• Gujarati News
  • National
  • Person Who Returned From UAE To Kerala Reports Positive; The Center Gave Directions To The States

ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ:UAEથી કેરળ પરત આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ; કેન્દ્રએ રાજ્યોને આપ્યા નિર્દેશ

નવી દિલ્હી3 મહિનો પહેલા

ભારતમાં મંકીપોક્સના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. દર્દી ત્રણ દિવસ પહેલાં જ સંયુક્ત આરબ અમીરાત (UAE)થી કેરળના કોલ્લમ પહોંચ્યો છે. ગુરુવારે કેરળના સ્વાસ્થ્યમંત્રી વીના જ્યોર્જે જણાવ્યું હતું કે દર્દીને તાવ અને શરીર પર ડાઘા જોવા મળ્યા છે, એ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તે ખતરાથી બહાર છે.

તેમણે જણાવ્યું હતું કે દર્દી વિદેશમાં મંકીપોક્સના પેશન્ટના સંપર્કમાં હતો. ત્યારે દર્દીના સંપર્કમાં આવેલાં તેનાં માતા-પિતા, ટેક્સી-ડ્રાઈવર, ઓટો-ડ્રાઈવર સહિત ફ્લાઈટમાં સાથે આવેલા 11 યાત્રિકની પણ તપાસ કરવામાં આવશે. આ પહેલાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ મંકીપોક્સનો સંદિગ્ધ મામલો સામે આવ્યો હતો, જોકે બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઈન્સ
વિશ્વમાં મંકીપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. એને જોતાં ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને મંકીપોક્સ વિરુદ્ધ સતર્કતા રાખવા અને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઈન્સનું પાલન કરવાની સલાહ આપી છે.

સરકારે રાજ્યોને પોઈન્ટ ઓફ એન્ટ્રી, એટલે કે યાત્રિકોને આવવાની જગ્યાએ વધુ ચોકસાઈ રાખવાની સલાહ આપી છે. અહીં ધ્યાન રાખતી ટીમથી લઈને ડોકટર્સ સહિતનો સ્ટાફ તહેનાત રહેશે. આ ઉપરાંત જે લોકોમાં લક્ષણો જોવા મળશે તેમના સંપર્કમાં આવેલા તમામની તપાસ કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને મંકીપોક્સ માટે અલગથી હોસ્પિટલ નિર્ધારિત કરવાનું કહ્યું છે. અહીં બીમારી દરમિયાન દર્દીને આઈસોલેટ કરવા અને તેમની સારવારની દરેક જરૂરિયાત ઊભી કરવામાં આવશે.

મંકીપોક્સના કેસ 10,000ને પાર
Monkeypoxmeter.com મુજબ, અત્યારસુધીમાં 73 દેશમાં 10,884 દર્દીની પુષ્ટિ થઈ છે, જેમાંથી યુરોપમાં સૌથી વધુ 8,816 લોકો મંકીપોક્સની ઝપેટમાં આવી ગયા છે. તો બીમારીથી ગ્રસ્ત ટોપ 10 દેશમાં બ્રિટન, સ્પેન, અમેરિકા, જર્મની, ફ્રાંસ, પોર્ટુગલ, કેનેડા, નેધરલેન્ડ, ઈટાલી અને બેલ્જિયમ સામેલ છે. મંકીપોક્સથી આ વર્ષે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...