પહેલા ભાજપ પછી કોંગ્રેસ અને પછી JDU સહિત અલગ-અલગ રાજકીય પાર્ટીઓના ચૂંટણીલક્ષી સ્ટ્રેટેજિસ્ટ રહી ચૂકેલા પ્રશાંત કિશોર હવે બીજા માટે રણનીતિ બનાવશે નહિ. PK હવે પોતાની પાર્ટી માટે સ્ટ્રેટેજી તૈયાર કરશે. PKએ હવે આ તરફ ઈશારો કર્યો છે. તેમણે સોમવારે ટ્વીટ કરીને કહ્યું છે કે લોકોની વચ્ચે જવાનો સમય આવી ગયો છે. એની શરૂઆત બિહારથી થશે.
ઝડપથી આખા દેશમાં એકસાથે પાર્ટી લોન્ચ કરશે
PKની નવી પાર્ટી ક્યાં સુધીમાં લોન્ચ થશે, હાલ એનો ખુલાસો થયો નથી, જોકે પ્રશાંત કિશોર એકસાથે સમગ્ર દેશમાં પાર્ટી લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે PK હાલ પટનામાં છે. એવામાં એવું કહેવાઈ રહ્યું છે કે તે પોતાના માટે નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે.
PKએ લોકોને અસલી માલિક કહ્યા
પ્રશાંત કિશોરે ટ્વીટમાં કહ્યું છે કે લોકશાહીમાં પ્રભાવશાળી યોગદાન આપવાની તેમની ભૂખ અને લોકો માટે કાર્ય નીતિ તૈયાર કરવામાં તેમની સફર ઘણી ઉતાર-ચઢાવવાળી રહી છે. આજે જ્યારે એ બધાં પાનાં પલટાવું છું તો લાગે છે કે અસલી માલિકોની વચ્ચે જવાનો સમય આવી ગયો છે. એનાથી તેમની સમસ્યાઓને સારી રીતે સમજી શકાશે.
PKની પાર્ટી ટેક્નિકનો ઉપયોગ કરશે
કોંગ્રેસમાં વાત ન બનવાને કારણે પ્રશાંત કિશોર એટલે કે PK રાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્તરે રાજકારણમાં મોટી હલચલ કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રશાંત કિશોરની પાર્ટી સંપૂર્ણ રીતે ડિજિટલ હશે અને જનસંપર્ક કરવા માટે ઉન્નત ટેક્નિકની સાથે લોન્ચ થશે. પાર્ટીનું નામ શું હશે એને લઈને કોઈ ફાઈનલ વાત થઈ નથી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ, PK એક-બે વર્ષમાં પોતાની પોલિટિકલ પાર્ટી લોન્ચ કરશે.
PK મોદીને સત્તામાં લાવીને ચર્ચામાં આવ્યા હતા
પ્રશાંત કિશોરનો જન્મ 1977માં બિહારના બક્સર જિલ્લામાં થયો હતો. તેમની માતા ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાની છે, જ્યારે પિતા બિહાર સરકારમાં ડોક્ટર છે. તેમની પત્નીનું નામ જાહ્નવી દાસ છે, જે આસામના ગુવાહાટીમાં ડોક્ટર છે. પ્રશાંત કિશોર અને જાહ્નવીનો એક પુત્ર છે. PKના પોલિટિકલ કરિયરની વાત કરવામાં આવે તો 2014માં મોદી સરકારને સત્તામાં લાવવાને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમને એક સારા ચૂંટણી રણનીતિકાર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ હંમેશાં પડદા પાછળ રહીને પોતાની ચૂંટણીની રણનીતિ બનાવે છે.
સંયુક્ત રાષ્ટ્રની નોકરી છોડીને મોદીની ટીમ સાથે જોડાયા હતા
34 વર્ષની ઉંમરમાં આફ્રિકાથી સંયુક્ત રાષ્ટ્રની નોકરી છોડીને કિશોર 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીમ સાથે જોડાયા હતા. એ પછીથી રાજકારણમાં બ્રાન્ડિંગનો સમય શરૂ થયો હતો. PKને મોદીનું સારું માર્કેટિંગ અને ચાય પે ચર્ચા, 3ડી રેલી, રન ફોર યુનિટી, મંથન જેવા જાહેરાત અભિયાનનું શ્રેય આપવામાં આવે છે. તેઓ ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી(આઈ-પેક) નામનું સંગઠન ચલાવે છે. તેઓ લીડરશિપ, રાજકારણ, મેસેજ કેમ્પેન અને ભાષણોનું બ્રાન્ડિંગ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.