ગ્રેટર નોઈડામાં એક દંપતિ 1 કરોડના દાગીનાથી ભરેલી બેગ ઉબેર કેબમાં ભૂલી ગયું. તેમણૈ બિસરખ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે જાણકારી આપી. ત્યાર બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને માત્ર 4 કલાકમાં કેબને શોધી દંપતિને બેગ પરત સોંપી દીધી. દંપતી પોતાની દીકરીના મહેંદી ફંક્શન માટે દાગીના લઈને હોટલ જઈ રહ્યાં હતા, આ દરમિયાન કેબની ડેકીમાં તેઓ દાગીના ભરેલી બેગ ભૂલી ગયા.
દીકરીના લગ્ન માટે માટે લંડનથી આવ્યો હતો NRI પરિવાર
નિખિલ્શ કુમાર સિન્હા પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. તાજેતરમાં જ તેઓ પોતાની દીકરીના લગ્ન માટે ભારત આવ્યા છે.બુધવારે ગ્રેટર નોઈડાના સરોવર પોર્ટિકો હોટલમાં પોતાની દીકરીનો મહેંદી ફંક્શન યોજ્યો હતો. હોટલ પહોંચવા માટે નિખિલેશ સિન્હાએ ગુરૂગ્રામથી ઉબેર કેબ બુક કરાવી, પરંતુ જ્યારે તેઓ હોટલ પહોંચ્યા તો તેમને યાદ આવ્યું કે દાગીના ભરેલી બેગ કેબમાં જ ભૂલી ગયા છે.
પોલીસે કેબનું લાઈવ લોકેશન ટ્રેક કર્યું
NRIએ આ સમગ્ર ઘટનાની જાણકારી બિસરખ પોલીસ સ્ટેશનને આપી. પોલીસે કેબનું લાઈવ લોકેશન ટ્રેક કર્યું અને ગાઝિયાબાદના લાલકુવામાં ડ્રાઈવરને શોધી કાઢ્યો. ડ્રાઈવરે જણાવ્યું કે નિખિલેશ બાદ તેણે અન્ય ઘણી રાઈડ્સ પૂરી કરી હતી અને તેને દાગીના ભરેલી બેગ વિશે કોઈ જ જાણકારી નહોતી. પોલીસે કારની ડેકીમાંથી બેગ લઈ NRI પરિવારને પરત સોંપી હતી. ત્યાર બાદ નિખિલેશ અને તેમના પરિવારે પોલીસનો આભાર માન્યો હતો..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.