ઝારખંડના સમ્મેદ શિખર પારસનાથને પર્યટન સ્થળ બનાવવાના નિર્ણય વિરુદ્ધ જૈન સમુદાય દેખાવો કરી રહ્યો છે. સંત, મુનિ અને આચાર્ય પણ તેના વિરોધમાં આગળ આવ્યા છે. ઝારખંડના મધુબનમાં આચાર્ય પ્રસન્ન સાગરજી મહારાજની 557 દિવસોની મૌન સાધના પૂરી થવાની છે. હવે તે 28 જાન્યુઆરીએ મૌન વ્રત તોડશે. ત્યારે મધુબનમાં 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી મહાપારણાં મહાપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મહોત્સવના સચિવ આકાશ જૈને કહ્યું કે તેમાં દેશ-વિદેશથી 2 લાખ જૈન શ્રદ્ધાળુ, આચાર્ય-મુનિ જોડાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને ઉપરાષ્ટ્રપતિ ધનખડ પણ તેમાં સામેલ થઈ શકે છે.
આચાર્યનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે
આચાર્ય પ્રસન્ન સાગર સમ્મેદ શિખરજીના સુવર્ણભદ્ર કૂટમાં મૌન સાધનામાં લીન છે. તેમણે 557માંથી 496 દિવસ સુધી નિર્જળા ઉપવાસ કર્યા હતા. તે 1988થી સાધના અને ઉપવાસ કરતા આવ્યા છે. તે એવા સાધક છે જેમણે જયપુરના પદમપુરામાં સિંહનીશક્તિવ્રત હેઠળ 80 દિવસ અને પછી 186 દિવસની મૌન સાધના કરી હતી. તેમનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. તે ‘ભારત ગૌરવ’ની ઉપાધિથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. તેમના નામે 34 રેકોર્ડ્સ નોંધાયેલા છે. આચાર્ય પ્રસન્ન સાગરનું નામ દિલીપ જૈન છે. 23 જુલાઈ 1970ના રોજ તેમનો જન્મ મધ્યપ્રદેશના છતરપુરમાં થયો હતો.
તીર્થોને રાજકીય લાભ માટે પર્યટન સ્થળ બનાવવા તે અયોગ્ય : વિદ્યાસાગર
સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાના વિરોધમાં જયપુરમાં જૈન મુનિ સુજ્ઞેય મહારાજે દેહત્યાગ કર્યો. આ મામલે આચાર્ય વિદ્યાસાગર મહારાજે ભાસ્કરને કહ્યું કે પવિત્ર તીર્થ ક્ષેત્રોને રાજકીય લાભ માટે પર્યટન સ્થળ બનાવી દેવા તે અયોગ્ય છે. એક મુનિએ અગાઢ આસ્થા રાખી તીર્થ રક્ષામાં પોતાના દેહની ચિંતા પણ ન કરી. સમય રહેતા સરકારે તમામ તીર્થક્ષેત્રોને તાત્કાલિક પવિત્ર ક્ષેત્રો જાહેર કરવા જોઈએ. લોકોના હિતમાં આ જ સારું રહેશે. પાપથી બચો, ઈતિહાસ પવિત્રતાનું હોય છે, પર્યટનનું નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.