ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનાર યુવકની ધરપકડ:પોલીસે બેંગલુરુમાંથી ઝડપ્યો, આરોપીના પિતાએ કહ્યું- મારો પુત્ર સંસ્કારી છે

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • આરોપીના પિતાએ કહ્યું- મહિલાએ રૂપિયાની માગ કરી હતી

ન્યૂયોર્કથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી શંકર મિશ્રાને બેંગલુરુમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. મિશ્રા એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો હતો. આ ઘટના બાદ કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

પોલીસે આરોપી શંકર મિશ્રાના પિતા શ્યામ મિશ્રાને પણ નોટિસ આપી છે. તેઓ કહી રહ્યા છે કે મારા પુત્ર પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. પીડિતાએ વળતર માગ્યું હતું, અમે તેને વળતર પણ આપ્યું, પછી ખબર નહીં શું થયું. કદાચ તે મહિલાની માગ કંઈક બીજી જ હશે, જે પૂરી ન થઈ શકી, એટલે જ તે નારાજ છે. શક્ય છે કે તેને બ્લેકમેઇલ કરવા માટે આવું કરવામાં આવ્યું હોય.

આ તસવીર આરોપીના પિતા શ્યામ મિશ્રાની છે.
આ તસવીર આરોપીના પિતા શ્યામ મિશ્રાની છે.

આરોપીના પિતાએ કહ્યું- પુત્ર થાકેલો હતો
આરોપીના પિતાએ જણાવ્યું હતુ કે શંકર થાકેલો હતો. તે બે દિવસથી સૂતો પણ નહોતો. ફ્લાઈટમાં તેને ડ્રિન્ક આપવામાં આવ્યું હતું, એ પીધા બાદ તે સૂઈ ગયો હતો. જ્યારે તે જાગ્યો ત્યારે એરલાઈન્સના સ્ટાફે તેની પૂછપરછ કરી હતી. મારો દીકરો સંસ્કારી છે અને તે આવું કામ કરી શકે નહીં. બીજી તરફ, પોલીસે શનિવારે એર ઈન્ડિયાના સ્ટાફને 10.30 વાગ્યે બીજું સમન જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં દિલ્હી પોલીસે એરક્રાફ્ટના સ્ટાફને શુક્રવારે નોટિસ પાઠવી હતી, પરંતુ ફ્લાઈટ સ્ટાફ આવ્યો નહોતો.

'શંકર મિશ્રાએ ચાર પેગ દારૂ પીધો હતો, તે ભાનમાં નહોતો', ફ્લાઈટમાં હાજર નજરે જોનારે જણાવ્યું
26 નવેમ્બરે ફ્લાઈટમાં બનેલી ઘટનાને નજરે જોનાર ડૉ. સૌગતા ભટ્ટાચાર્ય સામે આવ્યા છે. તેમણે આ મામલે મીડિયા સાથે ખૂલીને વાત કરી હતી. તેમણે ઘટના વિશે જે વાતો જણાવી એ ખૂબ જ ચોંકાવનારી છે. તેમના કહેવા પ્રમાણે, શંકર મિશ્રા એ દિવસે ખરાબ રીતે નશામાં હતો. આ સિવાય આ સમગ્ર મામલે એર ઈન્ડિયાનો સ્ટાફે ગંભીર બેદરકારી દાખવી હતી. તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી અને પીડિત મહિલાને જે તાત્કાલિક રાહત મળવી જોઈતી હતી એ પણ આપવામાં આવી નહીં.

મેં ક્રૂ-મેમ્બરને કહ્યું હતું કે શંકર મિશ્રાએ વધુપડતો દારૂ પીધો છે, તમે લોકો ધ્યાન રાખશો
ફ્લાઇટે લગભગ 12:30 વાગે ઉડાન ભરી હતી. હું 8 આલ્ફામાં બેઠો હતો અને શંકર મિશ્રા 8 ચાર્લીમાં બેઠો હતો. લગભગ એક કલાક પછી લંચ પીરસવામાં આવ્યું, તેથી મેં લંચ સેશનમાં જોયું કે તેમણે વ્હિસ્કીના ચાર પેગ પીધા. આ દરમિયાન હું તેમની સાથે પેસેન્જર તરીકે વાત કરી રહ્યો હતો. તેમણે મને ઘણી વખત એક જ વાત પૂછી હતી. તેમણે મને ત્રણવાર પૂછ્યું કે તમારે કેટલાં બાળકો છે. લંચ પછી મેં ક્રૂ-મેમ્બરને કહ્યું કે શંકર મિશ્રાએ વધુપડતો દારૂ પીધો છે, તમે લોકો ધ્યાન રાખશો, તેને વધુ દારૂ ન આપતા.

ત્યાર બાદ હું પાછો આવીને બેસી ગયો હતો. થોડીવાર બાદ અવાજ સંભળાયો, મેં જોયું તો મિશ્રા પોતાની સીટ પરથી પડી ગયા હતા અને સૂઈ રહ્યા હતા. આ પછી હું વોશરૂમ જવા માટે ગેલરી તરફ ગયો. થોડીવાર પછી મેં એક મહિલાને ગેલરી તરફ આવતી જોઈ. તેના આખા શરીર પર પાણી જેવું કંઈક લાગેલું હતું. એ સમયે તે ખૂબ જ ડરી ગઈ હતી. જોકે બુમો પાડ્યા વિના ફરિયાદ કરી કે એક મુસાફરે આવીને તેના પર પેશાબ કર્યો. આ સાંભળીને અમે બધા ચોંકી ગયા. આ પછી ફ્લાઈટના જુનિયર મોસ્ટ સ્ટાફ રેબેકા અને રુબિકાએ તરત જ તેમને સાફ કર્યા. જોકે આ દરમિયાન મિશ્રા સૂતા રહ્યા. લગભગ અઢી કલાક પછી તેઓ જાગ્યા હતા.

મહિલાને બીજી સીટ આપવામાં આવી નહોતી
મારી ફરિયાદ એવી હતી કે ઘટનાના લગભગ 3 કલાક પછી પણ વૃદ્ધ મહિલાને બીજી સીટ આપવામાં આવી ન હતી, જ્યારે ચાર ફર્સ્ટ ક્લાસ સીટ ખાલી પડી હતી. મેં ઘણી વખત કહ્યા પછી પણ તેમણે મહિલાને સીટ આપી ન હતી. તેમણે મહિલાને પહેલા ગેલરીવાળી સીટ પર બેસાડી, પછી એ સીટ પર કે જેના પર શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો એ જ સીટ પર ધાબળો મૂકીને તેને બેસાડી દીધી હતી. મેં તેમને પૂછ્યું હતું કે તેમને શિફ્ટ કેમ કરવામાં આવતાં નથી તો મને જણાવ્યું હતું કે અમે ફ્લાઈટ ઈન કમાન્ડની મંજૂરી વિના તેમને ફર્સ્ટ ક્લાસમાં શિફ્ટ કરી શકીએ નહીં. આ પછી જ્યારે તેમના એક ક્રૂ- મેમ્બરની સીટ ખાલી થઈ ત્યારે તેમને સીટ આપવામાં આવી હતી.

આરોપીએ પોતાની નોકરી પણ ગુમાવી
બીજી તરફ આરોપી શંકર મિશ્રાને વેલ્સ ફાર્ગો એન્ડ કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો છે. કંપનીએ કહ્યું- અમે પ્રોફેશનલ બિહેવિયરના હાયર સ્ટાન્ડર્ડ પર કામ કરીએ છીએ. અમારા કર્મચારીનું આવું કૃત્ય માફીને લાયક નથી. દિલ્હી પોલીસે આરોપી સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યું હતું અને તેના ગુમ થવા અંગેની માહિતી યુએસ સ્થિત વેલ્સ ફાર્ગો કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટને જણાવવામાં આવી છે.

મુંબઈમાં આરોપીના ઘરે માત્ર નોકરાણી જ મળી
આ તરફ શુક્રવારે મુંબઈમાં કુર્લા ખાતે આરોપીના ઘરે પોલીસ પહોંચી હતી. અહીં પોલીસને આરોપી અને તેનો પરિવાર મળ્યો નહોતો. ઘરે માત્ર કામ કરનારી મેડ સંગીતા જ મળી હતી. તેણે જણાવ્યું હતું કે ઘરમાં 3 બાળક અને એક મહિલાની સાથે રહે છે. તે પરિવારના સભ્યોનાં નામ જાણતી નહોતી, પણ લાસ્ટ નામ મિશ્રા છે.

પોલીસને તેની નોકરાણી સંગીતા આરોપી શંકર મિશ્રાના ઘરે મળી હતી.
પોલીસને તેની નોકરાણી સંગીતા આરોપી શંકર મિશ્રાના ઘરે મળી હતી.

સંગીતા છેલ્લા એક વર્ષથી આ ઘરમાં કામ કરી રહી છે. બુધવાર સુધી આખો પરિવાર ઘરે જ હતો. ગુરુવારે સંગીતા રજા પર હતી. જ્યારે તે શુક્રવારે આવી તો જોયું કે ઘર બંધ હતું. તેણે જણાવ્યું હતું કે પરિવારે જણાવ્યું પણ નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. આ પહેલાં દર વખતે બહાર જતાં પહેલાં પરિવાર તેને જણાવીને જતો હતો, ઘરે રહેલી કાર પણ તેમની છે.

પીડિત મહિલા અને આરોપીના વ્હોટ્સએપ ચેટ સામે આવ્યાં
જે મહિલા પર આરોપી શંકર મિશ્રાએ ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કર્યો હતો એ ઘટનાના બીજી દિવસે વ્હોટ્સએપ પર વાતચીત કરવામાં આવી હતી. 27 નવેમ્બરે ચેટમાં પીડિત મહિલા આરોપી પાસેથી પાંચ હજાર રૂપિયા આપવાની વાત કરે છે. તે જણાવે છે કે આ ઘટનાથી મારી પુત્રી અને જમાઈ ખૂબ જ નારાજ છે, પરંતુ મેં તેમને ફરિયાદ નોંધાવતા રોક્યા છે. તેણે કહ્યું હતું કે આરોપીને ઘણો પસ્તાવો થઈ રહ્યો છે.

તેના જવાબમાં આરોપી પીડિતાનો આભાર વ્યક્ત કરે છે. આરોપી પીડિત મહિલાને વહેલી તકે રૂપિયા આપવાની વાત કરે છે. તે માફી માગતા કહે છે કે હવે પછી આ પ્રકારનું કૃત્ય ક્યારેય થશે નહીં. બાદમાં 28 નવેમ્બરે આરોપી પીડિત મહિલાને જણાવે છે કે તેમનાં કપડાં ધોવા માટે મોકલી આપ્યાં છે, જે બીજા દિવસે તેમને પરત પહોંચાડી દેશે. ત્યાર બાદ તે કહે છે કે તેમને 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યો છે. આ તરફ પીડિત પણ રૂપિયા મળવાની પુષ્ટિ કરે છે અને આરોપીને બેંગલુરુ પહોંચવાની વાત કરે છે.

આરોપી મહિલાને કહે છે કે તે તેમની તમામ ચીજો રવિવાર સુધીમાં તેમને પહોંચાડી દેશે. ત્યાર બાદ બંનેની વચ્ચે ચાર ડિસેમ્બરે ફરીથી ચેટ થાય છે, જેમાં આરોપી દ્વારા મહિલાના ઘરે કુરિયર પહોંચાડવામાં આવે છે.

મહિલાની પુત્રીએ આરોપીએ મોકલેલા 15,000 રૂપિયા એમ કહીને પરત કરી દીધા હતા કે પૈસા આ બાબતની ભરપાઈ કરી શકે એમ નથી.
મહિલાની પુત્રીએ આરોપીએ મોકલેલા 15,000 રૂપિયા એમ કહીને પરત કરી દીધા હતા કે પૈસા આ બાબતની ભરપાઈ કરી શકે એમ નથી.

તેના બીજા જ દિવસે 5 ડિસેમ્બરે મહિલાના મોબાઈલ ફોનથી આરોપીના ફોન પર વધુ એક મેસેજ આવે છે, જેને મહિલાની પુત્રીએ મોકલ્યો હતો. તે મેસેજમાં જણાવે છે કે પીડિત મહિલા આ ઘટનાથી આઘાતમાં છે. જેથી પરિવાર ખૂબ જ નારાજ છે. પીડિત મહિલાની પુત્રી કહે છે કે આ ઘટનાની ભરપાઈ રૂપિયાથી નહીં થાય અને 15 હજાર રૂપિયા આરોપીને પરત આપી દે છે.

આરોપીના પિતાએ કહ્યું- મહિલાએ રૂપિયાની માગ કરી હતી
આરોપી શંકર મિશ્રાના પિતા શ્યામ મિશ્રાએ જણાવ્યું હતું કે આ સમગ્ર કેસ ખોટો છે. મહિલાએ રૂપિયાની માગ કરી હતી, તેને રૂપિયા આપવામાં આવ્યા હતા, પણ તેની જે ડિમાન્ડ હતી એ પૂરી થઈ નહિ, માટે તેણે આ આરોપ લગાવ્યા છે. અમે પણ પુત્રનો સંપર્ક કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. તે ક્યાં છે, તે અમને પણ ખબર નથી. મારો પુત્ર આવું કામ કરી જ ન શકે.

DGCA હાથકડી જેવા ડિવાઇસની ભલામણ કરી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ફ્લાઇટમાં મુસાફરોના પેશાબ કરવા જેવી ઘટનાઓને અપમાનજનક શારીરિક હિંસા તરીકે માને છે. DGCA આવા બેકાબૂ મુસાફરોને નિયંત્રિત કરવા માટે ફ્લાઇટમાં હાથકડી જેવા ડિવાઈસની ભલામણ કરી છે, જેથી ક્રૂ-સભ્યો તેમના કૃત્યને રોકી શકે. ભારતમાં એર એશિયા જેવી કેટલીક એરલાઇન્સ એને એરક્રાફ્ટ કેબિનમાં રાખી રહી છે.

ગયા વર્ષે 26 નવેમ્બરે બની હતી ઘટના
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર એક વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલી વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. ઘટના ગયા વર્ષે 26 નવેમ્બરની છે. આ ઘટના અંગે એરલાઈને કોઈ કાર્યવાહી કરી નહોતી. વૃદ્ધ મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેનને ફરિયાદ કરી હતી, ત્યાર બાદ એરલાઈનના અધિકારીઓ એક્ટિવ થયા હતા અને દિલ્હી પોલીસમાં FIR નોંધાવી હતી.

અન્ય સમાચાર પણ વાંચો...
ફ્લાઈટમાં પેસેન્જરો વચ્ચે ધબધબાટી, VIDEO:પ્લેન બેંગકોકથી ભારત આવતું'તું; ઉગ્ર બોલાચાલીથી માથાકૂટ શરૂ થઈ ને મારામારી સુધી પહોંચી ગઈ

થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લાઈટ બેંગકોકથી ભારત આવી રહી હતી. આ વીડિયો 27 ડિસેમ્બર 2022નો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક મુસાફરે પોતાના ફોનમાં શૂટ કરી લીધો હતો.

ફ્લાઇટ એટેન્ડન્ટે પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો
51 સેકન્ડના આ વીડિયોમાં બે લોકો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે. આ દરમિયાન એક ફ્લાઇટ એટેન્ડન્ટ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરે છે. જોકે પ્રથમ વ્યક્તિ તેનાં ચશ્માં ઉતારે છે અને બીજી વ્યક્તિને થપ્પડ મારવા લાગે છે. જોતજોતાંમાં તેના મિત્રો પણ ઝઘડો કરવા લાગે છે. આ દરમિયાન બીજી એક વ્યક્તિ બચાવવાનો પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...