બંગાળ વિધાનસભામાં મારઝૂડની ઘટના સામે આવી છે. સોમવારે બીજેપી અને ટીએમસી ધારાસભ્યો વચ્ચે મારઝૂડ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંગાળ વિધાનસભામાં BJP ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદાર વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડામાં અસીત મજૂમદાર ઘાયલ થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
આ હોબાળા અને વિવાદ પછી વિધાનસભાથી શુભેંદુ અધિકારી સહિત પાંચ બીજેપી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ધારસભ્યોમાં શુભેંદુ અધિકારી, મનોજ તિગ્ગા, નરાહરિ મહતો, શંકર ઘોષ, દીપક બરમનનું નામ સામેલ છે. તેમને આગામી આદેશ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે બંગાળ વિધાનસભા બજેટસત્રનો આજે સોમવારે છેલ્લો દિવસ હતો. આજે ગૃહમાં થયેલી મારામારી પછી બીજેપી ધારાસભ્યો વિધાનસભામાંથી બહાર આવી ગયા હતા. બીજેપી ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેઓ બીરભૂમ મુદ્દે ચર્ચા કરતા હતા. એ મુદ્દે જ હોબાળો શરૂ થયો હતો અને ત્યાર પછી ટીએમસી સાંસદોએ ધક્કા-મુક્કી અને મારામારી શરૂ કરી દીધી હતી.
બીજેપી ધારાસભ્ય મનોજ તિગ્ગાએ વિધાનસભા બહાર પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે TMC ધારાસભ્યોએ તેમની સાથે ધક્કા-મુક્કી કરી અને તેમને માર પણ માર્યો. ટીએમસી સાંસદોએ તેમનું શર્ટ પણ ફાડી નાખ્યું હોવાની વાત કરી હતી. ત્યાર પછી પછી બીજેપી ધારાસભ્ય અને બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ વિધાનસભા બહાર ખૂબ નારેબાજી કરી હતી.
હોબાળા પછી બીજેપી નેતાએ સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. બીજેપીના સિનિયર નેતા બીએલ સંતોષે લખ્યું હતું કે બંગાળની રાજનીતિમાં વધુ એક શરમજનક ઘટના જોવા મળી છે. મમતા બેનર્જીના મુખ્યમંત્રી બન્યા પછી રાજનીતિનો સ્તર વધારે કથળી રહ્યો છે. આજે બીજેપી ધારાસભ્ય મનોજ તિગ્ગા અને અન્ય પર હુમલો કરવામાં આવ્યો છે.
અમુક લોકોએ ગૃહની ગરિમાનો ખ્યાલ ના રાખ્યો: સ્પીકર
બંગાળ વિધાનસભાના અધ્યક્ષ બિમાન બેનર્જીએ કહ્યું- ગૃહમાં જે પણ થયું તે ખૂબ ખરાબ થયું. તેમણે કહ્યું કે, અમુક લોકોએ ગૃહની ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે. તેઓ વિધાનસભાના મહત્વને નથી સમજતા અને તેમનો હેતુ માત્ર વિધાનસભામાં હોબાળો કરવાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.