• Gujarati News
  • National
  • Prasad Is Being Offered In A Box Made From A Pack Of Cigarettes In Kartarpur Sahib, A Picture Of Gurudwara Is Also Printed On It

પાકિસ્તાનમાં ફરી આસ્થા સાથે ચેડાં:કરતારપુર સાહિબમાં સિગારેટના પેકેટમાંથી બનાવાયેલા બોક્સમાં પ્રસાદ અપાઈ રહ્યો છે, એના પર ગુરુદ્વારાની તસવીર પણ છપાઈ

ચંદીગઢએક મહિનો પહેલા
  • આ પહેલાં પણ પાકિસ્તાની મોડલના ફોટોશૂટ મામલે પણ હોબાળો થયો હતો

પાકિસ્તાનના ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં ફરી એકવાર શીખ ધર્મની આસ્થા સાથે મોટાં ચેડાં કરવામાં આવી રહ્યાં છે. અહીં ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓને સિગારેટના પેકેટમાંથી બનાવવામાં આવેલા બોક્સમાં પ્રસાદ અપાઈ રહ્યો છે. એટલું જ નહીં, એના પર એક તરફ ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ અને ગુરુદ્વારા શ્રી નનકાના સાહિબની તસવીર પણ છપાયેલી છે. આ પહેલાં ગુરુદ્વારામાં માથું ઢાંક્યા વગર પાકિસ્તાની મોડલનું ફોટોશૂટ કરાવવાનો મામલો પણ સામે આવ્યો હતો.

આ મોટું પાપ છે, ઇમરાને તેમને જેલમાં ધકેલવા જોઈએ
દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (DSGMC)ના પૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે શીખોને ખૂબ જ દુઃખ થયું છે કે ધાર્મિક સ્થળ પર અમારી આસ્થા સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. સિગારેટના પેકેટમાંથી બનાવાયેલા બોક્સમાં પ્રસાદ આપવાથી મોટું પાપ શું હોય શકે? સિરસાએ પાક પીએમ ઈમરાન ખાનને કહ્યું હતું કે પાકિસ્તાનમાં શીખોની સંખ્યા ઓછી છે, તેથી અમારી વાત સાંભળવામાં આવતી નથી. તેમણે કહ્યું હતું કે આ લોકોને તાત્કાલિક પકડીને જેલમાં ધકેલી દેવા જોઈએ.

પાકિસ્તાની મોડલના ફોટોશૂટ પર પણ હોબાળો થયો હતો
આ પહેલાં પાકિસ્તાનના લાહોરની મોડલ સ્વલા લાલા ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં ફોટોશૂટ કરાવીને વિવાદોમાં ફસાઈ ચૂકી છે. તેણે માથું પણ ઢાંક્યું ન હતું. જોકે મામલો સામે આવ્યા બાદ મોડલે માફી માગી હતી. આ સિવાય તે જે કપડાંની દુકાન માટે મોડલિંગ કરવામાં આવ્યું હતું તેણે પણ તસવીરો હટાવી દીધી હતી. આ પછી ભારત સરકારે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને પાકિસ્તાને ભવિષ્યમાં આવું નહીં થવા દેવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ફરીથી આવી જ પ્રવૃત્તિ કરવામાં આવી છે.

શીખ આસ્થાનું મુખ્ય કેન્દ્ર ગુરુદ્વારા કરતારપુર સાહિબ છે
શ્રી ગુરુ નાનક દેવજીએ તેમના જીવનના અંતિમ દિવસો અહીં પાકિસ્તાનના કરતારપુરમાં વિતાવ્યા હતા. બાબા નાનક શીખ ધર્મના પ્રથમ ગુરુ હતા. માત્ર શીખ સમાજ જ નહીં, પરંતુ દરેક લોકો તેમના માટે અપાર શ્રદ્ધા ધરાવે છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે આ વિસ્તાર પાકિસ્તાનમાં જતો રહ્યો હતો. આમ છતાં શીખોના મનમાં હંમેશાં અહીં દર્શનની ઈચ્છા રહેતી હોય છે.

આ ગુરુદ્વારા સાહિબ પંજાબના ગુરદાસપુરથી માત્ર 7 કિમી દૂર છે. શીખોની આસ્થાને ધ્યાનમાં રાખીને ભારત અને પાકિસ્તાન સરકારની સંમતિ બાદ અહીં કરતારપુર કોરિડોર બનાવવામાં આવ્યો છે. એના દ્વારા ભારતીય શ્રદ્ધાળુઓ સરળતાથી આવીને જઈ શકે છે. કોરોનાને કારણે આ કોરિડોર લાંબા સમયથી બંધ હતો. શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના અવસર પર થોડા દિવસો પહેલાં એને ખોલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...