• Gujarati News
  • National
  • Only 100 People Will Be Vaccinated In Each Session; The Date And Day Will Be Decided By The State And Union Territory Itself

વેક્સિનેશનની નવી ગાઈડલાઈન:દરેક સેશનમાં ફક્ત 100 લોકોને વેક્સિન અપાશે; આગામી 10 દિવસમાં એક કે બે વેક્સિનને મંજૂરી અપાય તેવી શક્યતા - સૂત્ર

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાઈડલાઈન પ્રમાણે વેક્સિનેશન ટીમમાં 5 સભ્ય હશે, તેમા એક મુખ્ય અધિકારી હશે જ્યારે અન્ય 4 સહાયક (હેલ્પર્સ) રહેશે - Divya Bhaskar
ગાઈડલાઈન પ્રમાણે વેક્સિનેશન ટીમમાં 5 સભ્ય હશે, તેમા એક મુખ્ય અધિકારી હશે જ્યારે અન્ય 4 સહાયક (હેલ્પર્સ) રહેશે
  • રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જાતે તારીખ અને દિવસ નક્કી કરશે

કેન્દ્ર સરકારે કોરોનાની રસી મૂકવાની તૈયારીમાં વધુ એક પગલુ ભર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના રસીકરણ સંબંધિત ઓપરેશન ગાઈડલાઈન જાહેર કરી છે. તમામ રાજ્યોને મોકલાયેલી 113 પાનાની આ ગાઈડલાઈનમાં રસી આવતા પહેલાની તૈયારી, લાભાર્થીઓની ઓળખની સાથે જ વેક્સિન આવ્યા પછી તે કેવી રીતે લાગશે અને કોણ લગાવશે... જેવી સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ રસીકરણની પ્રક્રિયા ચૂંટણીના આયોજનની જેમ હશે.

કેટલા બૂથ બનાવવા તે અંગે નિર્ણય નહીં
પ્રાથમિકતાના આધારે પહેલા નક્કી કરાયેલા લોકોને જ રસી અપાશે. એક બૂથ પર એક દિવસમાં 100થી વધુ લોકોનું રસીકરણ થઈ શકશે નહીં. દેશમાં કુલ કેટલા બૂથ બનાવવા તે હજી નક્કી થયું નથી. આ અંગે કેન્દ્ર સરકાર રાજ્યો પાસેથી તેમની યોજના મંગાવી રહી છે. સૂત્રો કહે છે કે આગામી 10 દિવસમાં કેન્દ્ર સરકાર એક કે બે વેક્સિનને મંજૂરી આપશે. જાન્યુઆરી 2021ના પ્રારંભે રસીકરણ શરૂ થઈ શકે છે. મોનિટરિંગ માટે કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે કામ કરશે. રસીકરણ દરમિયાન જરૂરી આરોગ્ય સેવા અને પહેલાથી ચાલુ ઈમ્યુનેશન પ્રોગ્રામને કોઈ અડચણ ઊભી નહીં થાય. કોઈપણ એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનેશન એટલે કે રસી આપ્યા પછી કોઈ મુશ્કેલી ઊભી થાય તો તેના મોનિટરિંગ માટે હાલના જ તંત્રનો ઉપયોગ કરાશે.

113 પેજની આ ગાઈડલાઈનને સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ રિવ્યુ કરી રહી છે. ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય જાતે જ વેક્સિનેશનનો દિવસ અને તારીખ નક્કી કરી શકશે.

ગાઈડલાઈમાં વધુ શું છે?

  • દેશના એવા તમામ લોકો કે જેમની ઉપર સંક્રમણનું જોખમ છે તેમને વેક્સિન લગાવવા માટે ભલામણ છે
  • 1 કરોડ હેલ્થ વર્કર્સ, 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવવી જોઈએ. તેમા ડોક્ટર્સ, નર્સ, હોમ ગાર્ડ, આર્મ ફોર્સ, સિવિલ ડિફેન્સ, નગર નિગમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીનો સમાવેશ થાય છે.
  • ઉંમરની દ્રષ્ટિએ પણ વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવી જોઈએ. તેમા 50 વર્ષથી વધારે અને 50 વર્ષથી નીચેના બે ગ્રુપ બનાવવામાં આવે.
  • જેમને અગાઉથી જ અન્ય ગંભીર બીમારી છે તેવા લોકોનો સમાવેશ કરવામાં આવવો જોઈએ. આ સંખ્યા 27 કરોડ છે.
  • પ્રત્યેક સેશનમાં 100 લોકોને વેક્સિન આપવામાં આવશે. તેમા મોટાભાગની સંખ્યા હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સની હશે. જોકે હાઈ રિસ્કવાળા લોકોનો પણ તેમા સમાવેશ થાય છે.
  • હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને એક જગ્યા પર જ વેક્સિન આપવામાં આવશે.
  • અન્ય ઉચ્ચ જોખમવાળા નાગરિકો માટે વિવિધ સાઈટ્સ અથવા મોબાઈલ સાઈટ્સ તૈયાર કરી શકાય છે.

રસી કોણ આપશે?
રસી આપવાની સમગ્ર પ્રક્રિયા ચૂંટણી આયોજન જેવી જ હશે. દરેક રસીકરણ ટીમમાં 5 સભ્ય હશે.

5 સભ્યની ટીમ કરશે વેક્સિનેશન

  • વેક્સિનેશન ઓફિસર-1 - આ ડૉક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ, એએનએમ કે લેડી હેલ્થ વિઝિટર કોઈપણ હોઈ શકે છે, તેમને ઇન્જેક્શન આપતા આવડવું જોઈએ.
  • વેક્સિનેશન ઓફિસર-2 - આ પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, એનસીસી, એનએસએસ કે એનવાયકેનો કોઈ સભ્ય હશે જે એન્ટ્રી પોઈન્ટ પર નોંધણી તપાસતા હશે અને સુનિશ્ચિત કરશે કે પ્રાથમિકતાના આધારે ઓળખ કરાયેલી વ્યક્તિને જ રસી અપાય.
  • વેક્સિનેશન ઓફિસર-3 - આ વ્યક્તિ જેને રસી આપવાની હશે તેના દસ્તાવેજની તપાસ કરી યોગ્ય ઠરાવશે.
  • વેક્સિનેશન ઓફિસર-4, 5 - આ બે લોકો સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરશે. તેમનું મુખ્ય કામ ભીડ નિયંત્રિત કરવાનું અને વેક્સિનેટરની મદદ કરવાનું રહેશે.

વેક્સિનેશન પર કેવી રીતે નજર રાખવામાં આવશે?

  • નેશનલ લેવલ પર નેશનલ એક્સપર્ટ ગ્રુપ મોનિટરીંગ કરશે
  • રાજ્યમાં બે સમિતિની રચના કરવામાં આવી છે. પહેલી સ્ટેટ સ્ટેયરિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જે અનેક વિભાગો વચ્ચે સંકલન કરશે. તેના ચેરમેન રાજ્યના મુખ્ય સચિવ હશે.
  • બીજી સ્ટેટ ટાસ્ક ફોર્સ છે. તે ટીમ લોજિસ્ટિક અને હ્યૂમન રિસોર્સનું મેનેજમેન્ટ કરશે. તેના ચેરમેન રાજ્યના આરોગ્ય બાબતના પ્રિન્સિપલ સેક્રેટરી હશે.
  • તમામ રાજ્યોમાં સ્ટેટ કન્ટ્રોલ રૂમની સ્થાપના થશે. તે 24 કલાક 7 દિવસ કામ કરશે.
  • જિલ્લા સ્તરમાં સ્ટેટ કન્ટ્રોલ રુમની સ્થાપના થશે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, ચંડીગઢ જેવા શહેરો માટે અર્બન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
  • બ્લોક લેવલ પર બ્લોક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

વેક્સિનેશન માટે સરકારની કઈ તૈયારી ચાલી રહી છે?

  • કેન્દ્ર સરકાર તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યો સાથે વાતચીત કરી રહી છે
  • મલ્ટીલેવલ કોઓર્ડિનેશન માટે ટીમની રચના થઈ છે. તેમા કેન્દ્ર સ્તર પર રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર પર કોઓર્ડિનેશન ટીમની રચના કરવામાં આવી છે.
  • કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કર્યું છે.
  • એડિશનલ વેક્સિનેટર (એવા નિષ્ણાત કે જે વેક્સિન લગાવશે)ની વ્યવસ્થા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળી કરી રહ્યા છે.
  • વેક્સિન અથવા વેક્સિનેશન પ્રોસેસને લઈ ખોટા સમાચાર, મેસેજીસને અટકાવવા, કાઉન્ટર કરવા માટે કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે.
  • કો-વિન ડિજીટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી છે, જે વેક્સિનેશન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી, રજિસ્ટ્રેશન, વેક્સિનેશન ડેટ વગેરેની જાણકારી આપશે.
  • તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યો તરફથી જે લોકોને પહેલા વેક્સિન આપવામાં આવી રહી છે તેમના ડેટાને વિન-પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે.

ભાસ્કર એક્સપ્લેઇનર - રસી માટે જે લોકોની પસંદગી થશે તેમને પહેલેથી જણાવાશે, ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન નહીં થાય
રસી પહેલા કોને અપાશે?

સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે. ત્યાર પછી 50 વર્ષથી ઉપરના લોકોને, ત્યારપછી 50 વર્ષથી ઓછી વયના લોકોને કે જેમને ગંભીર બીમારી છે તેમને રસી અપાશે. ત્યાર પછી રોગચાળાના ફેલાવા અને રસીની ઉપલબ્ધતાના આધારે રસીકરણ થશે.

ઓળખ કેવી રીતે થશે?
હાલની લોકસભા અને વિધાનસભા ચૂંટણીના આંકડાને આધારે 50 વર્ષથી ઉપરના લોકોની ઓળખ કરાશે. કો વિન ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ લોકોને ટ્રેક કરાશે. આ પ્લેટફોર્મ પર રિયલ ટાઈમ મોનિટરિંગ થશે કે ઓળખ કરાયેલી વ્યક્તિમાંથી કોને રસી અપાઈ અને કોને બાકી છે. પહેલેથી ઓળખ કરાયેલા લોકોને રસી અપાશે. ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન નહીં કરાય.

રસી કેવી રીતે અપાશે?
આ માટે પહેલેથી જ નિશ્ચિત સમય પર રસીકરણના સેશન આયોજિત થશે. એક સેશનમાં 100 લોકોને જ રસી અપાશે. આરોગ્યકર્મી અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે નિશ્ચિત સ્થળે રસીકરણનું સેશન શરૂ થશે. પરંતુ બાકીના લોકોને તેમના વિસ્તારના નજીકના સ્થાને કે મોબાઈલલેબ દ્વારા રસી અપાશે.
રાજ્ય પોતાના હિસાબથી રસીકરણ સેશનનો દિવસ અને સમય નક્કી કરી શકે છે.

સમગ્ર પ્રક્રિયા કેવી હશે?
રાષ્ટ્રીય સ્તરે

નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિનેશન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19ની રચના કરાઈ છે. તેના ચેરમેનપદે નીતિ આયોગના આરોગ્ય સભ્ય અને કો-ચેરમેન આરોગ્ય સચિવ હશે. આ ઉપરાંત વિદેશ મંત્રાલય, બાયોટેકનોલોજી વિભાગ, હેલ્થ રિસર્ચ વિભાગ, ફાર્મા વિભાગ, આઈટી મંત્રાલયના સચિવ, ડીજીએચએસ, એઈમ્સ દિલ્હીના ડાયરેક્ટર, એનએઆરઆઈના ડાયરેક્ટર, નાણા મંત્રાલય અને એનટીજીએઆઈના પ્રતિનિધિ અને દેશના તમામ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરનારા પાંચ રાજ્યોના પ્રતિનિધિ તેમાં સભ્ય હશે. આ ગ્રૂપ વેક્સિનની ટ્રાયલ, ટ્રાન્સપોટેશન, બીજા દેશો સાથે સમન્વય, વિવિધ મંજૂરી, લાભાર્થીઓની પસંદગીનું મોનિટરિંગ વગેરેનું કામકાજ જોશે.

રાજ્યસ્તરે...
સ્ટેટ સ્ટિયરિંગ કમિટી બનશે તેના અધ્યક્ષ મુખ્ય સચિવ હશે. સંયોજક આરોગ્ય વિભાગના અગ્ર સચિવ હશે. રાજ્યના વિવિધ વિભાગો, સંસ્થાઓના પ્રતિનિધિ તેના સભ્ય હશે. આ ટીમ રસીકરણ કરનારા સ્ટાફની ટ્રેનિંગ અને લાભાર્થીઓની ઓળખ કરશે. માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ પણ કરશે. એક સ્ટેટ ટાસ્કફોર્સ બનશે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ અથવા વધારાના મુખ્ય સચિવ અધ્યક્ષ હશે. આ ટીમ કો-વિન પ્લેટફોર્મના ડેટાબેઝનું મોનિટરિંગ, જિલ્લાના પ્લાનિંગમાં મદદ, મોનિટરિંગ કરશે. આ સાથે સ્ટેટ કંટ્રોલરૂમ બનશે. 24 કલાક કામ કરશે.

જિલ્લાસ્તરે...
કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ બનશે, શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં અર્બન ટાસ્ક ફોર્સ, કંટ્રોલ રૂમ કામ કરશે.

બ્લોકસ્તરે...
એસડીએમ કે બીડીઓની અધ્યક્ષતામાં બ્લોક ટાસ્ક ફોર્સ કે બ્લોક કંટ્રોલરૂમ કામ કરશે. રસીકરણ સંબંધિત સ્ટાફની ટ્રેનિંગ અને તહેનાતનું કામ ગ્રાઉન્ડ લેવલ પર આ ટીમ જોશે.