• Gujarati News
  • National
  • Owaisi Angry Over Hindutva Organizations, Says Clerics Incite People To Genocide And Rape Of Muslims

રામનવમી પર હિંસા મામલે હોબાળો:ઓવૈસી હિન્દુવાદી સંગઠનો પર ગુસ્સે થયાં, કહ્યું- ધર્મગુરુઓએ મુસ્લિમોના નરસંહાર અને બળાત્કાર માટે લોકોને ઉશ્કેર્યા

10 મહિનો પહેલા
  • બંગાળ, ગુજરાત, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો
  • ઓવૈસીએ હિન્દુવાદી સંગઠનો અને ધાર્મિક નેતાઓ પર નિશાન સાધ્યું

રવિવારે રામનવમીના પ્રસંગે દેશનાં ઘણાં રાજ્યોમાંથી હિંસા ફાટી નીકળી હતી. ગુજરાત, ઝારખંડથી લઈને પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ સુધીના ઘણા વિસ્તારોમાં હિંસા તથા સરઘસ પર હુમલા બાદ તંગદિલીનો માહોલ છે. આ દરમિયાન હવે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં પોલીસ, હિન્દુવાદી સંગઠનો અને ધાર્મિક નેતાઓ પર નિશાન સાધ્યું હતું.

ઓવૈસી હિન્દુવાદી સંગઠનો પર ગુસ્સે થયા
હૈદરાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે હિન્દુવાદી સંગઠનોએ અલગ-અલગ સ્થળોએ હિંસા કરીને પોલીસને ઉશ્કેરી હતી. તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે ઘણી જગ્યાએ મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવા માટે રામનવમીના સરઘસો અને રથયાત્રાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધર્મગુરુઓએ મુસ્લિમોના નરસંહાર અને બળાત્કારની વાત કરી હતી. હિન્દુત્વની વાતો કરતાં ટોળાંએ પોલીસના ઈશારે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડમાં વાતાવરણ બગાડ્યું છે. રામનવમી અને એના થોડા દિવસો પહેલાં જ રાજ્યોમાં હિંસક ઘટનાઓ સામે આવી હતી, જેનો ઉલ્લેખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વીટમાં કર્યો છે.

ઓવૈસીએ જે સ્થળોનો ઉલ્લેખ કર્યો છે ત્યાં શું થયું એ જાણો

2 એપ્રિલે રાજસ્થાનના કરૌલીમાં પથ્થરમારો
ઓવૈસીએ રાજસ્થાનના કરૌલીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં 2 એપ્રિલે હિન્દુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી બાઇક રેલી પર એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેથી હટવારા બજારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. તોફાનીઓએ 35થી વધુ દુકાનો, મકાનો અને બાઇકને આગ ચાંપી દીધી હતી.

બગડતી પરિસ્થિતિને જોતાં શહેરમાં પ્રથમ કલમ 144, કર્ફ્યૂ અને પછી ઈન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી હતી. આ હિંસામાં પોલીસકર્મીઓ સહિત 43 લોકો ઘાયલ થયા હતા. અત્યારસુધીમાં પોલીસે આ કેસમાં 29 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 100થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ગુજરાતના આણંદમાં હિંસા
ગુજરાતના આણંદ જિલ્લામાં 5 એપ્રિલે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મસ્જિદ પાસેથી માતાજીનો રથ ડીજે સાથે પસાર થતા મોટા અવાજે સંગીત વગાડવાને લઈને બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પેટલાદ ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે રાત્રે પેટલાદ શહેર નજીક બોરિયા ગામમાં બની હતી.

ગુજરાતના આણંદ જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી.
ગુજરાતના આણંદ જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી.

MPના ખરગોનમાં હિંસા ફાટી નીકળી, 30 મકાન-દુકાનોમાં આગ લગાવાઈ, 70 પરિવારોએ ઘર છોડવું પડ્યું
મધ્યપ્રદેશના ખરગોનમાં શ્રીરામ શોભાયાત્રા પર રવિવારે સાંજે તાલાબ ચોક પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તોફાનીઓએ 30થી વધુ દુકાનો અને મકાનોને આગ ચાંપી દીધી હતી. રાત્રે લગભગ 9 વાગ્યે મામલો થોડો શાંત થયો હતો, પરંતુ 12 વાગ્યે ફરી હિંસા ફાટી નીકળી હતી. ખરગોનમાં આનંદનગર, સંજયનગર, મોતીપુરામાં મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. કેટલાંક ઘરોમાં લૂંટ પણ કરી હતી, જેને કારણે 70થી વધુ પરિવારોને ઘર છોડવું પડ્યું હતું.

તોફાનીઓએ તાલાબ ચોક પાસે સ્થિત એક મકાનને આગ ચાંપી દીધી હતી.
તોફાનીઓએ તાલાબ ચોક પાસે સ્થિત એક મકાનને આગ ચાંપી દીધી હતી.

કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી હતી
લોકો કહે છે કે હુલ્લડો અચાનક નથી થયા. આ માટે અગાઉથી જ બધું તૈયાર કરવામાં આવ્યું હતું. તોફાનીઓએ ઘરોની છત પર પથ્થરો અને પેટ્રોલ-બોમ્બનો સંગ્રહ કરી રાખ્યો હતો. પોલીસે જો શોભાયાત્રા પહેલાં ડ્રોનથી સર્ચ કર્યું હોત તો એ બધું પહેલાં જ પકડાઈ ગયું હોત.

લોકોએ પોલીસ-નેતાઓને ફોન કરીને કહ્યું- અમને બચાવો
પથ્થરમારો દરમિયાન લોકોએ તેમનાં ઘરોને તાળું મારીને સંબંધીઓ, રાજકારણીઓ અને પોલીસને ફોન કરીને મદદ માગી હતી. ભટવાડી વિસ્તારના 40 પરિવાર તેમના સંબંધીઓના ઘરે સુરક્ષિત પહોંચ્યા હતા. આ ઉપરાંત સંજયનગર, મોતીપુરા, ગોશાળા માર્ગમાં 30 જેટલા પરિવારો ઘર છોડીને અન્ય સ્થળોએ ગયા હતા.

મધ્યપ્રદેશના ખરગોનમાં કાઝીપુરા વિસ્તારમાં તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
મધ્યપ્રદેશના ખરગોનમાં કાઝીપુરા વિસ્તારમાં તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

આ ઘટનામાં 10 પોલીસકર્મી અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. એસપી સિદ્ધાર્થ ચૌધરીને ડાબા પગમાં ગોળી વાગી છે. જ્યારે પોલીસે સોમવારે સવાર સુધી 70 તોફાનીની ધરપકડ કરી હતી. પોલીસ-પ્રશાસને હેલ્પલાઈન નંબરો પણ જાહેર કર્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. CMએ કહ્યું- એકપણ તોફાનીને છોડવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમણે પથ્થરમારો કર્યો, જાનમાલને નુકસાન પહોંચાડ્યું, જાહેર અથવા ખાનગી મિલકતના નુકસાનને વસૂલવામાં પણ આવશે.

ઝારખંડના લોહરદગા અને બોકારોમાં પથ્થરમારો
ઝારખંડના લોહરદગા અને બોકારોમાં રામનવમી પર નીકળેલી શોભાયાત્રાને નિશાન બનાવવામાં આવી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તોફાનીઓએ મેળાને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વહીવટી તંત્રએ સમયસર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

પશ્ચિમ બંગાળઃ બાંકુડામાં શોભા યાત્રા પર પથ્થરમારો, કેન્દ્રીય મંત્રીની કાર પર પણ હુમલો
પશ્ચિમ બંગાળના બાંકુડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. અહીં મચાનતાલા પેટ્રોલ પંપ વળાંક પાસે આવેલી મસ્જિદની સામેથી નીકળતું સરઘસ પર તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુભાષ સરકારે કહ્યું કે "બાંકુરાડામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતુ કે આ રાજકીય પ્રેરિત હતો. તેમણે મારી કાર પર પણ પથ્થરમારો કર્યો હતો. હું પોલીસને અપીલ કરું છું કે તેઓ આરોપીઓની ઓળખ કરે અને તેમની ધરપકડ કરે." પથ્થરમારા બાદ ફાટી નીકળેલી હિંસા રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ કેસમાં અત્યારસુધીમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના બાંકુડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો.
પશ્ચિમ બંગાળના બાંકુડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો.
અન્ય સમાચારો પણ છે...