9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. પેટ્રોલિયમમંત્રી હરદીપ સિંહ પુરીએ પણ ઓઇલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની અપીલ કરી છે. તેમણે આજે કહ્યું હતું કે 'આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતો નિયંત્રણમાં છે. ઓઇલ કંપનીઓ પણ ખોટમાંથી બહાર આવી ગઈ છે, આવી સ્થિતિમાં હું વિનંતી કરું છું કે કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે.'
હરદીપ સિંહ પુરીએ વેટ ન ઘટાડવા માટે કેટલાક રાજ્યોને પણ નિશાન બનાવ્યા હતા. પુરીએ કહ્યું હતું કે 'આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવા છતાં કેન્દ્ર સરકારે નવેમ્બર 2021 અને મે 2022માં એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, પરંતુ કેટલીક રાજ્ય સરકારોએ વેટમાં ઘટાડો કર્યો નહતો. જેના કારણે તે રાજ્યોમાં ક્રૂડના ભાવ હજુ પણ ઉંચા છે. હરદીપ સિંહ પુરી બનારસના ગંગા ઘાટ પર CNG બોટ રેલીમાં આ વાત બોલ્યા હતા.
આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી યોજાશે
આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તમામ રાજ્યોના પરિણામો 2 માર્ચે જાહેર કરવામાં આવશે. જ્યારે કર્ણાટક, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણામાં પણ આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે.
આ ચૂંટણીઓને 2024ની લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ, ત્રિપુરા અને કર્ણાટક ભાજપનું શાસન છે. જ્યારે પ્રાદેશિક પક્ષો નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમમાં સત્તા ધરાવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્યાં સાથી તરીકે છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે અને KCRની પાર્ટી BRS તેલંગાણામાં સત્તામાં છે.
આ સિવાય સરકાર ઇચ્છે તો જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી કરાવી શકે છે. ત્યાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ પૂરી કરી દીધી છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે આ 10 રાજ્યોની ચૂંટણીનું વર્ષ છે. પેટ્રોલ-ડિઝલના ભાવ ચૂંટણીમાં મોટો મુદ્દો છે, આવી સ્થિતિમાં સરકાર તેમની કિંમતો ઘટાડવા માગે છે.
પેટ્રોલ અને ડૂઝલના ભાવ કેમ ઘટશે એ જાણતાં પહેલાં ચાલો... જાણો મુખ્ય શહેરોમાં તેની કિંમતો…
શહેર | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 96.72 | 89.62 |
કોલકોતા | 106.03 | 92.76 |
મુંબઈ | 106.31 | 94.27 |
ચેન્નઈ | 102.63 | 94.24 |
ચંડીગઢ | 96.20 | 84.26 |
ભોપાલ | 108.65 | 93.90 |
જયપુર | 108.48 | 93.72 |
રાયપુર | 102.45 | 95.44 |
અમદાવાદ | 96.39 | 92.15 |
બેંગલુરુ | 101.94 | 87.89 |
લખનઉ | 96.57 | 89.76 |
નોઇડા | 96.79 | 89.96 |
ગુરુગ્રામ | 97.18 | 90.05 |
નોંધ: પ્રતિ લિટર રૂપિયામાં કિંમત
પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન, 2010 પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ કંપનીઓ પર છોડી દીધું હતું. આવી જ રીતે ઓક્ટોબર 2014 સુધી સરકાર ડીઝલના ભાવ નક્કી કરતી હતી પરંતુ 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ પણ કંપનીઓને સોંપી દીધું હતું.
હાલમાં ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડિઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડિઝલની કિંમત રોજ નક્કી કરે છે.
ઓઇલની કિંમતમાં ટેક્સનો મોટો ભાગ
આજે જ્યારે તમે 100 રૂપિયાનું પેટ્રોલ ખરીદો છો તો 52 રૂપિયા ટેક્સ તરીકે સરકારના ખિસ્સામાં જાય છે. જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે, જ્યારે સરકારની તિજોરી ઝડપથી ભરાતી રહી છે. આવી સ્થિતિમાં સરકાર ઇચ્છે તો ટેક્સમાં ઘટાડો કરીને સામાન્ય માણસને રાહત આપી શકે છે. ટેક્સ વસૂલવામાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ મુખ્યત્વે 4 ફેક્ટર્સ પર આધાર રાખે છે
ભારત તેની જરૂરિયાતના 85% ક્રૂડ ઓઇલની આયાત કરે છે
આપણે આપણી જરૂરિયાતના 85% કરતાં વધુ ક્રૂડ ઓઇલ બહારથી ખરીદીએ છીએ. આની કિંમત આપણે ડોલરમાં ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ડોલરની મજબૂતીથી પેટ્રોલ અને ડિઝલ મોંઘા થઈ ગયા છે. ક્રૂડ ઓઇલ બેરલમાં આવે છે. એક બેરલ એટલે 159 લિટર ક્રૂડ ઓઇલ.
ટ્રાન્સપોર્ટેશન અને એગ્રીકલ્ચર સેક્ટરમાં ડીઝલનો સૌથી વધુ વપરાશ
ભારતમાં ડીઝલનો સૌથી વધુ વપરાશ ટ્રાન્સપોર્ટ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં થાય છે. આ બે સેક્ટર મોંઘવારીથી સૌથી વધુ પ્રભાવિત છે. ડીઝલના ભાવ વધવાને કારણે તેને ખેતીમાંથી બજારમાં લાવવું મોંઘું થઈ જાય છે. જેના કારણે સામાન્ય માણસ અને ખેડૂત બન્નેનું બજેટ બગડી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.