• Gujarati News
  • National
  • Power Cuts Due To Shortage Of Coal At Festivals, How Did The Crisis Suddenly Arise? Learn In Detail

ભારતમાં વીજળીનું તોળાતું સંકટ:તહેવારોમાં કોલસાની અછતને કારણે પાવરકટનો સામનો કરવો પડી શકે છે, સંકટ અચાનક કેવી રીતે ઊભું થશે? જાણો વિસ્તારપૂર્વક

13 દિવસ પહેલા
વીજળી ઉત્પાદન -ફાઈલ ફોટો

તહેવારોની સીઝનમાં દેશમાં વીજળીની અછતનું જોખમ સર્જાઈ રહ્યું છે. કોલસાની ઉપલબ્ધતામાં મોટો ઘટાડો થવાને લીધે થર્મલ પાવર પ્લાન્ટોથી વીજળી ઉત્પાદન અટકી પડે અથવા તો ઘટી જાય તેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઓચિંતા જ એવા તે કયાં પરિબળો સર્જાયા કે જેને લીધે દેશમાં કોલસાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારતમાં પણ ચીનની માફક કોલસાનું સંકટ ઊભું ન થઈ જાય તેની વિશેષ કાળજી રાખવાની જરૂર છે, જેથી સામાન્ય જનજીવનને અસર ન થાય.

કોલસાની અછતનાં શું કારણો છે
નિષ્ણાતો આમ થવા પાછળ બે કારણ ગણાવી રહ્યાં છે. પહેલું એ કે કોવિડ મહામારીને કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને જેને લીધે આર્થિક ગતિવિધિઓ બંધ હતી તથા જ્યારે લોકડાઉન હળવું કરાયું તો આ ગતિવિધિઓ એકદમથી વધી ગઈ. કંપનીઓએ પોતાનું પ્રોડક્શન વધારી દીધું, જેને લીધે કોલસામાં ઘટાડો થઈ ગયો. મોટું કારણ એ પણ છે કે કોલસાની કિંમત ખૂબ ઓછી છે, જ્યારે બહારથી જે કોલસા મગાવવામાં આવે છે એની કિંમત વધુ હોય છે. એ કારણોથી ખરીદનારા આયાત કરેલા કોલસા ખરીદતા નથી.

બીજું કારણ એ છે કે ચોમાસાની ઋતુમાં કોલસાથી ઉત્પન્ન થતી વીજળીનો વપરાશ અચાનક વધ્યો હતો, જેને કારણે દેશમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હતી. જોકે ચોમાસાની શરૂઆત પહેલાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો પૂરતો સ્ટોક જમા થયો નથી. કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ અર્થતંત્રમાં સુધારો થતાં વીજળીની માગ વધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદને કારણે કોલસાની ખાણોમાંથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

પાવર પ્લાન્ટોમાં કેટલો સ્ટોક બચ્યો છે?
કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાંથી માત્ર 33 ટકા જ કોલસો બાકી છે. મંત્રાલયના આંકડા મુજબ દેશના કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટમાંથી લગભગ 72 પ્લાન્ટમાં માત્ર ત્રણ દિવસ વીજ ઉત્પાદન થાય તેટલો સ્ટોક વધ્યો છે. બીજી તરફ 4 થર્મલ પ્લાન્ટમાં 10 દિવસ અને લગભગ 13 થર્મલ પાવર પ્લાન્ટમાં 10 દિવસથી વધુ વીજળી ઉત્પાદન થાય એટલો કોલસો બાકી છે.

દેશી અને વિદેશી કિંમતોમાં ફેરફાર કેમ?
એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં કોલસાની કિંમતો કોલ ઈન્ડિયા નક્કી કરે છે. જો દેશી કોલસાની કિંમત વધી જાય તો વીજળી ઉત્પાદનની મોંઘવારી અને જરૂરી કિંમતોમાં ઉછાળો આવી શકે છે. તેથી કોલ ઈન્ડિયા સંવેદનશીલ મુદ્દાઓનું હંમેશાં ખ્યાલ રાખે છે, તેથી વૈશ્વિક બજારમાં કિંમતો વધવા છતાં કોલ ઈન્ડિયા સસ્તા ભાવે કોલસો આપે છે, પરંતુ કોલ ઈન્ડિયાના ચેરમેને સંકેત આપી દીધા છે કે તેઓ કોલસાની કિંમતોમાં વધારો કરવાના છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે વધારો ક્યારે કરવામાં આવે.

સામાન્ય જનતા પર શી અસર પડી શકે છે
વીજળી કપાત (પાવરકટ)ની સમસ્યાઓનો સામનો સામાન્ય જનતાને કરવો પડી શકે છે. જો કંપનીઓ કોલસાનો ભાવ વધશે તો વીજળીનું બિલ પણ વધુ આવી શકે છે. જાણકારોનું કહેવું છે કે ચીન જેવી વણસેલી સ્થિતિ ભારતમાં હજી નથી.

કેન્દ્રીય વીજળી મંત્રાલયનું નિવેદન
આ મામલે કેન્દ્રીય વીજળી મંત્રાલયે કહ્યું હતું કે એક મેનેજમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે અને તે સ્ટોક અને સપ્લાઈ પર નજર રાખી રહી છે. આ માટે કોલ ઈન્ડિયા અને ઈન્ડિયન રેલવે સાથે સપ્લાય વધારવા પર કામ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...