મોડલ અને એક્ટ્રેસ અર્પિતા મુખર્જી હાલ સમાચારમાં છે. પશ્ચિમ બંગાળ સ્થિત તેમના ઘરમાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) લગભગ 50 કરોડની કેશ જપ્ત કરી છે. અર્પિતા બંગાળ સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટર્જીની ખાસ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ EDએ અર્પિતા અને પાર્થ બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન IPS અધિકારી અરુણ બોથરાએ અર્પિતા મુખર્જીને લઈને એક ટ્વીટ કર્યું છે, જે ચર્ચામાં છે. યુઝર્સે તેમના ટ્વીટ પર રિએક્ટ કર્યું છે.
IPSએ ટ્વીટ કર્યું
IPSએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે કંઈપણ કહો, અર્પિતાજીની વફાદારીની મિસાલ કાયમ છે. પોતાને તો સોસાયટીના 11809 રૂપિયા ચૂકવવાના બાકી હતા, દરવાજા પર નોટિસ લાગી ગઈ, પરંતુ બીજાના પૈસાને સાચવીને રાખ્યા. IPS અરુણ બોથરાએ અર્પિતા મુખર્જીના ઘરમાંથી જપ્ત થયેલી કેશની એક તસવીર અને બાકીના મેઇન્ટેનન્સનું લિસ્ટ પણ શેર કર્યું છે. આ લિસ્ટ મુજબ અર્પિતાએ મેઇન્ટેનન્સ પેટે 11 હજારથી વધુ રૂપિયા ચૂકવવાના બાકી છે.
લોકોએ આપી વિવિધ પ્રતિક્રિયા
તેમના ટ્વીટ પર યુઝર્સે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું- અર્પિતાની પાસે છુટ્ટા પૈસા નહિ હોય, તો એક અન્ય યુઝરે લખ્યું- જ્યાં આટલા પૈસા રાખવામાં આવ્યા હોય ત્યાં 11 હજાર પર કોઈ ધ્યાન આપે?
આ સિવાય @anjanikumar41 નામના ટ્વિટર યુઝરે એક મીમ શેર કરતાં લખ્યું- કહો વિનોદ...બીજાના પૈસા રાખવા માટે કેટલા મળે છે? @Brahmin_Bachchaએ લખ્યું- કોઈ સોસાયટીના પ્રેસિડન્ટની હાય લાગી હશે. @prasun004 લખે છે- કેટલા પણ પૈસા કેમ ન હોય, સોસાયટીના મેઇન્ટેનન્સને લોકો ખૂબ લટકાવ્યા પછી જ ભરે છે.
જાણો સમગ્ર મામલો
પશ્ચિમ બંગળમાં ટીચર ભરતીકૌભાંડમાં તપાસમાં લાગેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED)એ 23 જુલાઈએ અર્પિતાના ફ્લેટ પર રેડ કરી હતી. આ દરમિયાન EDને લગભગ 21 કરોડ રૂપિયાની કેશ મળી હતી. અર્પિતાના ઘરમાંથી 20 મોબાઈલ અને 50 લાખ રૂપિયાની જવેલરી જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય EDને અર્પિતાના ઘરમાંથી લગભગ 60 લાખની વિદેશી કરન્સી પણ મળી હતી. એ પછીથી EDએ અર્પિતા મુખર્જીની ધરપકડ કરી લીધી હતી.
પૂછપરછ પછી અર્પિતાના અન્ય એક ઘરમાં રેડ કરવામાં આવી હતી. અહીંથી EDને 27.9 કરોડની કેશ મળી હતી. એમાં 2000 રૂપિયા અને 500 રૂપિયાની નોટનાં બંડલ હતાં. બંને કાર્યવાહી દરમિયાન મળેલી કેશનો સરવાળો કરવામાં આવે તો લગભગ 50 કરોડ(48.9) રૂપિયા થાય છે. એટલું જ નહિ, રેડ દરમિયાન અર્પિતાના ઘરમાંથી 4.31 કરોડ રૂપિયાનું ગોલ્ડ મળ્યું છે. એમાં 1-1 કિલોની 3 સોનાની ઈંટો, અડધો-અડધો કિલોની 6 સોનાની બંગળી અને અન્ય દાગીના સામેલ છે.
કોણ છે અર્પિતા મુખર્જી
અર્પિતા મુખર્જી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે. અર્પિતાએ તેના ફિલ્મી કરિયરમાં મોટા ભાગે સાઈડરોલ જ કર્યો છે. તેણે બાંગ્લા ફિલ્મો સિવાય ઓડિયા અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અર્પિતાને લઈને કહેવાઈ રહ્યું કે તે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની ખાસ છે. પાર્થ ચેટર્જી, મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારમાં શિક્ષણમંત્રી પણ રહ્યા છે. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.