ઓઈલ કંપનીઓએ આ સપ્તાહમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રવિવારે પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 55 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. નવી કિંમત લાગુ થયા પછી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 99.11 રૂપિયા/લિટર અને ડીઝલ 90.42 રૂપિયા/લિટર મળી રહ્યું છે. અગાઉ 22, 23, 25 અને 26 માર્ચે 80-80 પૈસાનો વધારો થયો હતો.
માર્ચ મહિનામાં છેલ્લા છ દિવસથી મોંઘવારી વધી રહી છે. 22 માર્ચથી અત્યાર સુધી એલપીજી અને CNG-PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે.
માર્ચમાં મોંઘવારીનો માર
મૂડીઝનો દાવો - પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સાથે નહીં પણ ધીમે ધીમે વધશે
હાલમાં, મૂડીઝ રેટિંગ એજન્સીએ એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ભારતના ટોચના ઇંધણ રિટેલર્સ IOC, BPCL અને HPCLએ નવેમ્બર અને માર્ચ વચ્ચે લગભગ 2.25 અબજ ડોલર (રૂ. 19 હજાર કરોડ)ની આવકનું નુકસાન થયું છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર નુકસાનથી બચવા માટે રિફાઈનરને કિંમતો વધારવાની મંજૂરી આપશે. સતત બે દિવસ સુધી 80-80 પૈસાના વધારા પર મૂડીઝે કહ્યું કે આ સૂચવે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સાથે નહીં પણ ધીમે ધીમે વધશે.
પેટ્રોલ, ડીઝલને GST હેઠળ લાવવા જોઈએ: PHDCC
PHD ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રદીપ મુલતાનીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાથી ઘણી મદદ મળશે. તે અર્થતંત્ર માટે સારું રહેશે. તેમણે કહ્યું કે જે રીતે કિંમતો દિવસેને દિવસે વધી રહી છે, હવે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા પડશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન 2010 પછી સરકારે પેટ્રોલની કિંમત નક્કી કરવાનો નિર્ણય ઓઈલ કંપનીઓ પર છોડી દીધો. એ જ રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલની કિંમત પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી.
19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ ઓઈલ કંપનીઓને સોંપી દીધું. હાલમાં ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ, વિનિમય દર, ટેક્સ, પેટ્રોલ-ડીઝલ માટે પરિવહનના ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.
9 મહિનામાં ટેક્સમાંથી 3.31 લાખ કરોડની વસૂલાત
કેન્દ્ર સરકારે એપ્રિલથી ડિસેમ્બર (2021) દરમિયાન પેટ્રોલ અને ડીઝલ સહિતની પેટ્રોલિયમ પેદાશો પરના ટેક્સમાંથી રૂ. 3.31 લાખ કરોડ એકત્ર કર્યા છે. એક RTI દ્વારા આ વાત સામે આવી છે. RTI ના જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર રૂ. 37,653.14 કરોડની કસ્ટમ ડ્યુટી એકત્રિત કરવામાં આવી હતી, જ્યારે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી તરીકે રૂ. 2,93,967.93 કરોડ રુપિયા સરકારી તિજોરીમાં જમા થયા છે. અહીં જો આપણે એક્સાઈઝ ડ્યુટીની વાત કરીએ તો અત્યાર સુધી કેન્દ્ર સરકારે 13 વખત ડ્યુટી વધારી છે, જ્યારે માત્ર 4 વખત ઘટાડો કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.