• Gujarati News
  • National
  • Pegasus Spyware Row Bjp And Pm Narendra Modi Israel Trip Mention In British News Media The Guardian Report Amid

પેગાસસ કાંડ:ધી ગાર્ડિયને જાસુસી કાંડમાં વડાપ્રધાન મોદીના ઈઝરાયલ મુલાકાત સાથે તાર જોડ્યા, શાહે કહ્યું- ક્રોનોલોજી સમજવાની જરૂર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોગાસસ જાસુસી કાંડમાં બ્રિટિશ ન્યૂઝ મીડિયા વેબસાઈટ ધી ગાર્ડિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. માઈકલ સેફીના 'કી મોદી રાઈવલ રાહુલ ગાંધી અમંગ પોટેન્શિયલ ઈન્ડિયન ટાર્ગેટ્સ ઓફ એનએસઓ ક્લાઈન્ટ' હેડિંગ વાળા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય નંબરોની પસંદગી મોટા ભાગે વડાપ્રધાન મોદીની 2017ની ઈઝરાયલ મુલાકાતથી જ શરૂ થઈ ગઈ હતી. આ કોઈ ભારતીય પીએમ દ્વારા ઈઝરાયલની પહેલી મુલાકાત હતી, ત્યારપછી બંને દેશોના સંબંધો ઘણા ગાઢ થયા હતા. તેમાં દિલ્હી અને ઈઝરાયલના અબજો ડોલરના સોદા સામેલ છે.

સુહાસિની હૈદરની ટ્વિટ વાયરલ
ડૉ. સુબ્રમણ્યમ સ્વામીના દિકરી સુહાસિની હૈદરની પેગાસસ મામલે ટ્વિટ જાહેર થતાં ફરી રાજકીય ક્ષેત્રે ખળભળાટ શરૂ થયો છે. આ ટ્વિટમાં ઈઝરાયલ દ્વારા ભારતીય નંબરોની જાસુસી કરવાનું તે સમયે શરૂ થયું હતું જ્યારે 2017માં નરેન્દ્ર મોદી ઈઝરાયલની મુલાકાતે ગયા હતા અને નેતન્યાહુ સાથેના તેમના સંબંધો ખૂબ ગાઢ બન્યા હતા. ફ્રેન્ચ ન્યૂઝ પેપર લી-મોન્ડેને ટેગ કરીને સુહાસિની હૈદરે પણ આ જ ટ્વિટ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે મોદી અને તે સમયના ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ જ્યારે ઉઘાડા પગે દરિયા કાંઠે વોક કરતો ફોટો આવ્યો હતો, તેના થોડા દિવસ પહેલાં જ ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ધી ગાર્ડિયને તેમના રિપોર્ટમાં નોંધ્યું છે કે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીના બે વાર ફોન નંબર ટેડા લીક થયા છે. આ ઉપરાંત 40થી વધારે પત્રકારો, બે કેન્દ્રીય નેતા અને એક જજ સહિત મોટા ઉદ્યોગપતિઓના 300થી વધારે મોબાઈલ નંબર હેક કરવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ રિપોર્ટ રવિવારે સામે આવ્યો હતો.

મમતા બેનરજી અને તેમના સંબંધીઓના ફોન નંબર પણ ટાર્ગેટ
ધી વાયર ન્યૂઝ પોર્ટલે પેગાસસ પ્રોજેક્ટ નામના આંતરરાષ્ટ્રીય સંયુક્ત રિપોર્ટના ખુલાસાના બીજા ભાગમાં માહિતી આપી છે કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનરજી અને ભારતના પૂર્વપ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈ પર એપ્રિલ 2019માં શારીરિક શોષણનો આરોપ લગાવનાર સુપ્રીમ કોર્ટની કર્મચારી અને તેના સંબંધીઓ સાથે જોડાયેલા 11 ફોન નંબર હેકર્સે ટાર્ગેટ કર્યા છે.

શાહે જાસુસીના આરોપો વિશે કોંગ્રેસને ટાર્ગેટ કર્યા

અમિત શાહે કહ્યું- આ ભારતની વિકાસ યાત્રા રોકવાનું કાવતરું છે
અમિત શાહે કહ્યું- આ ભારતની વિકાસ યાત્રા રોકવાનું કાવતરું છે

બીજી બાજુ સોમવારે 19 જુલાઈ 2021એ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જાસુસીના આરોપ વિશે કોંગ્રેસ અને વૈશ્વિસ સંગઠનોને ટાર્ગેટ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિઘ્નકારીઓ અને અવરોધક શક્તિઓ તેમના ષડયંત્રોથી ભારતની વિકાસ યાત્રા રોકી નહીં શકે. ચોમાસુ સત્ર દેશમાં વિકાસના નવા માપદંડ સ્થાપિત કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, લોકતંત્રને બદનામ કરવા માટે ચોમાસુ સત્રના એક દિવસ પહેલાં જ સાંજે એક રિપોર્ટ આવે છે, જેને અમુક વર્ગ દ્વારા કોઈ એક ચોક્કસ હેતુથી વાયરલ કરવામાં આવે છે. આ ભારતની વિકાસ યાત્રાને પાટા પરથી ઉતારવા અને પોતાના જૂના નેરેટિવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને અપમાનિત કરવા માટે જે પણ કરી શકાય તે કરવામાં આવે છે.

અશ્વિની વૈષ્ણવે ફોન ટેપિંગથી જાસુસીનો આરોપ ખોટો ગણાવ્યો
IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ફોન ટેપિંગથી જાસુસીનો આરોપ ખોટો ગણાવ્યો છે. અશ્વિની વૈષ્ણવે કાલે લોકસભામાં કહ્યું હતું કે, ડેટાનો જાસુસી સાથે કોઈ સંબંધ નથી. જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેના તથ્યો ગેરમાર્ગે દોરે એવા છે. આ આરોપોનો કોઈ આધાર નથી. આ પ્રમાણેના આરોપ પહેલાં પણ લગાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંચાર મંત્રીએ કહ્યું કે, એનએસઓએ આ પ્રમાણેના આરોપ પહેલાં પણ નકારી દીધા છે.

કોની-કોની જાસૂસી કરી હોવાની પુષ્ટિ થઈ?
‘વૉશિંગ્ટન પોસ્ટ’ અને ‘ધ ગાર્ડિયન’ના મતે અત્યારસુધી ભારતના 40 પત્રકાર, 3 અગ્રણી વિપક્ષી નેતા, 2 મંત્રી અને એક જજની જાસૂસી થઈ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે આ લોકોનાં નામ હજુ જાહેર નથી કરાયાં, પરંતુ કેટલાક અહેવાલો પ્રમાણે, ‘હિંદુસ્તાન ટાઈમ્સ’, ‘ઈન્ડિયા ટુડે’, ‘નેટવર્ક18’, ‘હિંદુ’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા મીડિયા હાઉસના અગ્રણી પત્રકારોની જાસૂસી થઈ છે. એમાં ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના શિશિર ગુપ્તા અને ‘ધ વાયર’ના સિદ્ધાર્થ વરદરાજન પણ સામેલ છે.

2019ની ચૂંટણી પહેલાં ઈન્વેસ્ટિગેટવ જર્નલિઝમ કરતા પત્રકારોની જાસૂસી શરૂ થઈ હતી
‘ફોરબિડન સ્ટોરીઝ’ અને ‘એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ’ના મતે, ભારતમાં કેટલાક અગ્રણી એડિટરો, પત્રકારોની જાસૂસી કરાઈ છે. તેમની જાસૂસી 2019ની ચૂટંણી પહેલાં શરૂ કરાઈ હતી. તેમાં મોટા ભાગના પત્રકારો હતા, જે ચૂંટણી પહેલાં સતત ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરતા હતા. આ પત્રકારોનાં નામ ટૂંક સમયમાં જાહેર કરાશે. એ વાત સાબિત થઈ ચૂકી છે કે આ લોકોના મોબાઈલમાં સ્પાયવેર મળ્યા છે. તેના થકી તેમની સાથે સંકળાયેલી તમામ માહિતી લીક થતી હતી.

કેટલાક વડાપ્રધાન-રાષ્ટ્રપતિ પણ લિસ્ટમાં સામેલ
બ્રિટિશ મીડિયા જૂથ ધ ગાર્ડિયને જણાવ્યું હતું કે જાસૂસીવાળી યાદીમાં જેમના મોબાઇલ નંબર સામેલ છે તે લોકોના નામ ટૂંક સમયમાં જાહેર કરશે. એમાં વિવિધ દેશોના ઉદ્યોગપતિ, ધાર્મિક નેતા, શિક્ષણવિદ, એનજીઓ કર્મી, વર્કર યુનિયન્સ તથા સરકારી કર્મચારી સામેલ છે. કેટલાક દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ આ યાદીમાં સામેલ છે. એક યાદીમાં એક દેશના શાસકના નજીકના સંબંધી પણ છે. આ શાસકે જ ઇન્ટેલિજન્સ એજન્સીઓને પોતાના સંબંધીઓ પર નજર રાખવા આદેશ કર્યાની આશંકા છે.

પ્રથમ યાદીમાં વિશ્વભરના 180 પત્રકારનાં નામ
પેગાસસ પ્રોજેક્ટ સાથે જોડાયેલા મીડિયા ગ્રુપ્સે રવિવારથી ખુલાસા શરૂ કર્યા. સૌપ્રથમ એમ જણાવ્યું હતું કે યાદીમાં વિશ્વભરના 180થી વધુ પત્રકાર છે. એમાં ફાઇનાન્શિયલ ટાઇમ્સ, સીએનએન, ન્યૂયોર્ક ટાઇમ્સ, ફ્રાન્સ 24, ધ ઇકોનોમિસ્ટ, એપી અને રોઇટર્સના રિપોર્ટર, તંત્રી તથા એક્ઝિક્યુટિવ્સ સામેલ છે. આ પત્રકારોની યાદીમાં મેક્સિકોના ફ્રીલાન્સ રિપોર્ટર સેસિલિયો પિનેડા બિર્ટોનું નામ પણ સામેલ છે, જેની હત્યા થઇ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...