• Gujarati News
  • National
  • PM Modi Keynote Live News And Updates | Modi Address On The Occasion Of Virtual Vesak Global Celebrations On Buddha Purnima

બુદ્ધપૂર્ણિમા પર મોદીનું સંબોધન:PM મોદી બોલ્યા- સમગ્ર વિશ્વ કોરોનાને કારણે સંકટમાં સપડાયું; સંકટના સમયમાં બુદ્ધના આદર્શોને અનુસરવા જોઈએ

નવી દિલ્હી6 મહિનો પહેલા
PM મોદીની ફાઈલ તસવીર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બુદ્ધપૂર્ણિમાના અવસર પર વેસાક ગ્લોબલ સેલિબ્રેશનને વર્ચ્યુઅલ મોડમાં સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે કોરોના મહામારીમાં સ્વજનોને ગુમાવ્યા હોય તેવા દેશના દરેક પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. કોરોનાએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છે. આવા કપરા કાળમાં બુદ્ધના આદર્શો પર ચાલવા માટે નરેન્દ્ર મોદીએ લોકોને સૂચન આપ્યું હતું. વધુમાં મોદીએ કહ્યું હતું કે કોરોના વિરુદ્ધની લડતમાં સૌને બૌદ્ધ સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.

મોદીના સંબોધનની 3 મહત્ત્વપૂર્ણ વાત

1. કોરોનાને કારણે આખું વિશ્વ સંકટમાં સપડાયું
કોરોના મહામારીએ વિશ્વને બદલી નાખ્યું છે. ભારત સહિત ઘણા દેશો કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. આ લડત સૌએ સાથે મળીને જીતવાની રહેશે.

2. હવે આપણી પાસે મહામારી સામે લડત આપવાની યોગ્ય સમજણ
હવે આપણી પાસે મહામારી સામે લડત આપવા માટે સારી સમજણ આવી ગઇ છે. આ સંકટના સમયમાં આપણા આરોગ્યકર્મચારીઓ, ફ્રન્ટલાઇનવર્કર પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોનો જીવ બચાવતા હોય છે. ડૉકટર અને નર્સના યોગદાનને કોઈપણ ભૂલશે નહીં.

3. આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે
મહામારી દરમિયાન લાખો લોકોએ સ્વજનોને ગુમાવ્યા છે. તેમનાં દર્દ આપણે બધા સમજી શકીએ છીએ. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે શોક પ્રગટ કરું છું. તેમણે જણાવ્યું હતું કે અમને દેશના વૈજ્ઞાનિકો પર ગર્વ છે જેમણે 1 વર્ષની અંદર કોરોનાની વેક્સિન બનાવી દીધી છે, જેથી દેશના મોટા ભાગના લોકોને કોરોના સામે લડત આપવા માટે સારીએવી રોગપ્રતિકારક શક્તિ મળી અને તેમના જીવ બચ્યા હતા.

IBCની સહાયતાથી કાર્યક્રમનું આયોજન કરાયું
આ કાર્યક્રમ સંસ્કૃતિ મંત્રાલય આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (IBC)ના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં દુનિયાભરના બૌદ્ઘ સંઘોના પ્રમુખે હાજરી આપી હતી. શ્રીલંકા અને નેપાળના પ્રધાનમંત્રી સિવાય દુનિયાભરના 50થી વધુ બૌદ્ધ ધર્મગુરુઓ જોડાયા હતા.

શ્રીલંકામાં વેસાકના નામે પર્વની ઉજવણી કરાય છે
બુદ્ધપૂર્ણિમાને વૈશાખપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ ધર્મને અનુસરનાર લોકો ચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, કંબોડિયા, શ્રીલંકા, નેપાળ, ભુતાન અને ભારતમાં વસવાટ કરે છે. આ દિવસે તેઓ બોધિ વૃક્ષની પૂજા કરે છે. શ્રીલંકામાં આ તહેવાર વેસાકના નામે ઊજવાય છે.

બૌદ્ધ ધર્મની સાથે હિંદુઓ માટે પણ વૈશાખ પૂર્ણિમા પવિત્ર છે
બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસ ગૌતમ બુદ્ધની જયંતી અને નિર્વાણ તરીકે ઊજવાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગૌતમ બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઇ હતી. બૌદ્ધ ધર્મના લોકો આ દિવસને તેમના જન્મદિવસ તરીકે ઊજવે છે. સનાતન ધર્મના આધારે બુદ્ધ, ભગવાન વિષ્ણુના 9મા અવતાર છે, એટલા માટે હિંદુઓ માટે પણ આ દિવસ પવિત્ર માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...