વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. હેકરે એકાઉન્ટ હેક કરી લખ્યું હતું કે, ‘હું તમને બધાને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં દાન કરો.’ આ દાન ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં માગવામાં આવ્યું હતું. જોકે, આ ટ્વિટ તુરંત જ ડિલીટ કરી દેવાઈ હતી.
હેકરે એક અન્ય ટ્વિટમાં લખ્યું,‘ આ એકાઉન્ટ જોક વિક (hckindia@tutanota.com)એ હેક કર્યું છે. અમે પેટીએમ મૉલ હેક નથી કર્યું.’ટ્વિટરે ગુરુવારે તેની પુષ્ટિ પણ ત્યારે કરી જ્યારે આ સમાચાર મીડિયામાં આવ્યા. જોકે, હેકિંગ ક્યારે કરવામાં આવ્યું તે જણાવાયું નથી.
ટ્વિટરે હાથ ધરી તપાસ
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ટ્વિટરે પણ આ એકાઉન્ટ હેક થયાની પુષ્ટિ કરી છે. ટ્વિટરના સ્પોકપર્સને ઇમેઇલ થકી જવાબ આપ્યો છેકે, ‘અમે તેની તપાસ કરી રહ્યાં છીએ. હજી અમને અન્ય એકાઉન્ટને હેક કર્યુ હોવાની કોઇ જાણકારી મળી નથી.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટ narendramodi.inના આ ટ્વિટર એકાઉન્ટ @narendramodi_inના 25 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.
પેટીએમ મૉલનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો?
હકીકતમાં 30 ઓગસ્ટે સાઈબર સિક્યોરિટી ફર્મ સાઈબલે દાવો કર્યો હતો કે પેટીએમ મૉલની ડેટા ચોરીમાં જોન વિક ગ્રૂપનો જ હાથ છે. પેટીએમ મૉલ યૂનીકોર્ન પેટીએમની ઈ-કોમર્સ કંપની છે. સાઈબલનો દાવો છે કે, આ હેકર ગ્રૂપે ખંડણી માંગી હતી. જોકે પેટીએમએ પછી દાવો કર્યો હતો કે તેમના કોઈ ડેટાની ચોરી થઈ નથી.
બિટકોઈન શું છે?
બિટકોઈન એક વર્ચ્યુલ કરન્સી છે. એટલે કે તેની લેણદેણ માત્ર ઓનલાઈન હોય છે. તેને અન્ય કરન્સીમાં પણ બદલી શકાય છે. તે 2009માં ચલણમાં આવી હતી. અત્યારે એક બિટકોઈનનો રેટ 8,36,722 રૂપિયા છે.
જુલાઇમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના એકાઉન્ટ હેક થયા હતા
જુલાઈમાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, અમેઝનના સીઇઓ જેફ બેઝોસ, ટેસ્લાના સીઇઓ એલન મસ્ક અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત અનેક પ્રતિષ્ઠિત અને જાણીતી વ્યક્તિઓ તથા કંપનીઓના ટ્વિટર એકાઉન્ટ બુધવારે હેક કરવામાં આવ્યા હતા. હેકર્સે આઇફોન કંપની એપલ અને કેબ સર્વિસ કંપની ઉબેરના એકાઉન્ટને પણ ટાર્ગેટ કર્યા હતા. ક્રિપ્ટોકરન્સી ફ્રોડ માટે હેકર્સે પ્રતિષ્ઠિત લોકોના નામનો સહારો લીધો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.