• Gujarati News
  • National
  • PM Modi Will Address Special Meeting, Opposition Parties Including Congress Will Boycott

આજે બંધારણ દિવસ:કોંગ્રેસે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો; મોદીએ કહ્યું- એક જ પરિવાર દ્વારા પાર્ટી ચલાવતા રહેવી એ લોકશાહી માટે સૌથી મોટું સંકટ

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • સુપ્રીમકોર્ટના તમામ ન્યાયાધીશો, તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો હાજર રહ્યા

દેશ આજે 71મો બંધારણ દિવસ ઊજવી રહ્યો છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય પાર્ટીનો નથી, કોઈ વડાપ્રધાનનો કાર્યક્રમ નથી, આ કાર્યક્રમ સ્પીકરપદની ગરિમાનો હતો. બંધારણની ગરિમા જાળવીએ આપણે આપણી ફરજો નિભાવતા રહીએ.

મુંબઈ હુમલાના શહીદોને યાદ કર્યા
મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોને નમન કરવાનો છે. આજે આ ગૃહને વંદન કરવાનો દિવસ છે. આજે 26/11નો પણ દિવસ છે. એ દુઃખદ દિવસે જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આવું કૃત્ય કર્યું હતું અને આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો. ભારતના બંધારણમાં ઉલ્લેખિત દેશના સામાન્ય માણસની સુરક્ષાની જવાબદારી હેઠળ આપણા ઘણા બહાદુર સૈનિકોએ તે આતંકવાદીઓ સામે લડતા પોતાનું બલિદાન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હું આજે એ તમામ બલિદાન આપનારાઓને નમન કરું છું.

મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. પરિવાર પર નિશાન સાધતાં તેમણે કોંગ્રેસને 'પાર્ટી ફોર ધ ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી' ગણાવી. મોદીએ એવું પણ કહ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ દેશના હિતને પ્રથમ સ્થાન આપ્યું હતું.

દેશની 14 વિપક્ષી પાર્ટીઓએ બંધારણ દિવસ પરના આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. એમાં શિવસેના, NCP, સમાજવાદી પાર્ટી, RJD, IUML અને DMK સામેલ છે. કોંગ્રેસ અને તૃણમૂલે પહેલેથી જ આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતી. ત્યાર બાદ કોંગ્રેસની અપીલ પર બાકી પાર્ટીઓએ પણ કાર્યક્રમમાં સામેલ ન થવાની જાહેરાત કરી હતી.

રાજનીતિને કારણે દેશનું હિત પાછળ રહી ગયું
મોદીએ કહ્યું હતું, 'ક્યારેક આપણે વિચારીએ છીએ કે જો આપણે બંધારણ બનાવવાની જરૂરત પડી હોત તો શું થયું હોત. આઝાદીની લડાઈ, ભાગલાની ભયાનકતા છતાં દેશનું હિત સૌથી મોટું છે, દરેકના હૃદયમાં બંધારણ ઘડતા સમયે આ જ મંત્ર હતો. વિવિધતાઓથી ભરેલો દેશ, અનેક ભાષાઓ, પંથ અને રાજા-રજવાડાં, આ બધું હોવા છતાં બંધારણના માધ્યમથી દેશને એક બંધનમાં બાંધીને દેશને આગળ લઈ જવો.
આજના સંદર્ભમાં જોઈએ તો કદાચ આપણે બંધારણનું એક પાનું પણ પૂરું કરી શક્યા હોત. કારણ કે, નેશન ફર્સ્ટ પર રાજકારણની એવી અસર સર્જાઈ છે કે રાષ્ટ્રહિતને પાછળ છોડી દીધું છે.

આંબેડકર અને રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોને નમન કરવાનો દિવસ
તેમણે જમાવ્યું હતું કે આજનો દિવસ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોને નમન કરવાનો છે. આજે આ ગૃહને વંદન કરવાનો દિવસ છે. દેશ આઝાદ થયા પછી સારું થાત, 26 નવેમ્બરે બંધારણ દિવસ મનાવવાની પરંપરા શરૂ થવી જોઈતી હતી. આને કારણે આપણી પેઢીઓને ખબર પડશે કે બંધારણ કેવી રીતે બન્યું, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, એ ક્યાં દોરી જાય છે, કેવી રીતે દર વર્ષે આ ચર્ચા તરફ દોરી જાય છે. એને આપણે એક સામાજિક દસ્તાવેજ અને જીવંત અસ્તિત્વ તરીકે ગણ્યું છે. વિવિધતાથી ભરેલા દેશમાં એ એક શક્તિ તરીકે, એક તક તરીકે કામ કર્યું હોત. કેટલાક લોકો એને ચૂકી ગયા. આંબેડકરની 125મી જન્મજયંતી પર અમને લાગ્યું કે આંબેડકરે આપેલી પવિત્ર શ્રદ્ધાંજલિને યાદ કરવાનો આનાથી મોટો અવસર કયો હોય શકે.

સંસદમાં 26 નવેમ્બરનો ઉલ્લેખ કરતાં વિરોધ થયો
તેમણે વધુમાં કહ્યું હતું કે 2015માં જ્યારે આ જ ગૃહમાં હું બોલી રહ્યો હતો એ દિવસે પણ વિરોધ થયો હતો કે 26 નવેમ્બર ક્યાંથી લાવ્યા, કેમ કરી રહ્યા છો, શું જરૂરી હતું. ભારત બંધારણીય લોકશાહી પરંપરા છે. રાજકીય પક્ષોનું પોતાનું મહત્ત્વ છે. રાજકીય પક્ષો પણ આપણા બંધારણની લાગણીઓને લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. બંધારણની ભાવનાને પણ ઠેસ પહોંચી છે. બંધારણના દરેક પ્રવાહને પણ નુકસાન થયું છે.

પોતાનું મૂલ્યાંકન કરવાની જરૂર
PMએ વધુમાં કહ્યું હતું કે આપણું બંધારણ માત્ર અનેક પ્રવાહોનું સંગ્રહ નથી. બંધારણ એ હજારો વર્ષોની ભારતની મહાન પરંપરા, ભારતની અખંડ ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. અમારા માટે બંધારણ પ્રત્યેની નિષ્ઠા છે, જ્યારે આપણે આ બંધારણીય વ્યવસ્થામાંથી લોકપ્રતિનિધિ તરીકે ગ્રામપંચાયતથી લઈને સંસદ સુધી આપણે જે પણ જવાબદારીઓ નિભાવીએ છીએ, આપણે બંધારણની ભાવનાથી સજ્જ થવું પડશે. જ્યાં બંધારણને ઠેસ પહોંચી રહી છે, એને નજરઅંદાજ કરી શકાય નહીં. આ બંધારણ દિવસને એટલા માટે પણ મનાવવો જોઈએ કે જે કંઇપણ કરી રહ્યા છીએ, બંધારણ મુજબ એ સાચું છે કે ખોટું. રસ્તો સાચો છે કે ખોટો. આપણે આપણું મૂલ્યાંકન કરવું જોઈએ.

મોદીએ નામ લીધા વિના જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું હતું કે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાઓ. ભારત એક એવા સંકટ તરફ વધી રહ્યું છે તે છે પરિવારની પાર્ટીઓ. દેશ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે પરિવારની પાર્ટીઓનો અર્થ એવો નથી કે એક પરિવારમાંથી એક કરતાં વધુ લોકો પાર્ટીમાં ન આવે. પરિવારની પાર્ટીનો અર્થ પાર્ટીની સત્તા પેઢી દર પેઢી એક જ પરિવારના હાથમાં રહેવા સાથે છે. જે પાર્ટીને પેઢી દર પેઢી એક જ પરિવાર ચલાવતો રહે, એ લોકશાહી માટે મોટું સંકટ હોય છે. તમામ દેશવાસીઓને વિનંતી કરીશ કે દેશમાં જાગૃતિ લાવવાની જરૂર છે.

સુપ્રીમકોર્ટ દ્વારા વિજ્ઞાન ભવનમાં બંધારણ દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુપ્રીમકોર્ટના તમામ ન્યાયાધીશો, તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને અન્ય લોકો હાજર રહ્યા હતા.

વડાપ્રધાન કાર્યાલયથી મળેલી માહિતી અનુસાર, બંધારણ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદમાં થયેલી ચર્ચાનું ડિજિટલ સંસ્કરણ રજૂ કરશે. આ ઉપરાંત બંધારણની નકલનું ઓનલાઈન વર્ઝન પર પણ જારી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...