વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 2020ની છેલ્લા અને 72મા ‘મન કી બાત’ કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને યુવાનોને કહ્યું કે, હાલ દેશમાં ઘરે ઘરે ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’નો મંત્ર ગૂંજી રહ્યો છે. લોકો દેશમાં બનેલા ઉત્પાદનો માંગી રહ્યા છે. યુવા ઉદ્યમીઓના સ્ટાર્ટઅપ આ માંગ પૂરી કરી શકે છે. એટલે મારી તેમને અપીલ છે કે, તેઓ પહેલ કરે અને દુનિયાના સૌથી ઉત્તમ ઉત્પાદનો ભારતમાં બનાવે. આશરે 32 મિનિટના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મારા દેશના યુવાનોને જોઉં છું, તો મારું મન પ્રસન્નતાથી ભરાઈ જાય છે, ઉત્સાહિત થઈ જાય છે કારણ કે, ભારતના યુવાનોમાં ‘કરી શકીએ છીએ’ અને ‘કરી લઈશું’નો ભાવ છે. તેમના માટે કશું મુશ્કેલ નથી. શાંતિથી વિચારીએ તો, 2021નું વર્ષ યુવાનો માટે અને યુવાનો થકી દેશ માટે નવી ઊંચાઈઓ સ્પર્શવાની મોટી તક છે. હું તમામ નાગરિકોને દેશને આત્મનિર્ભર બનાવવા આગળ આવવાની અપીલ કરું છું. નવા વર્ષે લોકો પ્રણ લે કે, આપણે દેશવાસીઓના લોહી-પરસેવાથી બનેલા ઉત્પાદનો જ ખરીદીશું.
મન કી બાતની મુખ્ય વાતો
લોકોએ નવા આઇડિયા મોકલ્યા
આજે 27 ડિસેમ્બર છે. 4 દિવસ પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી મન કી બાત 2021માં થશે. મારી સામે તમારા લખેલા ઘણા બધા પત્રો આવ્યા છે. આપ પત્ર દ્વારા સૂચનો મોકલો છો. ઘણા લોકોએ ફોન પર વાત કરી. મોટાભાગની વાતોમાં પાછલા વર્ષોના અનુભવ અને નવા વર્ષનાં સંકલ્પો છે.
નમો એપ પર મુંબઈના અભિષેક જીએ એક સંદેશ લોસ્ટ કર્યો છે. કે 2020 જે બતાવ્યું , જે શીખવ્યું, તેની કલ્પના ક્યારેય નહોતી કરી. મોટાભાગના લોકોએ દેશના સામર્થ્યની ખૂબ પ્રશંસા કરી. જ્યારે કોરોના સમયે લોકોએ તાલીઓ- થાળી વગાડીને આપણાં કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતુ, તેની પણ લોકોએ ખૂબ પ્રશંસા કરી છે.
દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો સંકલ્પ
આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પર્યાવરણના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો જ છે.તે પણ આપણા 2021ના સંકલ્પોમાંનો એક છે. આ માટે ગુરુગ્રામના પ્રદીપ સાંગવાન પર નજર કરો. તેઓ 2016થી ‘હીલિંગ હિમાલયાઝ’ અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પોતાની ટીમ સાથે હિમાલયના વિવિધ વિસ્તારોમાં જઈને પર્વતારોહકોએ છોડી દીધેલો કચરો સાફ કરે છે.
આપણે પહાડો અને સમુદ્ર કિનારે કચરો નહીં કરીએ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે વિચારવું પડશે કે, પહાડો અને સમુદ્ર કિનારે કચરો કેવી રીતે પહોંચે છે? આ કચરો છોડનારા આપણી વચ્ચે જ છે. આપણે સંકલ્પ લેવો જોઈએ કે, આ સ્થળોએ આપણે કચરો નહીં છોડીએ. સ્વચ્છ ભારત અભિયાનનો આ પહેલો સંકલ્પ છે.
હવે આત્મનિર્ભરતા પર ભાર
મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું કે, મિત્રો, દેશ પર ઘણું સંકટ આવ્યું, વિશ્વમાં સપ્લાય ચેઇનમાં અવરોધો પણ આવ્યા, પરંતુ આપણે દરેક કટોકટીનો હિંમતથી સામનો કર્યો છે. દિલ્હીના અભિનવને બાળકોને ગિફ્ટ આપવી હતી તે દિલ્હીના ઝાંડેવાલાન માર્કેટમાં ગયા હતા. અભિનવ કહે છે કે ત્યાં દુકાનદારો ત્યાં બોલીને સામાન વેચતા હોય છે કે આ રમકડા ભારતમાં બનાવવામાં આવે છે. લોકોને ભારતમાં બનાવેલા રમકડા પણ પસંદ આવી રહ્યા છે. આ ફેરફાર એક વર્ષમાં થયો છે. અર્થશાસ્ત્રીઓ પણ આ સ્કેલને માપી શકતા નથી.
સ્વદેશી વસ્તુઓની ઉપયોગ કરીએ
વિશાખાપટ્ટનમના વેંકટ મુરલીપ્રસાદ જીએ મને એક અલગ વિચાર શેર કર્યો. તેઓ લખે છે- હું તમને 2021 માટે મારા ABC સાથે જોડું છું. ABCનો અર્થ શું છે તે મને સમજાયુ નહીં. પછી વેંકટ જીએ પત્ર સાથે એક ચાર્ટ પણ જોડ્યો. ABCનો અર્થ આત્મનિર્ભર ભારત ચાર્ટ ABC. જે ખૂબ જ રસપ્રદ છે.
આપણાં ઉત્પાદનો વર્લ્ડ ક્લાસ હોય
વોકલ ફોર લોકલ તે આજે ઘરે ઘરે ગુંજી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે આપણાં ઉત્પાદનો વર્લ્ડ ક્લાસ છે તેની ખાતરી કરવાનો સમય છે. જે વૈશ્વિક શ્રેષ્ઠ છે, આપણે તેને ભારતમાં બનાવીને બતાવીએ. આ માટે, આપણાં ઉદ્યોગસાહસિકોએ આગળ આવવું પડશે. સ્ટાર્ટઅપ્સને પણ આગળ આવવું પડશે.
દીપડાની સંખ્યામાં ઐતિહાસિક વધારો
ભારતમાં દીપડાઓની સંખ્યામાં વર્ષ 2014 અને 2018ની વચ્ચે 60%થી વધુનો વધારો થયો છે. 2014માં દેશમાં દીપડાની સંખ્યા લગભગ 7,900 હતી, જ્યારે 2019માં તેની આ સંખ્યા વધીને 12,852 થઈ ગઈ. દીપડા વિશે, જિમ કોર્બેટે કહ્યું હતું કે, "જેમણે દીપડાને મુક્તપણે ભટકતા જોયા નથી, તેઓ તેની સુંદરતાની કલ્પના કરી શકતા નથી." દીપડાઓની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર ટોપ પર છે. આ એક મોટી સિદ્ધિ છે.
મનુષ્ય તેમજ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા રાખીએ
મોદીએ કહ્યું કે મેં તામિલનાડુના હાર્દિકના હ્રદયસ્પર્શી પ્રયત્નો વિશે વાંચ્યું. આપણે બધાએ માણસોવાળી વ્હીલચેર્સ જોઇ છે, પરંતુ કોઈમ્બતુરની એક પુત્રી ગાયત્રીએ તેના પિતાજીની સાથે એક પીડિત કૂતરા માટે વ્હીલચેર બનાવી. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે વ્યક્તિ દરેક જીવ પ્રત્યે દયા અને કરુણાનો ભાવ રાખે. ઉત્તરપ્રદેશની કૌશાંબી જેલમાં ગાયોને ઠંડીથી બચાવવા માટે જુના ફાટેલા ધાબળામાંથી કવર બનાવવામાં આવી રહ્યા છે.
યુવાનો મંદિરોના નવીનીકરણમાં રોકાયેલા
એક યુવા બ્રિગેડે કર્ણાટકમાં શ્રીરંગપટ્ટનમ નજીક વિરભદ્ર સ્વામી નામના પ્રાચીન શિવ મંદિરનું નવીનીકરણ કર્યું. અહીં ચારે તરફ ઘાસ અને ઝાડીઓ ભરાયેલી હતી કે ત્યાંથી પસાર થતા લોકો પણ એમ કહી શકતા નથી કે અહીં એક જૂનું મંદિર છે. યુવકોનું સમર્પણ જોઇને સ્થાનિકો પણ મદદ માટે આગળ આવ્યા હતા. વીકએન્ડમાં યુવાનોએ કામ કર્યું અને મંદિરના જૂના વૈભવને પાછું લઈ આવ્યા.
કાશ્મીરી કેસરની મહેક વિશ્વમાં પ્રસરાવો
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ લોકોને કાશ્મીરી કેસર ખરીદવાનો આગ્રહ કરતા કહ્યું કે, સરકાર કાશ્મીરી કેસરને વિશ્વ સ્તરે લોકપ્રિય બનાવવા ઈચ્છે છે. કેસર જમ્મુ કાશ્મીરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. કાશ્મીરી કેસરને જીઆઈ ટેગ સર્ટિફિકેટ મળ્યા પછી દુબઈના એક સુપર માર્કેટમાં લૉન્ચ કરાયું, જેનાથી આ કેસરની નિકાસ વધશે.
આજે બલિદાનનો દિવસ
દેશની હજારો વર્ષ જુની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીતરિવાજોને અત્યાચારીઓથી બચાવવા માટે ઘણા બલિદાન આપવામાં આવ્યા છે. 27 ડિસેમ્બરે, ગુરુ ગોવિંદજીના પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહને દિવાલમાં જીવતાં ચણી લેવામાં આવ્યા હતા. અત્યાચારીઓ ઈચ્છતા હતા કે સાહિબઝાદે મહાન ગુરુ પરંપરાની સીખ છોડી દે, પરંતુ તેમણે નાની ઉંમરે પણ ખૂબ હિંમત બતાવી. જ્યારે દિવાલમાં ચણવામાં આવી રહેલ સમયે, પથ્થરો લાગતાં રહ્યા, દિવાલ સતત વધતી રહી, મૃત્યુ તેમની આગળ મંડરાઈ રહ્યું હતું, છતાં તેઓ ડગયા ન હતા. આજના દિવસે જ ગુરુ ગોવિંદસિંહજીના માતાજી- માતા ગુજરી પણ શહીદ થયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.