• Gujarati News
  • National
  • Pochampalli In Tamil Nadu Is UN's 'Best Tourism Village', With Sari Trade Over ~ 200 Crore

આંતરરાષ્ટ્રીય ઓળખ:તમિલનાડુનું પોચમપલ્લી UNનું ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’, અહીં સાડીનો વેપાર ~200 કરોડથી વધુ

હૈદરાબાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેલંગાણાના ગામની વણાટ શૈલીને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી
  • આ ગામના કારીગરો પર બેનેગલ ‘સુસ્માન’ ફિલ્મ બનાવી ચૂક્યા છે

તેલંગાણાના નલગોન્ડા જિલ્લાના પોચમપલ્લી ગામનું નામ કદાચ તમે નહીં સાંભળ્યું હોય, પરંતુ પોચમપલ્લીની સાડીઓ આખી દુનિયામાં પ્રખ્યાત છે. હૈદરાબાદથી 40 કિ.મી. દૂરનું આ ગામ હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસનના નકશા પર આવી ગયું છે. યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશને (યુએનડબ્લ્યુટીઓ) પોચમપલ્લીને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. હવે આ ગામને સ્પેનના મેડ્રિડમાં 2 ડિસેમ્બરે આયોજિત સામાન્ય સભામાં પુરસ્કૃત કરાશે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, પોચમપલ્લીની વણાટશૈલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ થકી આ ઓળખ મળી છે. પોચમપલ્લીની બીજી વિશેષતા એ છે કે, વિનોબા ભાવેએ આ જ ગામમાંથી 18 એપ્રિલ, 1951ના રોજ ભૂદાન આંદોલન શરૂ કર્યું હતું.

તેમના એક અવાજે અહીંના જમીનદારોએ 250 એકર જમીન દાન કરી દીધી હતી. શ્યામ બેનેગલે પણ 1980માં આ જ ગામ આધારિત ‘સુસ્માન’ ફિલ્મ બનાવી હતી, જેમાં શબાના આઝમી, ઓમ પુરી અને નીના ગુપ્તા જેવાં દિગ્ગજ કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં પણ હેન્ડલૂમ કારીગરોની વાત કરાઈ હતી. એટલું જ નહીં, એર ઈન્ડિયાનો કેબિન ક્રૂ સ્ટાફ પણ આ ગામની સાડીઓ પહેરે છે.

આશરે 80 જેટલા કસબાનો સમૂહ ધરાવતા પોચમપલ્લીનાં દરેક ઘરમાં હેન્ડલૂમનું કામ થાય છે. અહીં 1500થી વધુ પરિવાર રહે છે અને હેન્ડલૂમ 10 હજાર છે. અહીં એક સાડી બનતા દસ દિવસ લાગે છે. આ ગામ વર્ષેદહાડે સાડીઓનો રૂ. 200 કરોડથી વધુનો વેપાર કરે છે, જેની ફ્રાન્સ સહિતના યુરોપિયન દેશો, દુબઈ, મલેશિયા અને શ્રીલંકામાં પણ નિકાસ થાય છે.

મ.પ્રદેશનું લઘપુરા, મેઘાલયનું વ્હિસલિંગ વિલેજ રેસમાં હતાં
યુએનડબ્લ્યુટીઓ દર વર્ષે દુનિયાનું મુલાકાત લેવા જેવું શ્રેષ્ઠ ગામ જાહેર કરે છે, જેનો હેતુ સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. પ્રવાસન મંત્રાલયે યુએનને કુલ ત્રણ ગામની ભલામણ કરી હતી. તેમાં મધ્યપ્રદેશનું લઘપુરા અને મેઘાલયનું વ્હિસલિંગ વિલેજ તરીકે ઓળખાતું કોંગથોંગ પણ સામેલ હતાં.

અન્ય સમાચારો પણ છે...