રાજ્યસભામાં ગુરુવારે વિપક્ષના વધુ ત્રણ સાંસદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ ગુપ્તા, સંદીપ પાઠક અને અપક્ષના અજીત કુમાર સામેલ છે. અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના 27 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં 4 લોકસભાના અને 23 રાજ્યસભાના સાંસદ છે.
અત્યાર સુધી સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદ ભવન પરિસરમાં ગાંધી મૂર્તિ સામે ધરણાં કરી રહ્યા છે. એટલે કે વારાફરથી 50 કલાક સુધી સાંસદો ધરણાં કરવાના છે. બુધવારે સવારે 11 વાગે શરૂ થયેલા ધરણાં શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધી ચાલશે.
સાંસદોના ખાણી-પીણીથી લઈને અન્ય જરૂરી સુવિધાઓની જવાબદારી વિપક્ષી પાર્ટીએ કરી છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે મેન્યુ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં દહિ-ભાત, ઢોસા, ચિકન અને ગાજરના હલવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
AAP, TMC અને DMKએ ધરણાં દરમિયાન સંપૂર્ણ ખાણી-પીણીની જવાબદારી સંભાળી છે. બુધવારે DMK સાંસદ તિરુચી શિવાએ ધરણાં પર બેઠેલા સાંસદોને બ્રેકફાસ્ટમાં ઢોસા ખવડાવ્યા હતા. ડિનરની તૃણમૂલ કોંગ્રેસે વ્યવસ્થા કરી હતી. આજે ડિનરની જવાબદારી આમ આદમી પાર્ટીની છે.
સાંસદોના આ ધરણાં બુધવારે સવારે 11 વાગે શરૂ થયા છે જે શુક્રવારે બપોર સુધી ચાલશે. ધરણામાં સામેલ અમુક મહિલાઓ અને વૃદ્ધ સાંસદો શિફ્ટમાં વિરોધ-પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યા છે. સાંસદોનું આ વિરોધ પ્રદર્શન 50 કલાક સુધી ચાલશે.
સાંસદોના હાથમાં મોદી-શાહ તાનાશાહ લખેલા પોસ્ટર્સ
સસ્પેન્ડ થયેલા સાંસદોના હાથમાં મોદી-શાહ તાનાશાહ લખેલા પોસ્ટર્સ છે. સાસંદોએ આરોપ લગાવ્યો છે કે, સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે અને તેથી જ અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, ગુજરાતમાં ઝેરીલી દારૂના કારણે થયેલા મોતનો મુદ્દો હું રાજ્યસભામાં ઉઠાવવા માંગતો હતો તેથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો.
પહેલાં 19 અને પછી એક સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા
રાજ્યસભામાં મંગળવારે વિપક્ષના 19 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમાંથી 7 સાંસદો માત્ર તૃણમૂલ કોંગ્રેસના હતા. જ્યારે બુધવારે આપના સાંસદ સંજય સિંહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. દરેક પર ચર્ચાની માંગણી કરીને ડેપ્યુટી સ્પીકર પર કાગળો ઉછાળવાનો આરોપ છે.
લોકસભામાં સોમવારે ભારે હોબાળા વચ્ચે સ્પીકર ઓમ બિરલાને કોંગ્રેસના 4 સભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ સાંસદો જ્યોતિમણી, માણિકમ ટેગોર, ટીએન પ્રથાપન અને રામ્યા હરિદાસ છે.
પહેલાં પણ રાતે ધરણાં પર બેઠા હતા રાજ્યસભા સાંસદ
સપ્ટેમ્બર 2020માં કૃષિ કાયદો પસાર થયો ત્યારે વિપક્ષના 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ દરેક સાંસદે વિરોધમાં ધરણાં કર્યા હતા. જોકે બીજા દિવસે તેમને ચા પીવડાવવા રાજ્યસભાના ઉપ-સભાપતિ હરિવંશ પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.