કાશ્મીર ખીણમાં તહેનાત હિન્દુ કર્મચારીઓ સતત 12 મેથી આંદોલન કરતા હતા, જેમની બદલીનો માર્ગ મોકળો થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીડબલ્યુડીના પાંચ જુનિયર એન્જિનિયરને કાશ્મીરથી જમ્મુ રિજનમાં બદલીનો આદેશ કર્યો છે. આ પાંચેય કાશ્મીરી પંડિત છે. જોકે, અગાઉ સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે, કોઈ પણ હિન્દુ કર્મચારીની હિંસાના ડરે કાશ્મીર બહાર બદલી નહીં કરાય. હવે અચાનક થયેલી બદલી મુદ્દે ગૃહ મંત્રાલય કે જમ્મુ-કાશ્મીર તંત્ર ચૂપ છે.
કાશ્મીરમાં આંદોલન કરતા પાંચ હજાર પંડિતોએ આ નિર્ણયને આવકાર્યો છે. આ આંદોલનની આગેવાની કરતા ઑલ માઈગ્રેન્ટ એમ્પલોઇ એસોસિયેશને કહ્યું કે, તમામ સરકારી પ્રયાસ છતાં હિન્દુઓ ખીણમાં સુરક્ષિત નથી. એટલે બધાની બદલી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને તેઓ ઓફિસે પરત પણ નહીં જાય.
આતંકી સંગઠનોએ 12 મેના રોજ કર્મચારી રાહુલ ભટની ઓફિસ બહાર હત્યા કરી હતી. ત્યાર પછી હિન્દુઓનું ટારગેટ કિલિંગ શરૂ થયું અને ત્યાર પછી તેમની હિજરત શરૂ થઈ ગઈ. છેવટે અનેક હત્યા પછી હિન્દુઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો. નિષ્ણાતોના મતે, આ મામલો ઉકેલવા સરકારનું વલણ થોડું નરમ પડ્યું છે કારણ કે, પંડિતો કોઈ પણ સંજોગોમાં ખીણમાં રહેવા નથી માંગતા.
બિન-પંડિત હિન્દુ કર્મીઓની બદલી માટે સમિતિ રચાઈ
સરકારે કાશ્મીરમાં તહેનાત જમ્મુ પ્રાંતના બિન પંિડત હિન્દુ કર્મીઓની બદલીનો નિર્ણય લેતા પહેલા એક સમિતિ રચી છે. તેની જવાબદારી ચીફ સેક્રેટરી (કાર્મિક વિભાગ) મનોજ કુમાર દ્વિવેદીને સોંપાઈ છે. આ સમિતિને બદલી સાથે જોડાયેલા તમામ પાસાંની તપાસ કરવા કહેવાયું છે. જોકે, આ સમિતિ પંડિતોની બદલી મુદ્દે કોઈ સિફારિશ નહીં કરે. તે અંગેનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી વિના નહીં થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.