જોશીમઠ જમીનમાં સરકી રહ્યું છે. શહેરનાં ઘરોમાં તિરાડો પડી રહી છે. લોકો સામે પોતાનું ઘર બચાવવાનો પડકાર છે. અહીંના લોકોનું દર્દ ત્યારે સામે આવ્યું જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી જોશીમઠ પહોંચ્યા. તેની સામે લોકો રડવા લાગ્યા. મહિલાઓએ તેને ઘેરી લીધા. કહ્યું- અમારી નજર સામે અમારી દુનિયા બરબાદ થઈ રહી છે, તેને બચાવો. અમે અમારાં ઘરોમાં રહેતાં ડરીએ છીએ.
લોકો પોતાના દર્દને મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરવા માટે એટલા અધીરા બની રહ્યા હતા કે સુરક્ષા કર્મચારીઓને પણ તેમને સંભાળવામાં મુશ્કેલી પડી રહી હતી. સીએમ ધામીએ અસરગ્રસ્તોને કહ્યું- ઉત્તરાખંડ સરકાર દરેક મુશ્કેલીમાં તેમની સાથે છે. ધામીએ જોશીમઠમાં ડેન્જર ઝોન વિસ્તારમાં બનેલાં મકાનોને તાત્કાલિક ખાલી કરવા જણાવ્યું હતું. અહીં, ચમોલી જિલ્લા પ્રશાસને કહ્યું- જોશીમઠના 9 વોર્ડની 603 ઈમારતોમાં અત્યાર સુધીમાં તિરાડો પડી ગઈ છે. 55 પરિવારોને બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
પહેલાં તસવીરોમાં જુઓ સીએમ ધામી જોશીમઠના લોકોને કેવી રીતે મળ્યા
શંકરાચાર્યએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી
જ્યોતિષપીઠના શંકરાચાર્ય જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. તેમણે કહ્યું- છેલ્લા એક વર્ષથી જમીન નીચે આવવાના સંકેતો હતા. સરકારે આ તરફ ધ્યાન આપ્યું નથી. ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક શહેર જોશીમઠ જોખમમાં છે.
જૂના ગ્લેશિયર પર વસેલું છે જોશીમઠ
ઉત્તરાખંડનું જોશીમઠ ડૂબી રહ્યું છે. અહીં 561 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. 4,677 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારમાંથી લગભગ 600 પરિવારોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. લગભગ 5 હજાર લોકો ગભરાટમાં છે. તેમને ડર છે કે તેમનું ઘર ગમે ત્યારે તૂટી શકે છે. સૌથી વધુ અસર શહેરના રવિગ્રામ, ગાંધીનગર અને સુનિલ વોર્ડમાં જોવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોશીમઠનાં ઘરોમાં 13 વર્ષ પહેલાં તિરાડો દેખાવા લાગી હતી. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ ત્યારે એનટીપીસી પાવર પ્રોજેક્ટ અને ચાર ધામ ઓલ વેધર રોડ પર કામ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. નિષ્ણાતોનું કહેવું છે કે શહેરની નીચે બ્લાસ્ટિંગ અને ટનલિંગના કારણે પહાડો ધસી રહ્યા છે. જો તેને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો શહેર કાટમાળમાં ફેરવાઈ શકે છે. હિમાલયના ઇકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત, જોશીમઠને બદ્રીનાથ, હેમકુંડ અને ફૂલોની ઘાટી સુધીનો એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જોશીમઠની સ્થિતિ કેમ સંવેદનશીલ છે તે જાણવું જરૂરી છે. જોશીમઠના ભૌગોલિક સ્થાન પર તૈયાર કરાયેલા રિપોર્ટ કહે છે કે આ શહેર આટલું અસ્થિર કેમ છે. તેમને તબક્કાવાર સમજો...
1. વાડિયા ઈન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ - જોશીમઠ ગ્લેશિયરના થીજી ગયેલા ખડકો પર વસેલું છે.
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીએ તેના સંશોધનમાં કહ્યું હતું કે - ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવતા મોટાભાગનાં ગામો ગ્લેશિયર પર વસે છે. જ્યાં આજે વસાહતો છે, ત્યાં એક સમયે હિમનદીઓ હતી. આ હિમનદીઓની ટોચ પર લાખો ટન ખડકો અને માટી જમા થાય છે. લાખો વર્ષો પછી ગ્લેશિયરનો બરફ પીગળે છે અને માટી પર્વત બની જાય છે.
2. એમસી મિશ્રા સમિતિએ કહ્યું હતું - જોશીમઠની નીચે માટી અને પથ્થરના ઢગલા
1976માં ગઢવાલના તત્કાલીન કમિશનર એમસી મિશ્રાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ કહ્યું હતું કે જોશીમઠનો વિસ્તાર પ્રાચીન ભૂસ્ખલન વિસ્તારમાં આવે છે. આ શહેર પર્વત પરથી નીચે આવેલા પથ્થર અને માટીના ઢગલા પર બાંધવામાં આવ્યું છે, જે ખૂબ જ અસ્થિર છે.
કમિટીએ આ વિસ્તારમાં ઢોળાવ પર ખોદકામ કે બ્લાસ્ટિંગ કરીને કોઈ મોટા પથ્થરો ન કાઢવાની ભલામણ કરી હતી. જોશીમઠના પાંચ કિલોમીટરની અંદર કોઈ પણ બાંધકામનો કાટમાળ ફેંકવો ન જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું હતું.
3. હિમાલયમાં પેરા-ગ્લેશિયલ ઝોનની વિન્ટર સ્નો લાઇન પર વસાહત
જોશીમઠ હિમાલયના પ્રદેશમાં જે ઊંચાઈએ આવેલું છે તેને પેરા ગ્લેશિયલ ઝોન કહેવામાં આવે છે. મતલબ કે આ સ્થળોએ એક સમયે હિમનદીઓ હતી, પરંતુ બાદમાં ગ્લેશિયર્સ પીગળી ગયા અને તેનો કાટમાળ રહી ગયો. તેમાંથી બનેલા પર્વતને મોરેન કહે છે. વૈજ્ઞાનિક ભાષામાં આવી જગ્યાને અસંતુલિત જગ્યા કહેવામાં આવે છે. તેનો અર્થ છે - એક એવી જગ્યા જ્યાં જમીન સ્થિર નથી અને જેનું સંતુલન સ્થાપિત થયું નથી.
એક કારણ એ પણ છે કે જોશીમઠ શિયાળાની બરફ રેખાની ઊંચાઈથી ઉપર છે. શિયાળાની બરફ રેખા એ શિયાળામાં બરફ રહે છે તે હદ છે. આવી સ્થિતિમાં પણ, જ્યારે બરફની ટોચ પર કાટમાળ જમા થતો રહે છે ત્યારે ત્યાં મોરેન રચાય છે.
જમીનમાંથી બિહામણા અવાજ આવી રહ્યા છે
ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના જોશમીઠ શહેરમાં શુક્રવારે રાતે ભૂગર્ભમાં હિલચાલ અચાનક વધી ગઈ. તિરાડોએ દિશા બદલી અને ધસી રહેલા વિસ્તારોની નીચેથી રાતે બિહામણા અવાજ આવી રહ્યા હતા. આવો જ અવાજ 7 ફેબ્રુઆરી 2021ના રોજ રૈણીમાં આપત્તિ પછી પૂરના વેગથી આવતો હતો. તેના પછી વિષ્ણુગાડ પાવર પ્રોજેક્ટની ટનલ બંધ કરાઈ.
જોશીમઠના લોકો હવે દિવસ-રાત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અમુક લોકો તો ઘર છોડી સંબંધીઓને ત્યાં પહોંચી ગયા છે, તો અમુક ભાડાનાં મકાનોમાં. બાકીને તંત્ર બળજબરીથી રાહત કેમ્પોમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. શુક્રવારે રાતે અમુક મકાનોમાં નવી તિરાડો પડી હતી. પહેલા અલકનંદાના વહેણની ક્રોસ દિશામાં તિરાડો પડી હતી પણ નવી તિરાડો વેગથી વિપરીત દિશામાં પડી છે. સિંહદાર, સ્વીં બેલાપુર, રવિગ્રામ, ખોન, ગાંધીનગર, સુનીલ ગામ, જ્યોતિર્મઠ અને નોગ વાર્ડોના લોકો ખુલ્લા આકાશ હેઠળ તાપણું સળગાવી રાત વિતાવી રહ્યા છે. દીવાલો નમી જતાં ઈમારતોની છતોને વાંસ વડે ટેકો અપાયો છે. જમીન નીચે પાણીની સાથે પથ્થરોના ગગડવાના અવાજોએ લોકોની ઊંઘ જ છીનવી લીધી છે. જેપી કોલોનીના બેડમિન્ટન હોલનો ફ્લોર તિરાડો પડવાથી ધસી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.