પ્રથમ વખત ભારતે ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સિરક્રીક અને હરામી નાલા ખાતે બીએસએફના જવાનો માટે કાયમી બંકરો બનાવવાની શરૂઆત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ભુજ સેક્ટરમાં આ વિસ્તારમાં આઠ માળનાં બંકર કમ ઓબ્ઝર્વેશન પોસ્ટનાં નિર્માણ માટે 50 કરોડના ફંડને મંજૂરી આપી છે. પાકિસ્તાની માછીમારોની સતત ઘૂસણખોરીને રોકવા માટે ભારત સરકાર દ્વારા આ બંકરો બનાવવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારમાં વારંવાર ફિશિંગ બોટ પણ ઘૂસી જાય છે.
સત્તાવાર આંકડા મુજબ સરહદ સુરક્ષાદળ (બીએસએફ) દ્વારા 2022માં 22 પાકિસ્તાની માછીમારોને પકડી પાડ્યા છે, સાથે 79 ફિશિંગ બોટ કબજે કરાઇ છે. ઉપરાંત 250 કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો અને 2.49 કરોડની કિંમતનો ચરસનો જથ્થો પણ ગુજરાતના આ પ્રદેશમાંથી બીએસએફ દ્વારા કબજે કરાયો છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (સીપીડબલ્યુડી) દ્વારા આ બંકરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 4050 સ્કવેર કિમીના સિરક્રીકને ખૂબ જ સંવેદનશીલ તરીકે ગણવામાં આવે છે.
42 ફૂટ ઊંચા વર્ટિકલ બંકરો પૈકીના સૌથી ટોપ ફ્લોર પર જાસૂસી ગેજેટ સ્થાપિત કરાશે. જેથી તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.