ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બુધવારે થયેલા હોબાળા અને ધક્કા-મુક્કી મુદ્દે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી સહિત 15 વિપક્ષોએ આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવી છે, જ્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે ડિફેન્સિવ થઈ ગઈ છે. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે વિશે વિપક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યો છે.
આ મુદ્દે ગુરુવારે બપોરે કેન્દ્રીય મંત્રીઓએ પ્રેસ-કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કામમાં રોડા નાખવાનું કામ વિપક્ષે કર્યું છે અને તેથી તેમણે દેશની માફી માગવી જોઈએ. વિપક્ષને મગરનાં આંસુ વહાવાની કોઈ જરૂર નથી.
વિપક્ષના આરોપ...
કોંગ્રેસ: રાહુલ ગાંધીએ કહ્યું- અમે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો. અમને સંસદમાં બોલવા ના દીધા. રાજ્યસભામાં પહેલીવાર સાંસદોને મારવામાં આવ્યા.
NCP: પ્રફુલ્લ પટેલે કહ્યું કે, તેમણે તેમના સંસદીય જીવનમાં આવી શરમજનક ઘટના કદી નથી જોઈ.
સપા: વિશંભર નિષાદે કહ્યું કે, અમારી મહિલા સાંસદો સાથે ધક્કા-મૂક્કી કરવામાં આવી
આરજેડી: મનોજ ઝાએ કહ્યું કે, ઈન્શ્યોરન્સ બિલ સંસદે પાસ નથી કર્યું, માર્શલ લોએ પાસ કર્યું છે.
DMK: સંસદની આવી તસવીર કદી નથી જોઈ. અમારી મહિલા સાંસદો સાથે ધક્કા મૂક્કી કરાઈ.
સરકારનો જવાબ...
મોટી રૂલ બુક ખુરશી તરફ ફેંકી: પીયૂષ ગોયલ
મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે આખો સત્તા પક્ષ ઈચ્છે છે કે ગૃહ ચાલે, પરંતુ વિપક્ષે ગૃહની ગરિમા તોડી છે. મિનિસ્ટરના હાથમાંથી જવાબ છીનવાઈ રહ્યા છે. જ્યારે માફીની વાત કરવામાં આવી તો સ્પષ્ટ કહી દીધું કે માફી નહીં માગીએ. ચેમ્બરમાં જબરદસ્તી ઘૂસવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન મહિલા માર્શલને ઈજા થઈ એ દુઃખદ છે. અમે આ વિશે એક્શનની માગણી કરી છે. મોટી રૂલ બુક ખુરશી તરફ ફેંકી હતી. જો કોઈ એ ખુરશી પર બેઠું હોત તો તે ઘાયલ થઈ જાત. આ ખૂબ ખરાબ હુમલો હતો.
ગોયલે કહ્યું- કોંગ્રેસ અને આપના સાંસદોએ દેશની સામે શિષ્ટાચારની તસવીર રજૂ કરી છે, એને કારણે મોટો સવાલ ઊભો થઈ ગયો છે કે તમે દેશને કંઈ દિશામાં લઈ જવા માગો છો. આપણા યુવકો આ વાતથી શું શીખશે?
સાંસદોને પરિચય આપવાનો મોકો ના આપ્યો: પ્રહલાદ જોશી
પ્રહલાદ જોશીએ કહ્યું- જે સંસદમાં થયું એ ખૂબ શરમજનક ઘટના છે. અમે ઘણીવાર વિપક્ષ સાથે વાત કરી. પહેલા દિવસે જ અમે તેમને નિવેદન કર્યું હતું કે પ્રથમ દિવસે મંત્રીઓને પરિચય આપવાનો મોકો આપવામાં આવે. એવું પણ ના થયું. ચેરમેન અને સ્પીકર સામે તેમણે જે પણ માગણી મૂકી એ સ્વીકારી લેવામાં આવી. ત્યાર પછી તેઓ પેગાસસનો મુદ્દો લઈ આવ્યા અને જાતે જ નિવેદનો આપવા લાગ્યા. જ્યારે મુદ્દા પહેલેથી જ નક્કી હતા તો કોંગ્રેસ અને તેમના સહયોગી પક્ષોએ સંસદ કેમ ના ચાલવા દીધી.
સાંસદોને સંભાળવા માટે માર્શલ બોલાવ્યા
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિપક્ષી સાંસદો વેલમાં આવીને પ્રદર્શન કરી રહ્યા હતા અને આ દરમિયાન સાંસદોને બોલાવવા માટે માર્શલ બોલાવાયા. સાંસદો અને માર્શલો વચ્ચે થતી ધક્કામુક્કી સ્પષ્ટ દેખાઈ રહી છે. તસવીરોમાં અમુક સાંસદો ટેબલ પર ચડી ગયા છે. એવું પણ સ્પષ્ટ દેખાય છે કે અમુક મહિલા સાંસદો સાથે ધક્કામુક્કી કરવામાં આવી છે.
વિપક્ષે રેલી કાઢી
આ પહેલાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આરોપ લગાવ્યો કે ગૃહમાં તેમના પર માર્શલો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આવું પહેલીવાર થયું છે, જેમાં ગૃહમાં સાંસદો સાથે મારઝૂડ કરવામાં આવી છે. DMKએ કહ્યું હતું કે અમારી મહિલા સાંસદો સાથે પણ ધક્કામુક્કી અને મારઝૂડ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.