આજે સમગ્ર દેશ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ કરેલા શાનદાર પ્રદર્શનની ખુશીઓ મનાવી રહ્યો છે. ટોક્યોથી ખેલાડીઓ વતન પરત ફરતાં તેમનું ભવ્ય સ્વાગત પણ એરપોર્ટ કરવામાં આવ્યું છે. જોકે આજે અમે ઓલિમ્પિક સાથે જોડાયેલા એવા ખેલાડીની વાત કરી રહ્યા છે, જેને એક સમયે નામના ખૂબ મળી, પરંતુ આજે તે ઘર ચલાવવા માટે 167 રૂપિયા પ્રતિ દિવસની મજૂરી કરી રહી છે. અમે અહીં વાત કરી રહ્યા છે વર્ષ 2012માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી આસામની પિંકી કરમાકરની. જે આજે આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહી છે. તે પોતાના ગુજરાન માટે હાલ ચાના બગીચામાં કામ કરી રહી છે.
ઘર ચલાવવા માટે કરવાં પડે છે નાનાં-મોટાં કામ
અંતે સમયની સાથે એ ખેલાડીને શા માટે ભૂલવામાં આવે છે, જે એક સમયે દેશનું નામ કરવા માટે દિવસ-રાત મહેનત કરતા હતા. આજે દેશમાં પિંકી કરમાકર જેવી ઘણી યુવા પ્રતિભા છે, જે સુખ અને સુવિધાના અભાવને કારણે બધું જ છોડીને ઘરના કામમાં લાગી ગઈ છે. આવા યુવા ખેલાડીઓ માટે પ્રશાસન તરફથી કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. એને પગલે તેણે પોતાનું ઘર ચલાવવા માટે નાનાં-મોટાં કામ કરવાં પડે છે.
17 વર્ષની વયે કર્યું હતું ભારતનું પ્રતિનિધિત્વ
આવાં ઘણાં ઉદાહરણ તમારી સમક્ષ છે. જેણે એક સમયે આપણા દેશને ગૌરવ અપાવ્યું, પરંતુ તેને આજે ખૂબ મહેનત કરવી પડી રહી છે. જે સમયે લંડન ઓલિમ્પિકનું આયોજન થયું હતું એ દરમિયાન પિંકીની ઉંમર માત્ર 17 વર્ષની જ હતી. આ દરમિયાન તે નોટિંઘમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા પોતાની હાથમાં ટોર્ચ લઈને દોડ લગાવી રહી હતી, પરંતુ તેણે ક્યારેય આવી સ્થિતિ વિશે વિચાર્યું ન હતું કે આટલા મોટા મુકામ પર પહોંચ્યા પછી પણ તેની જિંદગીમાં આવો સમય આવશે.
પિંકીની ઉંમર આજે 26 વર્ષની
આજે પિંકીની ઉંમર 26 વર્ષની છે, પરંતુ છેલ્લાં 9 વર્ષમાં તેની સાથે જે થયું એની તમે કલ્પના પણ કરી શકશો નહિ. એક સમયે ભારતનું પ્રતિનિધિત્વ કરનારી પિંકી આજે ગુજરાન માટે ચાના બગીચાઓમાં મજૂરી કરી રહી છે. જે સમયે પિંકીએ લંડન ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું એ પછી તે જ્યારે પરત ફરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેને માટે ઘણુંબધું કરવાના વાયદાઓ પણ કરવામાં આવ્યા. જોકે એ પછી એવું બન્યું કે કોઈએ તેની તરફ જોયું પણ નહિ.
પિંકીને એરપોર્ટ પર લેવા માટે મુખ્યમંત્રી સોનોવાલ ગયા હતા
પિંકીને એરપોર્ટ પર લેવા માટે મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલ પોતે ગયા હતા. આજે સ્થિતિ એવી છે કે પિંકીને ગુજરાન ચલાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તેનું ઘર ચલાવવા માટે તે એકલી જ સક્ષમ છે. તેની માતા મૃત્યુ પામી છે, જ્યારે તેના પિતા ખૂબ વૃદ્ધ છે. એવા સંજોગોમાં પિંકી પર જ તમામ જવાબદારી છે. તે જ હાલ ઘર ચલાવી રહી છે. જોકે ચિંતા કરવા જેવી વાત તો એ છે કે પિંકી જેવા ખેલાડીઓને પ્રશાસન તરફથી કોઈપણ મદદ કરવામાં આવતી નથી અને તેમનામાં રહેલી પ્રતિભા દબાઈને જ રહી જાય છે.
ઓલિમ્પિકમાં સારો દેખાવ કરનારા ઘણા ખેલાડીઓને મોટી રકમ અપાઈ
આજે ટોક્યો ઓલિમ્પિક્સમાં સારો દેખાવ કરનારા ઘણા ખેલાડીઓને સરકાર દ્વારા મોટી રકમ આપવામાં આવી છે. ઓલિમ્પિકમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા ગયેલા ઘણા ખેલાડીઓ એવા પણ છે, જેમના ઘરમાં ટીવી પણ નથી. તેઓ માટીના કાચા મકાનમાં રહેવા મજબૂર છે. જોકે તેમણે રમત પ્રત્યે નિષ્ઠા અને લગાવને પગલે ઓલિમ્પિક સુધીની પોતાની સફર પૂરી કરી છે. આ પ્રથમ પ્રસંગ નથી, જ્યારે ભારતના ખેલાડીઓએ પોતાના દેશનું વિશ્વમાં માન વધારી દીધું હોય. આ પહેલાં પણ ભારતના ઘણા ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો અને સારું પ્રદર્શન કર્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.