• Gujarati News
  • National
  • PM Modi To Launch 'Gati Shakti Yojana' Today; The Country Will Get A Gift Of Rs 100 Lakh Crore

'PM ગતિ શક્તિ યોજના':મોદીએ કહ્યું- આજે દુર્ગાષ્ટમીએ દેશની પ્રગતિને શક્તિ આપવાનું શુભકાર્ય થયું, આ યોજનામાં 16 મંત્રાલયનો 'બુકે', હવે કોઈ કામ ફાઈલમાં નહીં અટકે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • 100 લાખ કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સના વિકાસને વેગ મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​'PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન' લોન્ચ કર્યો છે. 100 લાખ કરોડની આ યોજના અંતર્ગત રેલ અને માર્ગ સહિત 16 મંત્રાલય ડિજિટલ રીતે કનેક્ટ કરવામાં આવશે. એનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને વેગ મળશે. આ અંતર્ગત શરૂઆતમાં આવાં 16 મંત્રાલય છે, જે મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામકાજ સંભાળે છે. PM મોદીએ કહ્યું હતું કે PM ગતિ શક્તિ- રાષ્ટ્રીય માસ્ટર પ્લાન 21મી સદીના ભારતની ગતિને શક્તિ આપશે. આગામી પેઢીને ઇન્ફ્રાસ્ટ્રકચર અને 'મળતી મોડલ કનેક્ટિવિટી'ને આ યોજનાથી ગતિ મળશે. પીએમ મોદીએ કહ્યું હતું કે આ યોજનાથી દરેક પ્રોજેક્ટ્સ નક્કી સમયમર્યાદામાં પૂરા થશે અને ટેક્સનો એકપણ રૂપિયો બરબાદ નહીં થાય.

ગતિ શક્તિ દેશ માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો માસ્ટર પ્લાન છે. એ અર્થતંત્રને ઇન્ટિગ્રેટેડ માર્ગ આપશે. ગતિ શક્તિ યોજના તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરશે. સામાન્ય માણસની મુસાફરીના સમયમાં ઘટાડો થશે, ઉત્પાદકોને મદદ મળશે. અમૃતકાળના આ દાયકામાં ગતિની શક્તિ ભારતના પરિવર્તનનો આધાર બનશે.

ભારત નિર્માણને નવી ઊંચાઈ મળશે
આ પ્રસંગે PM મોદીએ કહ્યું હતું કે આજે દુર્ગાષ્ટમી છે. સમગ્ર દેશમાં આજે કન્યાપૂજન થઈ રહ્યું છે. આજે દેશની પ્રગતિને શક્તિ આપવાનું શુભકાર્ય થયું છે. તે 21મી સદીના ભારત નિર્માણને નવી ઊંચાઈ આપશે. વિકાસના રસ્તા પર આવતી અડચણોને દૂર કરશે અને ભારતના વિકાસને ગતિ આપશે. ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન ભારતને ગતિ આપશે.

વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ બની ગયું હતું અવિશ્વાસનું પ્રતિક
ટેક્સના રૂપિયાનો ઉપયોગ કરતાં સમયે સરકારમા એવી ભાવના ન હતી કે ટેક્સના આ રૂપિયાને બરબાદ ન થવા દેવા જોઈએ. લોકોપણ એવું જ માનતા હતા કે આ બધુ આમ જ ચાલતું રહેશે. દરેક જગ્યાએ વર્ક ઇન પ્રોગ્રેસ લખેલું જોવા મળતું હતું. પરંતુ તે કામ સમયસર પૂરું થશે કે નહીં તે બાબતે કોઈ ભરોસો ન હતો. વર્ક ઇન પ્રોગ્રેસ બોર્ડ અવિશ્વાસનું પ્રતિક બની ગયું હતું. પરંતુ હવે આ બધુ બદલાઈ રહ્યું છે.

છેલ્લા 70 વર્ષોની સરખામણીમા તેજીથી કામ કરી રહ્યું ભારત
છેલ્લા 70 વર્ષોની સરખામણી ભારત હવે ઝડપથી કામ કરી રહ્યું છે. પ્રથમ નેચરલ ગેસ પાઇપલાઇન 1987માં શરૂ થઈ હતી. પછી વર્ષ 2014 સુધીમાં 27 વર્ષમાં દેશમાં 15 હજાર કિલોમીટર નેચરલ ગેસ પાઇપલાઇન નંખાઈ. આજે દેશભરમાં 16 હજાર કિલોમીટરથી વધુ ગેસ પાઇપ લાઇન પર કામ ચાલી રહ્યું છે. જેટલું કામ 27 વર્ષોમાં થયું, તેનાથી વધુ કામ અમે તેના કરતાં પણ અડધા સમયમાં કરવાના છીએ.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની ટીકા કરવામાં ગર્વ અનુભવતું વિપક્ષ
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે આપણા દેશમા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો દેશના મોટાભાગના રાજકીય પક્ષોની પ્રાથમિકતાથી દૂર રહ્યો છે. આ તેમના મેનિફેસ્ટોમાં પણ નજરે પડી રહ્યું નથી. હવે આ સ્થિતિ આવી છે કે કેટલાક રાજકીય પક્ષો, દેશ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની ટીકા કરવામાં ગર્વ અનુભવે છે.

આગામી 5 વર્ષોમાં 200 થી વધુ નવા એરપોર્ટ, હેલિપેડ બનાવાશે
વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે આગામી 5 વર્ષમાં દેશમાં 200થી વધુ નવા એરપોર્ટ, હેલિપેડ બનાવવામાં આવશે. દેશના ખેડૂતો, માછીમારોની આવક વધારવા બાબતે પણ કામ કરવામાં આવી રહ્યું છે. 1 હજાર કિલોમીટર લાંબા નવા મેટ્રો રુટ પર પણ કામ ચાલી રહ્યું છે. હવે દેશને વિશ્વાસ છે કે ભારત ઝડપથી કામ કરી શકે છે.

રેલવે, માર્ગ પરિવહન, જહાજ, IT, કાપડ, પેટ્રોલિયમ, ઊર્જા, ઉડ્ડયન જેવાં મંત્રાલયોનો સમાવેશ
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન 'PM ગતિ શક્તિ યોજના' લોન્ચ કરશે. આ માટે 16 મંત્રાલયનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જે મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે. એમાં રેલવે, માર્ગ પરિવહન, જહાજ, IT, કાપડ, પેટ્રોલિયમ, ઊર્જા, ઉડ્ડયન જેવાં મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ મંત્રાલયોના તમામ ચાલુ પ્રોજેક્ટ્સ 2024-25 સુધીમાં પૂર્ણ થવાની યોજનાઓને ગતિ શક્તિ હેઠળ GIS મોડ પર મૂકવામાં આવશે.

કોઈ યોજના ફાઈલમાં અટવાશે નહીં
દેશમાં એક સામાન્ય પ્રથા છે કે ક્યાંક રોડ બને છે અને એના થોડા દિવસો પછી કેબલ નાખવા માટે નવો રસ્તો ખોદવામાં આવે છે. એ જ રીતે સેંકડો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી ઘણા પ્રોજેક્ટ અટકી જાય છે, કારણ કે વન અને પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરીઓ મળતી નથી. 'PM ગતિ શક્તિ યોજના' આવી સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે.

નેશનલ માસ્ટર પ્લાન, એટલે કે 'ગતિ શક્તિ યોજના' રેલવે અને રસ્તા સહિત 16 મંત્રાલયને જોડાનાર એક ડિજિટલ મંચ છે, જેના દ્વારા લગભગ100 લાખ કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સના વિકાસને વેગ મળશે. 15 ઓગસ્ટના રોજ 75મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી PM મોદીએ એની જાહેરાત કરી હતી.

છેલ્લા સાત વર્ષમાં 24 હજાર કિલોમીટરથી વધુ રેલવે ટ્રેકનું વીજળીકરણ
PM મોદીએ કહ્યું કે 2014 પહેલા 5 વર્ષમાં રેલવેનું માત્ર 3,000 કિ.મી સુધીનું વીજળીકરણ હતું. છેલ્લા સાત વર્ષમાં, અમે 24 હજાર કિલોમીટરથી વધુ રેલવે ટ્રેકનું વીજળીકરણ કર્યું છે.

આધુનિક માળખાગત સુવિધા વિના ચોતરફ વિકાસ નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કુશળ માનવશક્તિ વિના, આપણે કોઈપણ ક્ષેત્રમાં જરૂરી પરિણામો પ્રાપ્ત કરી શકીએ નહીં. એ જ રીતે, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના, આપણે ચોતરફ વિકાસ કરી શકતા નથી.

સેટેલાઈટ દ્વારા નજર રાખવામાં આવશે
એ તમામ યોજનાઓ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ મૂકવામાં આવશે, જેમાં તમામ 16 મંત્રાલયમાંથી સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ અને નિષ્ણાતો હશે. આ લોકો સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી 3 ડી તસવીરો દ્વારા એ યોજનાઓનું મૂલ્યાંકન કરશે અને શક્ય એટલી વહેલી તકે એ યોજનાઓને પૂર્ણ કરવા માટે તેમનો અભિપ્રાય આપશે.

વિભાગો વચ્ચે સંકલન વધશે
એવું નથી કે દરેકને એક મંચ પર લાવવાનો વિચાર વડાપ્રધાન મોદીના મનમાં આવ્યો છે, પરંતુ 2014માં સત્તા પર આવ્યા બાદ જ તેઓ આ વિઝનને સાકાર કરવામાં વ્યસ્ત હતા. આ માટે તેમણે અગાઉ ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કરી હતી, જે આવા પ્રોજેક્ટ્સ પર અભિપ્રાય રચશે, પરંતુ કદાચ એ નાણાકીય અને કાનૂની બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ થયા. તેમણે સચિવોની એક સમિતિની રચના પણ કરી હતી, જે દર મહિને વિવિધ વિભાગોની યોજનાઓની સમીક્ષા માટે બેઠકો પણ યોજે છે. આ યોજનાથી જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન વધશે.

વિકાસને આ રીતે મળશે ગતિ

  • ગતિ શક્તિ યોજના દ્વારા દેશમાં ઉડાન (UDAN) અંતર્ગત પ્રાદેશિક જોડાણને વેગ આપવામાં આવશે. વર્ષ 2024-25 સુધીમાં એરપોર્ટ/હેલિપોર્ટ/વોટર એરોડ્રોમની સંખ્યા વધીને 220 થઈ જશે.
  • નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા સંચાલિત નેશનલ હાઇવે 2024-25 સુધીમાં લંબાઇમાં બે લાખ કિમી સુધી વિસ્તૃત કરવામાં આવશે.
  • સંરક્ષણ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર તેજી આવશે. લગભગ 20,000 કરોડના રોકાણ સાથે ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં બે ડિફેન્સ કોરિડોર બનાવવાની યોજના છે.
  • આ યોજના સાથે દેશમાં રેલવેની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 2024-25 સુધીમાં 1200 મેટ્રિક ટનથી વધારીને 1600 મેટ્રિક ટન કરવામાં આવશે. એનાથી બે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નિર્માણને પણ વેગ આપશે.
  • 2024-25 સુધીમાં દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્કને બમણું કરીને 34,500 કિમી સુધી કરવાની યોજના છે.
  • 2027 સુધીમાં દરેક રાજ્યને નેચરલ ગેસ પાઇપલાઇન સાથે જોડવાની સરકારની યોજનામાં ગતિ શક્તિ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
  • વર્ષ 2024 સુધીમાં દૂરસંચાર વિભાગ દ્વારા 35 લાખ કિમી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવાની યોજના છે. એવી જ રીતે ઊર્જા મંત્રાલય દ્વારા ટ્રાન્સમિશન નેટવર્કને વધારીને 4.52 લાખ કિમી સર્કિટ સુધી કરવામાં આવશે.
  • ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ દ્વારા દેશમાં લગભગ 200 મેગા ફૂડ પાર્ક બનાવશે, માછીમારી ક્લસ્ટરોને 202 સુધી વધારાશે, 15 લાખ કરોડના ટર્નઓવર સાથે 38 ઇલેક્ટ્રોનિક ક્લસ્ટરો, 90 ટેક્સટાઇલ ક્લસ્ટરો બનાવવા અને 110 ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્લસ્ટર બનાવવાનું લક્ષ્ય છે.
  • માસ્ટર પ્લાન હેઠળ ચાર ઇન્ડસ્ટ્રિયલ ઝોન બનાવવાની દરખાસ્ત છે. આવો જ એક ઇન્ડસ્ટ્રિયલ ઝોન યુપીમાં દાદરી, કર્ણાટકમાં તુમુકુર અને મહારાષ્ટ્રમાં બિડકીન ખાતે હશે.
  • નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દેશભરમાં 2024-25 સુધીમાં 11 ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાની યોજના છે.
અન્ય સમાચારો પણ છે...