આમિર લિયાકતના પોસ્ટમોર્ટમનો આદેશ:હવે કબરમાંથી બહાર કાઢવામાં આવશે પાકિસ્તાની સાંસદનો મૃતદેહ, સેલિબ્રિટિઓએ વિરોધ કર્યો

17 દિવસ પહેલા

પાકિસ્તાની ટીવી હોસ્ટ અને સાંસદ રહેલા આમિર લિયાકતના જીવનની જેમ મોત પણ વિવાદિત રહ્યું. તેમના મોત વિશે ઘણાં તર્ક લગાવવામાં આવી રહ્યા છે. તેમાં હત્યાનું કાવતરું પણ સામેલ છે. આ જ વિવાદોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની એક કોર્ટે લિયાકતના મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે.

અબ્દુલ અહમદ નામના એક વ્યક્તિએ આ વિશે અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આમિર લિયાકત એક ફેમસ ટીવી હોસ્ટ અને રાજનેતા હતા. તેમના અચાનક મોતથી તેમના ફેન્સમાં શંકા ઉભી થઈ છે. શક્ય છે કે, મિલકત માટે તેમની હત્યા કરવામાં આવી હોય. આમિર લિયાકતના પોસ્ટમોર્ટમ માટે એક વિશેષ બોર્ડ બનાવવું જોઈએ.

પરિવારજનો નથી ઈચ્છતા પોસ્ટમોર્ટમ
બીજી બાજુ ઘણાં પાકિસ્તાની સેલિબ્રિટીએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બીજી બાજુ પરિવારના વકિલે કહ્યું છે કે, પરિવારજનો લિયાકતનું પોસ્ટમોર્ટમ નથી ઈચ્છતા. તેમને મોતમાં કોઈ જ કાવતરું થયું હોવાની શક્યતા નથી. જોકે કરાચી સિટી કોર્ટમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ વજીર હુસૈન મેમણે પોસ્ટમોર્ટમ કરવાના હકમાં ચુકાદો આપ્યો છે.

દાનિયા શાહ સામે અરજી
આ દરમિયાન આમરિ લિયાકતની ત્રીજી પત્ની દાનિયા શાહની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. એક NGOએ દાનિયા સામે અરજી દાખલ કરીને કાર્યવાહીની માંગણી કરી છે.

આમિર લિયાકત ડિપ્રેશનમાં હતા
આમિર લિયાકતનું 11 દિવસ પહેલાં કરાચીમાં મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લિયાકતને સવારથી બેચેની અને ગભરામણ થતી હતી. દુખથી પીડાતા હોય તેવો અવાજ સાંભળીને નોકર તેમના રૂમ બાજુ પણ ગયો હતો. પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. અંતે અંદરથી કોઈ જવાબ ના મળતા નોકરે દરવાજો તોડી દીધો હતો. હવે આમિરના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ માનવામાં આવે છે. છેલ્લાં અમુક દિવસોથી તેઓ ડિપ્રેશનમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

આમિરનો વિવાદો સાથે જૂનો સંબંધ
આમિર લિયાકતનું આખું જીવન વિવાદોથી જ ભરેલુ રહ્યું છે. તેમના પર ડ્રગ્સ લેવાનો અને પાકિસ્તાનમાં અલ્પ સંખ્યકો સામે નફરત ફેલાવાનો આરોપ છે. તેમનો ન્યૂડ વીડિયો પણ વાયરલ થયો હતો. થોડા દિવસ પહેલાં જ 50 વર્ષના આમિરની ત્રીજી પત્ની 18 વર્ષની દાનિયાએ ડિવોર્સ માટેની અરજી દાખલ કરી છે. દાનિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આમિર સાથેનો મારા નિકાહનો નિર્ણય ખોટો હતો. તે ડ્રેગ એડિક્ટ અને દારૂડિયો છે.

અન્ય સમાચારો પણ છે...