G20 દેશોના વિદેશમંત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું- હું G20ની બેઠક માટે તમામ વિદેશમંત્રીઓનું ભારતમાં સ્વાગત કરું છું. આ બેઠક એકતાનો સંદેશ આપે છે. મને આશા છે કે આજની આ બેઠક અમારા ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે એકસાથે આવવાની ભાવના દર્શાવશે.
PM મોદીએ કહ્યું- ઘણા વિકાસશીલ દેશો હાલમાં ફૂડ અને અનર્જી સિક્યોરિટી માટે દેવાંના બોજ હેઠળ દબાઈ ગયા છે, જેને તેઓ સંભાળી શકતા પણ નથી. અમીર દેશોએ જે ગ્લોબલ વોર્મિંગ કર્યું છે એની સૌથી વધુ અસર ગરીબ દેશો પર પડી રહી છે. આ કારણે ભારતે G20 પ્રેસિડન્સી હેઠળ ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે.
મોદીએ કહ્યું- ગ્લોબલ ગવર્નેન્સ નિષ્ફળ રહી
અમે એવા સમયે મળીએ છીએ, જ્યારે વિશ્વ ઘણું જ વિભાજિત થઈ ગયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે આર્થિક કટોકટી, જળવાયુ પરિવર્તન, મહામારી, આતંકવાદ અને યુદ્ધ જોયાં છે. આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગ્લોબલ ગવર્નેન્સ નિષ્ફળ ગયું છે. વિશ્વના સૌથી વધુ મહત્ત્વના મુદ્દાઓને હેન્ડલ કરવા માટે રચાયેલી સંસ્થાઓ સૌથી મોટા પડકારોને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે.
આ બેઠકમાં રશિયા-યુક્રેન બાબતે ચર્ચા થઈ શકે છે
લગભગ પાંચ મહિના બાદ રશિયા અને અમેરિકા ઉપરાંત ચીનના વિદેશમંત્રી એક જ પ્લેટફોર્મ પર હાજર છે. આમ તો આ સત્ર બુધવારથી જ શરૂ થઈ ગયું છે, પરંતુ મહત્ત્વની ચર્ચા આજે થઈ રહી છે.બેઠકના એક દિવસ પહેલાં ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ એ વાતને ફરીથી જણાવી હતી જે થોડા મહિના પહેલાં વૈશ્વિક હેડલાઇન્સ બની હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું - આ યુદ્ધનો સમય નથી, પરંતુ વાતચીત કરવાનો છે.
એવું માનવામાં આવે છે કે બેઠક દરમિયાન અથવા તેથી અલગ ભારતના વિદેશમંત્રી જયશંકર રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે સંબંધિત પક્ષો સાથે વાતચીત કરશે. અત્યારસુધી ઓછામાં ઓછા ત્રણ પ્રસંગો એવા હતા, જ્યારે અમેરિકાએ ઓપન ફોરમ પર કહ્યું હતું કે ભારતે યુદ્ધને રોકવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએ.
ચીનની ચાલ
'ધ ન્યૂયોર્કર'ના અહેવાલ મુજબ, ચીને થોડા દિવસ પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક પ્રસ્તાવ મૂક્યો હતો. આમાં ચાર મુદ્દા હતા. આશ્ચર્યની વાત એ છે કે ચારમાંથી ત્રણ મુદ્દા એવા હતા કે એવું લાગતું હતું કે યુદ્ધ રશિયાએ નહીં, પરંતુ યુક્રેન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. માત્ર એક પોઈન્ટમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયાને અપીલ કરવામાં આવી છે. એકંદરે ચીને રાજદ્વારી લાભ મેળવવા માટે આ ચાલ ચાલી છે. આ જ કારણ છે કે કોઈએ આ પ્રસ્તાવને ગંભીરતાથી લીધો નથી.
યુદ્ધ શરૂ થયા બાદ ભારત અને ચીને સૌથી વધુ ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી આયાત કર્યું હતું. બંને દેશોએ એને રિફાઈન કરીને તેની નિકાસ કરી અને આ રીતે તેમના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કર્યો છે. અમેરિકા અને તેના સહયોગીઓએ હવે આ અંગે મૌન સેવી લીધું છે. એનું કારણ એ છે કે રશિયા-યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, પરંતુ અમેરિકાને એશિયા સિવાય વિશ્વના ઘણા ભાગોમાં ચીન સાથે સ્પર્ધા કરવા માટે ભારતની જરૂર પડશે, જેને કારણે તે ભારતને નારાજ કરવા માગતું નથી.
...અને ભારતનો દબદબો
'બ્લૂમબર્ગ'એ જાન્યુઆરીમાં પ્રકાશિત એક અહેવાલમાં કહ્યું હતું - કોરોના પછી વિશ્વના દરેક દેશ વેપાર સંતુલન જાળવવા માગે છે. ભારત અને ચીન વચ્ચે લગભગ 115 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર છે. આમાંથી 60% ચીનની તરફેણમાં છે. દેખીતી રીતે LAC પર તણાવ હોવા છતાં ચીન કોઈપણ સંજોગોમાં ભારત જેટલું મોટું માર્કેટ ચૂકી જવાનું જોખમ લેવા માગતું નથી. બીજી તરફ ભારત છે. તેનું ડોમેસ્ટિક માર્કેટ અને મિડલ ક્લાસ એટલો મોટો છે કે એનાથી બહુ ફરક પડતો નથી. કોવિડ-19નાં લગભગ ત્રણ વર્ષના સમયગાળામાં પણ આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. જ્યાં વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ ભારે દબાણ હેઠળ હતી, ત્યાં ભારતના વિકાસદરને વધુ અસર થઈ નથી. વિશ્વના ઘણા નિષ્ણાતો અને રેટિંગ એજન્સીઓ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે આ વર્ષે ભારતનો વિકાસ દર 6.7% રહેશે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
શું દિલ્હીમાં અટકશે ચીન-અમેરિકા વિવાદ
ગયા દિવસોમાં અમેરિકાના મોંટાના અને કેરોલિનામાં ચીનનું બલૂન દેખાયા હતા. આ બાબતે ચીને કહ્યું હતું કે તે હવામાનની માહિતી મેળવતું બલૂન હતું. એ ભૂલથી અમેરિકા જતું રહ્યું હતું. આ મામલે જો બાઈડને આદેશ આપ્યો હતો અને અમેરિકન એરફોર્સે પળવારમાં જ એને તોડી પાડ્યું હતું. અમેરિકાએ આ બલૂનનો કાટમાળ ચીનને પરત આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આ બાબતે બંને દેશોમાં ઉગ્ર નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી.
મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને તેમની ચીનની મુલાકાત રદ કરી. ખાસ વાત એ હતી કે જો બ્લિંકન ચીન ગયા હતા તો જિનપિંગ નવા વિદેશમંત્રી કિન ગેંગ સાથે આ તેમની પ્રથમ મુલાકાત હશે.
હવે જ્યારે નવી દિલ્હીમાં ચીન અને અમેરિકાના વિદેશમંત્રી એક જ પ્લેટફોર્મ પર હાજર છે. માનવામાં આવી રહ્યું છે કે દુનિયાની બે સૌથી મોટી ઈકોનોમીઝ એકબીજા સાથે નરમ વલણ દાખવશે અને પછી બંને દેશ વાતચીત કરવા માટે ટેબલ પર આવશે. વ્હાઈટ હાઉસના પ્રવક્તાને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં અનેક મુદ્દાઓ પર અનેક દેશો સાથે વાતચીત કરવામાં આવશે. મામલો ત્યારે વધુ વણસ્યો, જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે સાંજે કહ્યું- વિદેશ સચિવ બ્લિંકનની રશિયા અથવા ચીનના વિદેશમંત્રી સાથે કોઈ મુલાકાતમાં દ્વિપક્ષીય વાતચીત થશે નહીં.
વધુ એક મુદ્દો ચીન અને ઓસ્ટ્રેલિયા સાથે પણ સંકળાયેલો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની સરકારે દેશની દરેક મિનિસ્ટ્રીને આદેશ આપ્યો છે કે તેઓ તાત્કાલિક એ CCTV કેમેરાને દૂર કરે, જેને ચીનની કંપનીઓ પાસેથી ખરીદવામાં આવ્યા છે. આ મામલે ચીન અકળાયું હતું. જો દિલ્હીમાં ચીન અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મળે છે તો આ બાબતે વાતચીત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.