ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા એક્ટિવ દેખાઈ રહ્યાં છે.
આ બધાની વચ્ચે યોગીએ શનિવારે તેમનો 49માં જન્મદિવસ મનાવ્યો હતો. જોકે આ દિવસે તેમને ખાસ શુભકામનાઓ ન મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા યોગીને શુભેચ્છા પાઠવી નથી. આ વાત હાલ એટલે ચર્ચાઈ રહી છે કે મહામારી દરમિયાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
મોદી-શાહને બાદ કરતા ઘણા મંત્રીઓએ અને BJP નેતાઓએ સોશિયલ મીડિયા પર યોગીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમાં દેવેન્દ્ર ફડણવીસ, ડો.રમન સિંહ, નરેન્દ્ર સિંહ તોમર, સ્મૃતિ ઈરાની, કિરણ રિજેજૂ અને પ્રકાશ જાવડેકર પણ સામેલ છે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદીએ કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કોઈ પણ માટે અભિનંદન આપતી પોસ્ટ કરી નથી. તેમાં પાર્ટીના સિનિયર લીડર સહિત વિપક્ષના પણ ઘણા નેતા સામેલ છે, જેમના માટે પીએમએ પોસ્ટ કરી નથી. તેમાં રાજસ્થાન, ગોવા, કેરળ અને હરિયાણાના મુખ્યમંત્રી પણ સામેલ છે. જોકે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આઈપી સિંહએ આ દાવાને જુઠ્ઠો ઠેરવ્યો છે.
આઈપી સિંહ મોદીની એક સોશિયલ મીડિયા પોસ્ટને બધા સમક્ષ લાવ્યા, જેમાં પીએમ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા દેખાઈ રહ્યાં છે. તેની સાથે જ આઈપી સિંહે કટાક્ષ કરતા કહ્યું કે તીરથ સિંહને અભિનંદન આપનાર મોદીએ યોગીને પુછ્યું પણ નથી.
યોગી પર દાવ રમવાથી બચી શકે છે ભાજપ
આગામી વર્ષે થનાર વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીને જોતા યુપી સરકારમાં મોટા ફેરફાર થશે એ વાત તો નક્કી જ છે. જોકે અટકળો હતી કે ભાજપ યોગી પર દાવ રમવાથી બચી શકે છે અથવા તો યોગીને હટાવી શકે છે. જોકે ભાજપના રાષ્ટ્રીય મંહામંત્રી બીએલ સંતોષે મંગળવારે આ પ્રકારની અટકળોને અફવાહ ગણાવી. બીએલ સંતોષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહે બે દિવસ યુપી સરકારના કામકાજની સમીક્ષ બેઠક પણ કરી હતી. તે પછી મંગળવારે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા યોગીના કામકાજની પ્રશંસા પણ કરી હતી.
મોદીના નજીકના એ કે શર્માને યુપી સરકારમાં મોટી જવાબદારી મળી શકે છે
શુક્રવારે એક વખત ફરી ભાજપના સૂત્રોએ જણાવ્યું કે યોગીને હટાવવામાં આવશે નહિ, જોકે કેબિનેટમાં ઘણા ફેરફાર થઈ શકે છે. પૂર્વ બ્યુરોક્રેટ્સ અને મોદીના નજીકના ગણાતા એ કે શર્માએ યુપી સરકારમાં મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીએલ સંતોષના પ્રવાસ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ યુપીનો પ્રવાસ કરશે.
ગંગામાંથી મળેલા શબો બાબતે વિદેશી મીડિયાએ પણ નોંધ લીધી
યુપીના ઘણા શહેરોમાં ગંગા નદીમાં લાશ તરતી મળી હતી. અહીં તસ્વીરો વિદેશી મીડિયામાં મોટા-મોટા હેડિંગ્સ સાથે છપાઈ હતી. આ અંગે યોગી સરકારે મીડિયા પર ચીજોને ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્ય સરકારે કહ્યું હતું કે યોગી ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.