માટે ખતરો સાબિત થઈ શકે છે. સીએમ ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે હંમેશા ઝઘડાના અહેવાલો આવે છે. થોડા મહિના પહેલા સચિન પાયલોટે કોંગ્રેસ છોડવાનું મન બનાવી લીધું હતું પરંતુ પાર્ટી હાઈકમાન્ડ તેને મુશ્કેલીથી રોક્યું હતુ.
યુપીમાં કોંગ્રેસે મહિલાઓનું મનોબળ વધારવા માટે 'લડકી હૂં, લડ શકતી હૂં'નો નારો આપ્યો હતો, પરંતુ બીજી તરફ રાજસ્થાન સરકારના મંત્રી મહેશ જોશીએ પુત્ર રોહિત જોશી પર બળાત્કારનો આરોપ લાગ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની વાપસી માટે રાજ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઈ મોટો ચહેરો નથી
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. અહીં ભાજપ પાસે 111 અને કોંગ્રેસ પાસે માત્ર 63 બેઠકો છે. ગુજરાતમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. જે બાદ પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં, ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જેઓ કોંગ્રેસના આદિવાસી નેતા હતા, તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આ સિવાય અત્યાર સુધીમાં કુલ 13 આવા એવા ધારાસભ્યો કે પૂર્વ ધારાસભ્યો છે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.
છત્તીસગઢમાં ભાજપ માટે પડકાર
છત્તીસગઢમાં કુલ 90 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસ પાસે 71 અને ભાજપ પાસે 14 છે. છત્તીસગઢમાં કોંગ્રેસ માટે નહીં પરંતુ ભાજપ માટે પડકાર છે. રાજ્યમાં કોંગ્રેસ સરકારે પોતાની યોજનાઓ દ્વારા ઘર-ઘર સુધી પહોંચાડી છે. ખેડૂતોની લોન માફી, વીજળી બિલ અડધું, ખેતી પાક બોનસ, ગોબરધન ન્યાય યોજના, ખેડૂત ન્યાય યોજના વગેરે દ્વારા કોંગ્રેસ પોતાના વિકાસનું મોડલ લોકોને સમજાવવા માંગે છે અને તેમાં ઘણી હદ સુધી સફળતા પણ મળી છે. છત્તીસગઢમાં ભાજપ પાસે રમણ સિંહ ઉપરાંત કોઈ મોટો ચહેરો નથી.
એમપીમાં જૂથવાદે કોંગ્રેસને ડુબાડી
મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા બેઠકો છે. અહીં ભાજપ પાસે 127 અને કોંગ્રેસ પાસે 96 બેઠકો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની દુર્દશા માટે એ 4 મુખ્ય કારણ છે ગ્રાઉન્ડ નિષ્ક્રિયતા, જૂથવાદ, ચહેરાનો અભાવ અને ચૂકી ગયેલી તકો. ઘણા વર્ષો પછી કોંગ્રેસને એમપીમાં બહુમતી મળી પરંતુ સરકાર ચલાવી શકી નહીં. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા નેતાને ભાજપમાં જોડાતા રોકી શક્યા નહીં. પાર્ટીમાં જૂથવાદ એટલો બધો છે કે કાર્યકરો પણ પોતાના નેતાનું નામ જોઈને પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લે છે. જો 2023 માં કોંગ્રેસને એમપીમાં ચૂંટણી જીતવી હોય તો તમામ નેતાઓએ સાથે મળીને જાહેર મુદ્દાઓ પર કામ કરવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.