• Gujarati News
  • National
  • PM To Visit Punjab For First Time Today After Withdrawing Agriculture Law, To Lay Foundation Stone Of Rs 4200 Crore Projects

મોદીની સુરક્ષામાં મોટી ચૂક:હેલિકોપ્ટરના બદલે મોદી કારમાં પહોંચ્યા તો ખેડૂતોએ રસ્તો રોક્યો, PMએ કહ્યું- હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, એ માટે CMને થેન્કસ કહેજો

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો આંદોલનકારી ખેડૂતોએ રોક્યો હતો
  • આ સમગ્ર ઘટનાના પગલે પંજાબના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા, જોકે અંતિમ સમયે આ કાર્યક્રમને મોકૂફ રખાયા છે. પહેલા વરસાદને કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો હોય એવું માનવામાં આવતું હતું, જોકે હવે આ માટે સુરક્ષાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે અને પંજાબ સરકાર પાસે જવાબ પણ માગવામાં આવ્યો છે. BJPએ આ મામલે મુખ્યમંત્રી ચન્ની પાસે રાજીનામું પણ માગ્યું છે. ઘટનાની ગંભીરતા વ્યક્ત કરતા ભઠિંડા એરપોર્ટ પર મોદીએ અધિકારીઓને કહ્યું- હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, તે માટે તમારા CMને થેન્કસ કહેજો. નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો આંદોલનકારી ખેડૂતોએ રોકી લીધો હતો. તેના પગલે સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા છે. આ સમગ્ર ઘટનાના પગલે પંજાબના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને એમાં લખવામાં આવ્યું છે કે પીએમ સવારે બઠિંડા પહોંચ્યા હતા. પછી તેમને ત્યાંથી હેલિકોપ્ટરથી હુસૈનીવાલમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું હતું. જોકે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે પહેલા PMને 20 મિનિટની રાહ જોવા પડી હતી. પછીથી તેમણે આકાશ સાફ ન દેખાતાં રોડ માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો, એમાં લગભગ 2 કલાકનો સમય લાગવાનો હતો.

ફલાઈ ઓવરને દેખાવકારોએ જામ કર્યો હતો, તેના પગલે મોદીનો કાફલો રોકાયો હતો.
ફલાઈ ઓવરને દેખાવકારોએ જામ કર્યો હતો, તેના પગલે મોદીનો કાફલો રોકાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોઝપુરના પ્રવાસે હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત લીધા પછી વડાપ્રધાનનો આ પંજાબનો પ્રથમ પ્રવાસ હતો. દિલ્હીમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધના આંદોલનમાં મોટા ભાગના ખેડૂતો પંજાબના હતા.

વડાપ્રધાનનો કાફલો રોકવામાં આવ્યા પછી હાજર SPGના અધિકારીઓ.
વડાપ્રધાનનો કાફલો રોકવામાં આવ્યા પછી હાજર SPGના અધિકારીઓ.
શહીદ સ્મારક પહોંચવામાં લગભગ 30 મિનિટ સુધી ફ્લાઈ ઓવર પર મોદીનો કાફલો ફંસાયેલો રહ્યો હતો.
શહીદ સ્મારક પહોંચવામાં લગભગ 30 મિનિટ સુધી ફ્લાઈ ઓવર પર મોદીનો કાફલો ફંસાયેલો રહ્યો હતો.

પીએમ મોદી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વે, અમૃતસર-ઉના ખંડને ફોર લેનમાં બદલવા, મુકેરિયા-તલવાડા નવી મોટી રેલવેલાઈન, ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્ર અને કપૂરથલા અને હોશિયારપુરમાં બે નવી મેડિકલ કોલેજની સ્થાપના સંબંધી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા.

કોણે શું દાવો કર્યો
ભાજપે કહ્યું- કોંગ્રેસનું ષડયંત્ર
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગેનું કારણ જણાવ્યું છે. તેમણે રેલી રદ થયા પછી ઘણા ટ્વિટ કર્યા હતા. તેમણે આ અંગે લખ્યું- પંજાબની કોંગ્રેસ સરકાર વિકાસ વિરોધી છે અને તેને સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓની પણ કદર નથી. વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી જવી એ વાત સૌથી હેરાન કરનારી છે. દેખાવકારોને પીએમના રૂટમાં ઘુસવાની પરવાનગી આપવામાં આવી. જોકે પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપીએ SPGને ભરોસો અપાવ્યો હતો કે રસ્તો સુરક્ષિત છે. આ અંગેના મામલાનો ઉકેલ આવે કે આ અંગે કોઈ વાત થઈ શકે તે માટે પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ ફોન પણ ઉઠાવ્યો નહોતો. કોંગ્રેસ સરકાર જે રીતનો ઉપયોગ કરી રહી છે, તેને જોઈને લોકશાહીના મુલ્યો પર ભરોસો કરનારાઓને દુઃખ થશે.

ગૃહ મંત્રાલયે કહ્યું- વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક
વડાપ્રધાન મોદી ભઠિંડા ઉતર્યા પછી ખરાબ વાતાવરણના કરાણે 20 મિનિટ સુધી રાહ જોયા પછી તે રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારક સુધી ગયા હતા. તેમાં તેમને 2 કલાક સુધીનો સમય લાગવાનો હતો. પંજાબના ડીજીપીએ ભરોસો અપાવ્યો, તે પછીથી કાફલો આગળ વધ્યો હતો. હુસૈનીવાલામાં શહીદ સ્મારકના 30 કિલોમીટર પહેલા તેમનો કાફલો એક ફલાય ઓવર સુધી પહોંચ્યો, જ્યાં દેખાવકારોએ રોડ બ્લોક કર્યો હતો. મોદી અહીં 15-20 મિનિટ સુધી ફસાયેલા રહ્યાં હતા. અહીં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક રહી ગઈ હતી.

ખેડૂતોનો દાવો- અમારા વિરોધના કારણે કાર્યક્રમ રદ
કિસાન એકતા મોરચાએ કહ્યું- અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મોદીની રેલી રદ થવાનું કારણ ખેડૂતો અને પંજાબના લોકોનો ભીષણ વિરોધ છે. જેમણે મોદીનો અસ્વીકાર કર્યો છે. તેના પગલે મોદીએ પોતાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. મોદીની રેલીમાં પણ ઘણા ઓછા લોકો હાજર હતા. આ પૈકીના મોટાભાગના લોકોને બળજબરીપૂર્વક રેલીમાં મોકલવામાં આવ્યા હતા. પંજાબીઓના નેગેટિવ રિસ્પોન્સના કારણે મોદીએ પોતાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

સુરક્ષામાં ચૂક પછી ઉઠ્યા 3 સવાલ
1. ભઠિંડાથી મોદી હેલિકોપ્ટરની જગ્યાએ રોડથી જઈ રહ્યાં હતા. અંતિમ સમયે કાર્યક્રમમાં કરવામાં આવેલા ફેરફારની માહિતી માત્ર પંજાબ પોલીસને જ હતી. તો પછી પીએમનો રૂટ કઈ રીતે બ્લોક થયો.
2. મોદીના રૂટ પર ઉભેલા ખેડૂતોને પંજાબ પોલીસે સમય રહેતા શાં માટે ન હટાવ્યા?
3. મોદીના રૂટ પર બેઠેલા ખેડૂતો કદાચ હટવા તૈયાર નહોતા તો પીએમનો રૂટ શાં માટે ન બદલવામાં આવ્યો?

પંજાબમાં લાગે રાષ્ટ્રપતિ શાસન- કેપ્ટન અમરિંદર સિંહ
પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે રાજ્યને સુરક્ષિત રાખવું હોય તો તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. તેમણે કહ્યું કે જો તમે એક વડાપ્રધાનને સુરક્ષા ન આપી શકો તો પછી આ કેવા પ્રકારનું શાસન. પંજાબને સુરક્ષિત રાખવા માટે રાષ્ટ્રપતિ શાસન જરૂર છે. આપણે પાકિસ્તાન બોર્ડરથી માત્ર 10 કિલોમીટર દૂર હતા, છતાં પણ સરકાર પીએમની સુરક્ષા કરી શકી નહોતી.

પંજાબ સરકાર પાસેથી વિગતે રિપોર્ટ માંગવામાં આવ્યો
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ પીએમની સુરક્ષા માટે રસ્તા પરથી પસાર થવા માટે વધુ સુરક્ષ જોઈતી હતી, જોકે આવો કોઈ બંદોબસ્ત કરવામાં આવ્યો નહોતો. તેના કારણે પીએમએ ભઠિંડા પરત ફરવું પડ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાની નોંધ લીધી છે અને તેને સુરક્ષાની ગંભીર ચૂક ગણાવી છે. આ અંગે પંજાબ સરકાર પાસેથી વિગતે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સિવાય રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે કે આ મામલાની જવાબદારી ફિક્સ કરીને સખ્ત એક્શન લેવામાં આવે.

ફિરોઝપુરમાં હતી રેલી, ઘણી જગ્યાએ ભાજપની બસોને રોકવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુરમાં ચૂંટણી રેલી હતી. ખેડૂત આંદોલન પુરુ થયા પછી પ્રથમ વખત મોદી પંજાબમાં આવ્યા હતા. તેઓ હવામાન ખરાબ હોવાના કારણે ભઠિંડાથી રોડ માર્ગે ફિરોઝપુર જઈ રહ્યાં હતા. આ દરમિયાન તેમના પ્રવાસનો વિરોધ થઈ રહ્યો હતો. ઘણી જગ્યાઓ પર ભાજપના કાર્યકર્તાઓની બસને રોકવામાં આવી હતી. તે પછીથી આ રેલીને રદ કરવામાં આવી હતી. તેમાં પહેલા વરસાદને કારણ ગણવામાં આવ્યું હતું, જોકે હવમાન અંગે તો પહેલેથી જ માહિતી મળી ગઈ હતી. જોકે આ મામલો સુરક્ષા ચૂક સાથે સંકળાયેલો હોવાના કારણે હવે પંજાબ સરકારના વલણ બાબતે સવાલ ઉઠવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...