તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Politician Never Retires, Mentor Is The Copyright Of Those Half Pants: Lalu Prasad Yadav

જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલો ઇન્ટરવ્યુ ભાસ્કરમાં:રાજકારણી ક્યારેય નિવૃત્ત નથી થતા, માર્ગદર્શક તો પેલા હાફ પેન્ટવાળાનો કોપીરાઇટ છે: લાલુપ્રસાદ યાદવ

નવી દિલ્હીએક મહિનો પહેલા
લાલુુપ્રસાદ યાદવ - ફાઇલ તસવીર.
  • નીતીશના 2005-21ના કાર્યકાળનો પ્રોપેગેન્ડા આધારિત ગવર્નન્સનું સત્ય બિહાર જ નહીં, આખો દેશ જાણી ચૂક્યો છે: લાલુ

રાષ્ટ્રીય જનતા દળની સ્થાપનાનાં 25 વર્ષ આજે પૂરાં થઈ રહ્યાં છે. લાલુપ્રસાદ યાદવે 1997માં જનતા દળથી અલગ થઈને રાજદની રચના કરી હતી. વિપક્ષના આરોપો અને અદાલતી કાર્યવાહીનો સામનો કરીને લાલુએ ‘લાલટેન’ના દમ પર સરકાર બનાવી અને બચાવી. વિપક્ષમાં રહેવા છતાં રાજદની સાખ પણ જાળવી રાખી. જમાનત મળ્યા પછી દિલ્હીમાં આરામ કરી રહેલા લાલુએ પક્ષના સિલ્વર જ્યુબિલી સમારંભમાં ભાસ્કરના ઈન્દ્રભૂષણ સાથે ખાસ વાતચીત કરી. રજૂ છે એના મુખ્ય અંશ...

પ્રશ્નઃ હવે રાજકારણમાં સક્રિય થશો કે માર્ગદર્શકની ભૂમિકામાં રહેશો?
જવાબઃ નેતા ક્યારેય નિવૃત્ત નથી થતો. રાજકીય સક્રિયતાનો અર્થ સંસદ અને વિધાનસભાઓની ચૂંટણી છે? મારી રાજનીતિ ખેતરોથી લઈને સામાજિક ન્યાય અને વંચિતોના ઉત્થાન સાથે સંકળાયેલી છે, જે આજે પણ ચાલુ છે. માર્ગદર્શક તો પેલા હાફ પેન્ટવાળાનો કોપીરાઈટ છે. અમે તો ગરીબો-વંચિતોની લડાઈ માટે પેદા થયા છીએ.

પ્રશ્નઃ લાલુપ્રસાદ-રાબડીદેવીનાં 15 વર્ષ વિરુદ્ધ નીતીશનાં 15 વર્ષને કઈ રીતે જુઓ છો?
જવાબઃ આ તુલના પૂર્વગ્રહ વિના કરવી પડે. 1990-2005ના શાસનકાળનું સામાજિક-આર્થિક વિશ્લેષણ કરીને અમારા પર્ફોર્મન્સનું આકલન કરવું પડે, જે અસમાનતાથી ભરેલા સમાજમાં ઊંચી જાત-કુળની વ્યક્તિ માત્ર જન્મના આધારે બીજાને નીચા સમજે છે, એ સમાજમાં મોટાં મોટાં બિલ્ડિંગો, પુલો અને એરપોર્ટોનાં વખાણનો શું ફાયદો! પહેલા તમામને સમાન શિક્ષણ, આરોગ્ય સુવિધા આપવી પડે. વંચિત, ઉપેક્ષિતોને તેમનો હિસ્સો આપવો પડે. અમે એ જ કર્યું. નીતીશના 2005-21ના કાર્યકાળનો પ્રોપેગેન્ડા આધારિત ગવર્નન્સનું સત્ય બિહાર જ નહીં, આખો દેશ જાણી ચૂક્યો છે. હવે તો નીતીશના મંત્રી-ધારાસભ્યો જ તેમની કાર્યશૈલીનાં કાળાં કરતૂતો બહાર લાવી રહ્યા છે.

પ્રશ્નઃ શું લાલુ-નીતીશ ફરી સાથે આવી શકે છે?
જવાબઃ આ કાલ્પનિક સવાલ છે. 2015માં અમે નીતીશની સાથે તમામ વિરોધો ભૂલીને મહાગઠબંધનની જીત સુનિશ્ચિત કરી હતી. વધુ બેઠકો જીતી, પરંતુ મુખ્યમંત્રી પણ તેમને બનાવ્યા. શું થયું? નીતીશે પોણાબે વર્ષ પછી એ અભૂતપૂર્વ જનાદેશ સાથે શું કર્યું એનો સાક્ષી આખો દેશ છે. રાજનીતિમાં સિદ્ધાંત, વિચાર, નીતિ, નિયતિ અને કરોડરજ્જુનું મહત્ત્વ છે, જે નીતીશ ખોઈ ચૂક્યા છે.

પ્રશ્નઃ તમે કિંગમેકર ગણાઓ છો. રાષ્ટ્રીય સ્તરે કયા વિકલ્પ પર કામ કરશો?
જવાબઃ કિંગમેકર હોય છે શું? એ મીડિયાએ આપેલું નામ છે. સાજો થઈને એ પ્રજા પાસે જઈશ, જેમના પ્રેમથી હું સર્જાયો છું.

પ્રશ્નઃ 2024માં મોદીના વિકલ્પમાં કયો ચહેરો હશે?
જવાબઃ ગાંઠ બાંધી લો, જે પણ ચહેરો હશે તે સરમુખત્યારશાહી, અહંકાર અને આત્મમુગ્ધતાથી માઈલો દૂર હશે. છેલ્લાં છ વર્ષના શાસનમાં એટલું નક્કી છે કે આત્મ-કેન્દ્રિત અને વ્યક્તિ-કેન્દ્રિત શાસન લોકતંત્રનાં મૂળિયાં ક્યારેય મજબૂત નથી કરી શકતું.

પ્રશ્નઃ તમારા રાજમાં કાયદો-વ્યવસ્થામાં ચૂક થઈ હતી? જંગલરાજનો મુદ્દો હજુ પણ છે?
જવાબઃ બિહારના કોઈ ખૂણામાં જઈને કોઈ જાતના સામાન્ય પરિવારને પૂછો. સત્તાધારી ધારાસભ્યોને પૂછો. તેઓ આજે તમને મહા જંગલરાજની હકીકતથી રુબરૂ કરાવશે. કોઈપણ સરકાર પોતાના કાર્યકાળમાં થયેલા ગુનાને જસ્ટિફાય ના કરી શકે, પરંતુ એ વખતે જંગલરાજનો રાગ છેડનારા મોટા ભાગના લોકો એ હતા, જેમનું મારા સત્તામાં આવ્યા પછી પ્રભુત્વ સમાપ્ત થઈ ગયું હતું. એ 15 વર્ષ, 1990થી 2005 અને છેલ્લાં 15 વર્ષ, 2006થી 2021ના ગુનાના સરકારી આંકડાની નિષ્પક્ષ તપાસ અને નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડાનો તુલનાત્મક અભ્યાસ કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

પ્રશ્નઃ શું તમારા જેવા જમીની નેતાનું સ્થાન તેજસ્વી યાદવ લઈ શકશે? જદયુ-ભાજપનો આરોપ છે કે તે મોટા ભાગે દિલ્હીમાં હોય છે.
જવાબઃ તેજસ્વીની સક્રિયતાને કારણે જ નીતીશ માંડ 40 બેઠક જીત્યા. તેઓ 16 વર્ષથી સત્તામાં છે. પોતે કશું નથી કરતા. કોરોનાના ચાર મહિનામાં મોટા ભાગનો સમય તેઓ ડરના માર્યા ઘર બહાર ના નીકળ્યા, જ્યારે તેજસ્વી દુકાળ-પૂરમાં અને બેકારીના મુદ્દે પણ આખું બિહાર ફર્યા છે. મુઝફ્ફરપુર બાલિકા ગૃહકાંડને પણ તે દિલ્હીના જંતરમંતર સુધી લાવ્યો. જુલાઈ 2017માં સરકારમાંથી હટ્યા પછી તેજસ્વીએ પ્રખંડ અને પંચાયત સ્તરે 18 હજાર કિ.મી.નો પ્રવાસ કર્યો અને ત્રણવાર આખા બિહારનો પ્રવાસ કર્યો છે.

પ્રશ્નઃ વિપક્ષ મોંઘવારીને મુદ્દો નથી બનાવી શકતો, જ્યારે પેટ્રોલ 100 અને સરસવનું તેલ 200 પાર થઈ ગયું છે?
જવાબઃ આ અર્ધસત્ય છે. સત્તાના ચશ્માંથી ના જુઓ. શું વિપક્ષના આંદોલનને કવરેજ મળે છે? આઝાદી પછી દેશમાં આવી પ્રજાવિરોધી અને સરમુખત્યાર સરકાર ના આપણે જોઈ છે, ના સાંભળી છે. ઘણા મુદ્દે સામાન્ય લોકોમાં ધીમે ધીમે આક્રોશ વધી રહ્યો છે. સમય આવ્યે સામાન્યજન મોટામાં મોટી હકૂમતોને તેમની હેસિયત બતાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...