પેગાસસ જાસૂસીકાંડ:આરોપોની તપાસ માટે કેન્દ્ર સમિતિની રચના કરશે, સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલમાં નિમણૂક માટે 10 દિવસનો સમય આપ્યો

2 વર્ષ પહેલા

સુપ્રીમ કોર્ટે સોમવારે પેગાસસ જાસૂસી કેસની સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારે આ મામલે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું અને કહ્યું હતું કે તે કથિત પેગાસસ જાસૂસીની તપાસ માટે નિષ્ણાતોની સમિતિની રચના કરશે. બીજી તરફ, કોર્ટે સરકારને ટ્રિબ્યુનલમાં નિમણૂક કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.

પેગાસસ અંગે સરકાર સામે અરજદારો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કેન્દ્રએ પાયાવિહોણા ગણાવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પત્રકારો, નેતાઓ અને સ્ટાફની સ્પાયવેરની મદદથી જાસૂસી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ બે પાનાંનું સોગંદનામું દાખલ કર્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં ફેલાયેલી ગેરસમજોને દૂર કરવા માટે તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પિટિશનર્સને અનુશાસન રાખવાની સલાહ
આ પહેલાં 10 ઓક્ટોબરે પેગાસસ સાથે જોડાયેલી 9 અરજી પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. એ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો જવાબ દાખલ કરવા માટે વધુ સમયની માગણી કરી હતી, જે પછી સુનાવણી 16 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી હતી, CJI NV રમનાએ આ બાબતે સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ પર ચાલી રહેલી ચર્ચાઓ બાબતે પિટિશનર્સને અનુશાસન રાખવાની સલાહ આપી હતી.

પિટિશનર્સની શું માગણી છે?
પિટિશનર્સની માગણી છે કે પેગાસસ મુદ્દે તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ અથવા વર્તમાન જજની અધ્યક્ષતામાં ગઠિત SIT દ્વારા કાર્યવાહી કરાવવામાં આવે. કેન્દ્રને એ જણાવવાનું કહેવામાં આવે કે શું સરકાર તથા તેમની કોઈપણ એજન્સીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાસૂસી માટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કર્યો છે? શું પેગાસસ સ્પાયવેરનું લાઈસન્સ લેવામાં આવ્યું છે?

પેગાસસ શું છે?

  • પેગાસસ એક સ્પાયવેર છે. સ્પાયવેર, જાસૂસી અથવા સર્વેલન્સ માટે વપરાતું સોફ્ટવેર છે. એના દ્વારા ફોન હેક કરી શકાય છે. હેક થયા બાદ ફોનનો કેમેરો, માઇક, મેસેજ અને કોલ સહિતની તમામ માહિતી હેકર્સને પહોંચી જાય છે. સ્પાયવેર ઇઝરાયેલની કંપની NSO ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે.
  • યાદીમાં કયાં નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે? આ યાદીમાં 40 પત્રકાર, ત્રણ વરિષ્ઠ વિપક્ષી નેતાઓ, એક બંધારણીય પદ પર સ્થિત વ્યકિત, મોદી સરકારના બે મંત્રી અને સુરક્ષા એજન્સીઓના વર્તમાન અને ભૂતપૂર્વ વડાઓ સહિત અનેક ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. આ પત્રકારો હિન્દુસ્તાન ટાઇમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ, ટીવી-18, ધ હિન્દુ, ધ ટ્રિબ્યુન, ધ વાયર જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઘણા સ્વતંત્ર પત્રકારોનાં નામ પણ લેવામાં આવ્યાં છે.

પેગાસસ કેવી રીતે કામ કરે છે?

  • સાયબર સિક્યોરિટી રિસર્ચ ગ્રુપ સિટિઝન લેબના જણાવ્યા અનુસાર, હેકર્સ ડિવાઇસમાં પેગાસસ ઇન્સ્ટોલ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એક રસ્તો એ છે કે ટાર્ગેટ ડિવાઈઝ પર મેસેજ દ્વારા "એક્સપ્લોઈટ લિંક" મોકલવામાં આવે છે. યુઝર આ લિંક પર ક્લિક કરે કે તરત જ પેગાસસ આપોઆપ ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે.
  • 2019માં વ્હોટ્સએપ મારફત ડિવાઈસીઝમાં પેગાસસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો ત્યારે હેકરોએ એક અલગ અભિગમ અપનાવ્યો હતો. ત્યારે હેકર્સે વ્હોટ્સએપના વીડિયો-કોલ ફીચરમાં બગનો ફાયદો ઉઠાવ્યો હતો. હેકર્સે નકલી વ્હોટ્સએપ એકાઉન્ટ દ્વારા ટાર્ગેટ ફોન પર વીડિયો-કોલ કર્યા હતા. આ દરમિયાન ફોનમાં પેગાસસ એક કોડ દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...