દિલ્હી માટે રવાના થનારી ગોએરની પ્લાઈટમાં બોમ્બની માહિતી મળ્યા બાદ સોમવારે શ્રીનગરમાં તેને અટકાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત વ્યક્તિએ ફોન પર બોમ્બ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ વિમાનની પૂરી તપાસ કરી હતી. જોકે વિમાનમાંથી કોઈ જ બોમ્બ મળી આવ્યો ન હતો. કાશ્મીર પોલીસના IG વિજય કુમારે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ વિમાનની તપાસ કરી લીધી છે, તેમાં બોમ્બ જેવું કંઈજ મળ્યું નથી. હવે પોલીસને મળેલા ફોન અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. જોકે ફોન બંધ છે.
ત્રણ દિવસમાં પ્રશાંત કિશોરની બીજી વખત સોનિયા સાથે મુલાકાત યોજાઈ
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી સાથેની મુલાકાત પૂરી થઈ ગઈ છે. પ્રશાંતે સોમવારે સોનિયા ગાંધીની દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી, જ્યાં કોંગ્રેસના અનેક નેતાઓ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં પ્રશાંત કિશોરની સોનિયા ગાંધી સાથે આ બીજી મુલાકાત છે. સોનિયા ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી, અંબિકા સોની, પી.ચિદમ્બરમ, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
મનોજ પાંડે ભારતીય સેનાના આગામી પ્રમુખ
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે ભારતીય સેનાના આગામી પ્રમુખ હશે. હાલમાં તેઓ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ છે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે આર્મી ચીફ બનનાર પ્રથમ એન્જિનિયર છે. તેઓ 1 મે 2022ના રોજ આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે. આર્મી ચીફ જનરલ એમએમ નરવણે 30 એપ્રિલે નિવૃત્ત થવાના છે.
PM નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે દેશવાસીઓને સંબોધિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખ ગુરુ તેગ બહાદૂરના 400માં પ્રકાશ પર્વ પ્રસંગે 21મી એપ્રિલના રોજ લાલ કિલા પરથી દેશવાસીઓને સંબોધિત કરશે. PM મોદી એક સિક્કો અને ટિકિટ પણ ઈશ્યુ કરશે. સંસ્કૃતિક મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રસંગે લાલ કિલા પર એક સમારંભનું આયોજન કરવામાં આવશે. તેમાં અનેક રાજ્યોના CM પણ ઉપસ્થિત રહેશે. શબદ કીર્તન પણ યોજાશે.
નીતિશે કહ્યું- લાઉડસ્પીકર મુદ્દે વિવાદ અયોગ્ય છે
દેશમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ અંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. જનતા દરબાર કાર્યક્રમ બાદ નીતિશે કહ્યું કે આ મુદ્દાને લઈ વિવાદ કરવો અયોગ્ય છે. તમામ ધર્મના લોકો પોતાની ઈચ્છા પ્રમાણે પૂજા કરે છે. આ વર્ષો જૂની પરંપરા છે. નીતિશે વધુમાં જણાવ્યું કે આ પ્રકારના મુદ્દા ઉઠાવનાર લોકોને ધર્મ સાથે કોઈ જ લેવાદેવા હોતું નથી.
કર્ણાટકની ફિશ પ્રોસેસિંગ યુનિટમાં 5 શ્રમિકોના મોત
કર્ણાટકના મેંગ્લુરુમાં ફિશ પ્રોસેસિંગ યુનિટમાં પાંચ શ્રમિકોના શ્વાસ રુંધાવાને લીધે મોત થયું છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સાંજે મેંગ્લુરુના શ્રી ઉલ્કા એલએલપીમાં આવેલ ફિશ પ્રોસેસિંગ યુનિટમાં સર્જાઈ હતી.
હકીકમાં એક શ્રમિક માછલીઓને સાફ કરવાની ટેન્કમાં પડી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો. આ ટેન્કમાં વિવિધ સ્થળોથી લાવવામાં આવેલ માછલીને સાફ કરવામાં આવતી હતી. પડી ગયેલા શ્રમિકને બચાવવા માટે સાત શ્રમિકો ટેન્કમાં ઉતર્યાં હતા. થોડીવાર બાદ તેઓ પણ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે ત્રણ શ્રમિકોના મોત થયા હતા. આજે સવારે વધુ બે શ્રમિકોના મોત થયા હતા.
NPC નેતા નવાબ મલિક 22 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
મની લોન્ડ્રિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને 22 એપ્રિલ સુધી જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. EDએ 62 વર્ષિય નવાબ મલિકને 23 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. તેમની ઉપર દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટી સાથે જોડાયેલ કેસો અંગે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.