જગનને પડકાર:TDP, જનસેના ભાજપના ગઠબંધનની શક્યતા

અમરાવતીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આંધ્રપ્રદેશની રાજનીતિમાં હિલચાલ વધી છે. વાયએસઆર કોંગ્રેસના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીને પડકાર ફેંક્વા વધુ એક નવું ગઠબંધન રચાવાની તૈયારી છે. પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ તાજેતરમાં જનસેના પ્રમુખ અને ટોલિવૂડ અભિનેતા પવન કલ્યાણ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના રાજકારણના જાણકારો કહે છે કે મુખ્યમંત્રી જગન વિરુદ્ધ ન ફક્ત આ બંને પક્ષો એકજૂટ થશે

પણ એવી શક્યતા છે કે તેઓ ભાજપને પણ પોતાના ગઠબંધનમાં સામેલ કરી શકે છે. ખરેખર સત્તાધારી પક્ષ વાયએસઆર કોંગ્રેસ રાજ્યમાં 3 રાજધાની બનાવવા માગે છે. આ અંગે 2020માં બિલ પસાર કરાયું હતું પણ ભારે વિરોધ પછી તેને પાછું ખેંચી લેવાયું. પણ આ મોનસૂન સત્રમાં મુખ્યમંત્રીએ ફરી એકવાર રાજ્ય માટે 3 રાજધાનીની જરૂર હોવાની વાત કહી હતી. તેના પછી અમરાવતીના ખેડૂતોએ વિરોધ શરૂ કરી દીધો હતો. તેમનું કહેવું છે કે અમે અમરાવતીને રાજધાની બનાવવા માટે સરકારને પોતાની જમીનો આપી હતી. સરકારનો તર્ક છે કે તેનાથી વિકાસ સારી રીતે થઈ શકશે. અમરાવતીમાં રાજ્યની વિધાનસભા હશે, વિશાખાપટ્ટનમમાં કાર્યપાલિકા એટલે કે સરકાર બેસશે અને કુરનૂલમાં હાઈકોર્ટ હશે. રાજ્યમાં તમામ વિપક્ષી દળોએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને પછી આ મામલો સુપ્રીમમાં ગયો. હાલ આ મુદ્દાને ઉઠાવી ચંદ્રાબાબુ નાયડુ ફરી સત્તા મેળવવા માગે છે.

કલ્યાણ સાથે મુલાકાત દરમિયાન નાયડુએ વિપક્ષી એકતાનો સંદેશ આપવા પ્રયાસ કર્યો અને કહ્યું કે હું ગત 40 વર્ષથી રાજકારણમાં છું પણ આ સ્તરનું ખરાબ રાજકારણ નથી જોયું. રાજ્યમાં લોકતંત્રની મજાક બનાવાઈ રહી છે. રાજ્યના લોકતંત્રને બચાવવા તમામ પક્ષોએ એકજૂટ થવાની જરૂર છે. પવન કલ્યાણે ફક્ત એટલું જ કહ્યું કે અમે રણનીતિ બદલવા જઈ રહ્યા છીએ.

પહેલા આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળતાં ભાગલા પડ્યા હતાં
​​​​​​​આ પહેલીવાર નથી જ્યારે ટીડીપી, ભાજપ અને જન સેના એકજૂટ થશે. અગાઉ 2014ની લોકસભા ચૂંટણી પણ ભાજપ, ટીડીપી અને જન સેનાએ સાથે મળીને લડી હતી. તે સમયે ભાજપે રાજ્યને વિશેષ દરજ્જો આપવાનો વાયદો કર્યો હતો પણ સરકારની રચના પછી વાયદો પૂરો ન થતા જન સેના અને ટીડીપીએ ભાજપનો સાથ છોડી દીધો.

ગત ચૂંટણીમાં ત્રણેયનો વોટશેર 46%
2019ની ચૂંટણીમાં ટીડીપીનો વોટશેર 39.59%, જન સેનાનો 6.30% અને ભાજપનો 0.96% હતો. તેને મિલાવાય તો તે વાયએસઆર કોંગ્રેસના વોટશેરથી ફક્ત 3% ઓછો રહી જાય છે.હવે ત્રણેય પક્ષ એકજૂટ થાય તો મજબૂત પડકાર આપી શકશે.

અમરાવતીને રાજધાની બનાવો : રાહુલ
​​​​​​​આંધ્રપ્રદેશમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અમરાવતીના ખેડૂતો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે ખેડૂતોએ વિકાસ માટે પોતાની જમીનો આપી દીધી પણ તેમની સાથે વિશ્વાસઘાત કરાયો. માત્ર અમરાવતીને જ રાજધાની બનાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...