રાજકારણમાં અપરાધીઓના હિસ્સાને ઓછો કરવાની દિશામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે તમામ રાજકીય દળોએ પસંદગીના 48 કલાકની અંદર તેમનો ક્રિમિનલ રેકોર્ડ પબ્લિશ કરવો પડશે.
સુપ્રીમ કોર્ટના નવા આદેશ મુજબ, તમામ પાર્ટીઓએ પોતાના તમામ ઉમેદવારોની માહિતી પોતાની વેબસાઈટ પર મૂકવાની રહેશે અને બે ન્યૂઝપેપરમાં પણ પ્રસિદ્ધ કરવાની રહેશે. ઉમેદવારોના પસંદગીના 72 કલાકની અંદર આ આદેશના પાલનનો રિપોર્ટ ઈલેક્શન કમિશનને સોંપવો જરૂરી છે.
ફેબ્રુઆરીના આદેશમાં કરવામાં આવ્યો ફેરફાર
નવા આદેશની સાથે જ કોર્ટે ફેબ્રુઆરી 2020માં આપેલા એના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે તેના પેરેગ્રાફ 4.4માં આદેશ કર્યો હતો કે ઉમેદવારની પસંદગીના 48 કલાકની અંદર કે નામાંકન ભરવાની પહેલી તારીખનાં બે સપ્તાહની અંદર(આ બંનેમાંથી જે પહેલું હોય) ઉમેદવારોની સમગ્ર માહિતી આપવાની રહેશે.
48 કલાકમાં જ આપવાની રહેશે માહિતી
જસ્ટિસ આર. એફ. નરીમન અને બીઆર ગાવઈની બેન્ચે મંગળવારે કહ્યું હતું કે તેમણે તેમના આદેશના પેરેગ્રાફ 4.4માં ફેરફાર કર્યો છે. નવા આદેશ મુજબ, રાજકીય પક્ષોએ 48 કલાકની અંદર જ ઉમેદવારોની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
ગત મહિને કોર્ટે કહ્યું હતું કે એવી શક્યતા ખૂબ જ ઓછી છે કે અપરાધીઓને રાજકારણમાં આવવાથી અને ચૂંટણીમાં ઊભા રહેવાથી રોકવા માટે વિધાનસભા કંઈક કરશે. પોતાનો ચુકાદો સંભળાવતાં કોર્ટે રાજકારણમાં ઝડપથી વધી રહેલા અપરાધીઓ વિશે ચિંતા વ્યક્ત કરી.
નવેમ્બરમાં દાખલ કરવામાં આવી હતી અરજી
નવેમ્બર 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તે પક્ષોની વિરુદ્ધ માનહાનિની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમણે પોતાના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડની માહિતી આપી ન હતી. કોર્ટ આ કેસમાં ચુકાદો સંભળાવી રહી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.