તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:લોકો હેરાન, દેશમાં આ શું થઈ રહ્યું છેઃ સુપ્રીમ

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કાવડયાત્રાને યુપી સરકારની મંજૂરી, ઉત્તરાખંડે રોક લગાવી, સુપ્રીમની સુઓમોટો
  • ઉત્તરાખંડ અને કેન્દ્રને શુક્રવાર સુધીમાં જવાબ આપવા નિર્દેશ, એ દિવસે સુનાવણી

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ખતરા છતાં ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે સુઓમોટો કરી છે. બુધવારે પ્રકાશિત મીડિયાના અહેવાલોનો હવાલો આપીને જસ્ટિસ આર. એસ. નરીમાને કહ્યું કે, ‘અમે હેરાન કરતા અહેવાલો વાંચ્યા છે. લોકો પરેશાન છે. દેશમાં આ શું ચાલી રહ્યું છે? કાવડ યાત્રાની તૈયારી ત્યારે થઈ રહી છે, જ્યારે વડાપ્રધાન ત્રીજી લહેર મુદ્દે ચેતવણી આપતા કહી ચૂક્યા છે કે, હવે થોડી પણ લાપરવાહી જોખમી સાબિત થશે. આ મુદ્દે આપણે કોઈ સમાધાન ના કરી શકીએ.’

ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ‘ઉ. પ્રદેશ સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપી છે, જ્યારે ઉત્તરાખંડ સરકાર કહી ચૂકી છે કે, યાત્રા નહીં થાય. અમે બંને રાજ્ય સરકારોનું વલણ સમજવા માંગીએ છીએ. બંને રાજ્યના જુદા જુદા નિવેદનોથી નાગરિકો ભ્રમિત થઈ શકે છે. તેઓ કશું સમજી નથી શકતા.’

વાત એમ છે કે, યોગી સરકારે 25 જુલાઈથી કાવડ યાત્રાને મંજૂરી આપી છે, જ્યારે તેના પાડોશી રાજ્ય ઉત્તરાખંડે કાવડ યાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ઉ. પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને કહ્યું છે કે, શુક્રવાર સવાર સુધી તમામ જવાબ દાખલ કરે, જેથી એ દિવસે સુનાવણી થઈ શકે.

હાઈકોર્ટે કહ્યું હતું- પૂજાનો અધિકાર જીવવાના અધિકારથી મોટો નથી
કોરોનાની બીજી લહેર વચ્ચે યોજાયેલા હરિદ્વાર કુંભમાં ઉત્તરાખંડ સરકારની દેશભરમાં ટીકા થઈ હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે કુંભનો હવાલો આપીને ગયા મહિને ચારધામ યાત્રાની મંજૂરી આપવાની ના પાડી હતી. હાઈકોર્ટે મે મહિનામાં કહ્યું હતું કે, ‘પહેલા આપણે કુંભમાં ભૂલ કરી, હવે ચારધામ યાત્રાની વાત કરીએ છીએ. અમને વારંવાર શરમમાં કેમ મૂકો છો?’ બાદમાં 24 જૂને કોર્ટે કહ્યું કે, ‘કુંભ અને કોરોનાના મોત વચ્ચે સીધો સંબંધ છે. આ સ્થિતિમાં ચારધામ યાત્રા નવી આફત સર્જી શકે. પૂજા અને ધર્મનો અધિકાર જીવવાના અધિકારથી મોટો ના હોઈ શકે.’ મદ્રાસ હાઈકોર્ટે પણ ધર્મસ્થળો ખોલવાની સુનાવણી વખતે ત્રીજી જુલાઈએ આવી ટિપપ્ણી કરી હતી.

2019માં હરિદ્વારમાં 3.5 કરોડ કાવડિયા પહોંચ્યા હતા
વર્ષ 2019માં થયેલી કાવડ યાત્રામાં આશરે 3.5 કરોડ શ્રદ્ધાળુ હરિદ્વાર પહોંચ્યા હતા. બીજી તરફ. પશ્ચિમ ઉ. પ્રદેશના વિવિધ ધાર્મિક સ્થળે બેથી ત્રણ કરોડ શ્રદ્ધાળુ ગયા હતા. શ્રાવણમાં યોજાતી કાવડયાત્રામાં ભક્તો ગંગાજળ લઈને શિવમંદિરોમાં જળાભિષેક કરે છે. કોરોનાના કારણે ગયા વર્ષે કાવડ યાત્રા રદ કરાઈ હતી.

ઉ. પ્રદેશ સરકાર કાવડ યાત્રા ચાલુ રાખવા મક્કમ
ઉ. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે કે, કાવડ યાત્રામાં લોકો ઓછી સંખ્યામાં ભાગ લે અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરાય. ઉ. પ્રદેશ સરકારના પ્રવક્તાએ મંગળવારે જ કહ્યું હતું કે, જરૂર પડશે તો તીર્થયાત્રીઓ માટે આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...