• Gujarati News
  • National
  • A Hearing Will Be Held In The Supreme Court Today In Preparation For Proceedings Under The SPG Act

PMની સુરક્ષામાં ચૂક મુદ્દે સુનાવણી:સુપ્રીમકોર્ટે પંજાબ હાઈકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો, સોમવારે વધુ સુનાવણી થશે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે પંજાબ સરકારે પણ ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે
  • સુપ્રીમકોર્ટમાં સુનાવણીમાં પંજાબના ગૃહ સચિવ સામે ઊભા થયા સવાલ, તપાસમાં NIA સામેલ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ભૂલ મામલે આજે શુક્રવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો હતો કે દરેક રેકોર્ડ પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે સુરક્ષિત રાખવામાં આવશે. આ મામલે આગામી સુનાવણી સોમવારે થવાની છે. આ તપાસમાં NIA પણ સામેલ થશે.

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં દલીલ કરી છે કે પોલીસ પ્રદર્શનકારીઓ સાથે ચા પી રહી હતી. કેન્દ્ર સરકાર પંજાબ પોલીસ પર SPG એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, SPG એક્ટની જોગવાઈઓ મુજબ, કેન્દ્ર સરકાર જવાબદાર અધિકારીઓને દિલ્હી બોલાવી શકે છે અને તેમની પર જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

કોર્ટરૂમ લાઈવ: કેન્દ્ર સરકારે કહ્યું - અમે સમિતિમાં ગૃહ સચિવને સામેલ કરીએ છીએ
સીજેઆઈ : રાજ્ય અને કેન્દ્ર બંનેએ તપાસ સમિતિ બનાવી છે? શા માટે બંનેને તપાસ ન કરવા દેવી જોઈએ?
મહેતા : કેન્દ્રની સમિતિ પીએમની સુરક્ષામાં ચૂકની તપાસ કરી રહી છે. અમે તપાસી રહ્યા છીએ કે રૂટ કોણે નક્કી કર્યો? ક્લિયરન્સ કોણે આપી અને ખેડૂતોની હાજરીની માહિતી કેમ ન અપાઈ?
ડીએસ પટવાલિયા (પંજાબ સરકારના વકીલ) : પંજાબ સરકારે 5 જાન્યુઆરીના રોજ જ તપાસ સમિતિ બનાવી છે, જે ત્રણ દિવસમાં રિપોર્ટ આપશે. કોર્ટ ઈચ્છે તો નિષ્પક્ષ સમિતિની રચના કરી દે.
મહેતા : તપાસ સમિતિમાં એસપીજીના સચિવની હાજરી સામે પંજાબ સરકારને વાંધો છે તો અમે ગૃહ સચિવને સામેલ કરી દઈશું. સૌથી પહેલા પીએમની યાત્રા સાથે સંબંધિત રેકોર્ડ સુરક્ષિત કરવો જોઈએ.
સીજેઆઈ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પીએમના રૂટની તમામ માહિતી અને રેકોર્ડ સુરક્ષામાં મુકી દે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમની મદદ કરે.
મનિંદર સિંહ (અરજીકર્તા) : તપાસ એનઆઈએને સોંપવી જોઈએ. રાજ્ય સરકાર પાસે તપાસનો અધિકાર નથી. કોર્ટે તપાસ કરાવવી જોઈએ.

સુનાવણીનાં અપડેટ્સ

  • કોર્ટમાં પંજાબ તરફથી રજૂ થયેલા એડવોકેટ જનરલે કહ્યું હતું કે એ જ દિવસે ઘટનાના અુમક કલાકોમાં જ તપાસ કમિટી બનાવવામાં આવી છે. પંજાબ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અમારી બનાવવામાં આવેલી કમિટી સામે સવાલ ઊભા કરી રહી છે તો અમને પણ કેન્દ્રની સમિતિ સામે વાંધો છે. પંજાબ એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાએ કહ્યું હતું કે અમે ઘટના પછી તરત ફરિયાદ નોંધાવી છે. તપાસ કમિટી પણ બનાવી છે. તેમ છતાં અમારી નિયત સામે સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.
  • સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમિયાન કેનેડાના આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસની પણ ચર્ચા થઈ હતી. કેન્દ્ર તરફથી SG તુષાર મહેતાએ કહ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષામાં ભૂલ એ રાજ્ય શાસન અને પોલીસ પ્રશાસન બંનેની જવાબદારી હતી. તેથી તેની તપાસ રાજ્ય સરકાર ના કરી શકે. તપાસમાં NIAનું હોવું પણ જરૂરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પંજાબમાં ગૃહ સચિવ પોતે જ શંકાસ્પદ હોય તો તેઓ તપાસ ટીમનો હિસ્સો કેવી રીતે હોઈ શકે.
  • આ પહેલાંની અરજી કરનારે તેમની દલીલમાં કહ્યું હતું કે ઘટનાની ગંભીરતાને સમજીને પીએમની મુલાકાત સાથે જોડાયેલા ડોક્યુમેન્ટને NIAની મદદથી DMને જપ્ત કરવાની છૂટ મળવી જોઈએ. તેમણે એવું પણ કહ્યું છે કે પુરાવાને સુરક્ષિત કરીને જ તપાસ થવી જોઈએ. કોર્ટને ભલામણ કરવામાં આવી છે કે તેમને દેખરેખમાં તપાસ થવી જોઈએ.

એક મીડિયાના હવાલા મુજબ, પંજાબમાં બુધવારે જે પણ ઘટના બની એમાં SPG એક્ટનું ઉલ્લંઘન થયું છે, કારણ કે રાજ્ય સરકાર SPGના નક્કી કરાયેલા પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. SPG એક્ટની કલમ 14 અંતર્ગત રાજય સરકાર વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન SPGને પણ સહાય આપવા માટે બંધાયેલી છે.

મોદીનો કાફલો ઓવરબ્રિજ પર ફસાયો હતો ત્યારે પંજાબ પોલીસ પ્રદર્શનકારીઓ સાથે ચા પીતા હોય તેવી એક તસવીર વાઇરલ થઈ હતી.
મોદીનો કાફલો ઓવરબ્રિજ પર ફસાયો હતો ત્યારે પંજાબ પોલીસ પ્રદર્શનકારીઓ સાથે ચા પીતા હોય તેવી એક તસવીર વાઇરલ થઈ હતી.

ફિરોઝપુર પહોંચી તપાસ ટીમ, પંજાબ પોલીસે નોંધી FIR
વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં થયેલી ભૂલ માટે બનાવવામાં આવેલી પેનલ ફિરોઝપુર પહોંચી ગઈ છે. આ કમિટી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે. આ પહેલાં પંજાબ પોલીસે પણ આ મુદ્દે FIR નોંધી લીધી છે.

કેન્દ્રએ બનાવી 3 સભ્યોની તપાસ કમિટી
PMના સુરક્ષા વિવાદ મુદ્દે કેન્દ્ર સરકારની તપાસ કમિટી બનાવવામાં આવી છે. તેમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના જોઈન્ટ ડિરેક્ટર બલબીર સિંહ, સિક્યોરિટી સચિવ સુધીર કુમાર સક્સેના અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના IG એસ. સુરેશ સામેલ છે.

જેપી નડ્ડાની સુરક્ષામાં ચૂક થઈ હતી
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની બંગાળ રેલી દરમિયાન ડિસેમ્બર 2020માં પણ સુરક્ષામાં ચૂક થઈ હતી. ત્યારે કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો. એ પછીથી કેન્દ્રએ ત્રણ IPS અધિકારીને ડેપ્યુટેશન પર દિલ્હી બોલાવ્યા હતા. આ ત્રણે અધિકારી નડ્ડાના સિક્યોરિટી ઈન્ચાર્જ હતા. જોકે મમતા બેનર્જી સરકારે તેમને બંગાળમાંથી રિલીવ ન કરતાં ત્રણે અધિકારી બંગાળમાં જ રહ્યા હતા. એ પછીથી ગૃહ મંત્રાલયે ત્યારના રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ માગ્યો હતો અને તેમને બેઠક માટે દિલ્હી બોલાવ્યા હતા. જોકે રાજ્ય તરફથી કોઈપણ રિપોર્ટ દિલ્હીમાં મોકલવામાં આવ્યો નહોતો. આ સિવાય કોઈ અધિકારી પણ દિલ્હીની બેઠકમાં સામેલ થયા નહોતા. રાજ્યએ આ મામલામાં કહ્યું હતું કે તે પોતે જ આ મામલાની તપાસ કરી રહ્યું છે.

પંજાબ સરકારે પણ બનાવી છે કમિટી
પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે પંજાબ સરકારે પણ ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. બીજી તરફ, પીએમની સુરક્ષામાં મોટી ચૂક રહી ગઈ હોવાનું કહીને ગૃહ મંત્રાલયે પણ પંજાબ સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે અને જવાબદારી નક્કી કરવાના નિર્દેશ આપ્યા છે.

શું છે SPG એક્ટ?
SPG એક્ટની કલમ 4ના સબ સેક્શન 2ના જણાવ્યા મુજબ એસપીજીની સુરક્ષા વડાપ્રધાન અને તેમના પરિવારને આપવામાં આવે છે. પીએમ પદ રહ્યા પછી પણ તેમને 10 વર્ષ માટે આ સુરક્ષા આપવામાં આવશે. 10 વર્ષ પછી કેન્દ્ર સરકાર રિસ્ક એનાલિસિસ પછી તેને વધારી શકે છે. 10 વર્ષની ધારાને 2003માં સંશોધિત કરવામાં આવી અને આ ગાળાને માત્ર 1 વર્ષ માટે કરવામાં આવ્યો. એ પછીનો નિર્ણય રિસ્ક એનાલિસિસ કર્યા પછી લેવાનું કહેવામાં આવ્યું છે. આ સંશોધનને SPG એક્ટ એમેન્ડમેન્ટ 2003 કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...