તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • One Tweet Ruined Something, Some Ruined It, A Two Word Tweet Made WhatsApp Break Out In A Sweat.

સેલિબ્રિટીના એક ટ્વીટથી ખેલાય છે કરોડોનો ખેલ:એક ટ્વીટથી કોઈ થયું માલામાલ તો કોઈ થયું પાયમાલ, બે શબ્દોના ટ્વીટથી વ્હોટ્સએપને છૂટી ગયો હતો પરસેવો

2 મહિનો પહેલાલેખક: જીજ્ઞેશ ત્રિવેદી
  • કૉપી લિંક
  • રોનાલ્ડોએ કોકા કોલાની 2 બોટલ હટાવી અને કંપનીને 30 હજાર કરોડ રૂપિયાનું નુકસાન
  • સૂચેતા દલાલના એક ટ્વીટથી અદાણી ગ્રુપના શેર ક્ડડભૂસ
  • એલન મસ્કના ટ્વીટથી ક્રિપ્ટો કરન્સીમાં ઉછાળો અને કડાકો નોંધાયા હતા
  • મસ્કના એક ટ્વીટથી સિગ્નલ અને Etsy કંપની રાતોરાત ચર્ચામાં આવી

સેલિબ્રિટીનો એક સંદેશ... કંપનીઓને તારે પણ છે અને ટાળે પણ છે. આવાં જ કેટલાંક ઉદાહરણો હાલમાં સામે આવ્યાં છે, જેમાં કેટલીક સેલિબ્રિટીઝે જે-તે પ્રોડ્કટ વાપરવાની સલાહ આપી હોય કે પછી એને અવગણવાનો સંદેશો આપ્યો હોય, એની ઘણી જ ઈમ્પેક્ટ જોવા મળે છે. ખાસ કરીને કંપનીની માર્કેટ વેલ્યુ પર.

અત્યારસુધી જોવામાં આવ્યું હશે કે એલન મસ્ક, ટેસ્લા કંપનીના માલિકે બિટકોઈનને લઈને એક ટ્વીટ કર્યું અને એના ભાવ આસમાને પહોંચી ગયા, જ્યારે તેમની બીજા ટ્વીટથી બિટકોઈનના ભાવ તળિયે પણ પહોંચી ગયા હતા. આ ઉપરાંત મસ્કના જ ટ્વીટથી સિગ્નલ જેવી એપ પણ લાઈમલાઈટમાં આવી હતી અને બે જ દિવસમાં લાખો લોકોએ એને ડાઉનલોડ કરી હતી. પરિણામે, વ્હોટસએપ જેવી પોપ્યુલર એપના ઓનર્સને પરસેવો પડી ગયો હતો. તો હાલમાં જ સિનિયર પત્રકાર સૂચેતા દલાલના એક કથિત ટ્વીટની અસરથી ગૌતમ અદાણી, વિશ્વના કુબેરોની યાદીમાંથી સરકી ગયા છે. આવો જ એક કિસ્સો યુરો કપમાં હંગેરી સામેની મેચ પહેલાં જોવા મળ્યો. પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં ટેબલ પર પડેલી કોકા કોલાની બોટલો હટાવી દીધી અને લોકોને પાણી પીવાની સલાહ આપી. રોનાલ્ડોએ લોકોને કોલ્ડડ્રિંકથી દૂર રહેવાનું અને પાણી પીવાની સલાહ આપી, પરંતુ રોનાલ્ડોના આ બે શબ્દો કોકા કોલાને 30 હજાર કરોડ રૂપિયામાં પડ્યા છે.

કોકા કોલાને કેમ થયું 30 હજાર કરોડનું નુકસાન
હાલ યુરોપમાં ફૂટબોલની સીઝન ચાલી રહી છે, અને યુરો કપ ખેલાઈ રહ્યો છે. પોર્ટુગલની ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી, જે રીતે દરેક મેચની પહેલાં અને બાદમાં કરવામાં આવે છે. રોનાલ્ડો જ્યારે પ્રેસ કોન્ફરન્સવાળા ટેબલ પર આવ્યા અને ત્યાં માઈક પર કોકા કોલાની બે બોટલ અને એક બોટલ જોઈ હતી. રોનાલ્ડોએ ત્યાં રાખેલી કોકા કોલાની બંને બોટલને હટાવી દીધી અને પાણીની બોટલ ઉઠાવીને કહ્યું, 'DRINK WATER'

25 સેકન્ડની આ સમગ્ર ઘટનાની ઈમ્પેક્ટ કોકા કોલાની માર્કેટ કેપ પર જોવા મળી. કોકા કોલાના શેર ધડાધડ તૂટવા લાગ્યા અને લગભગ 4 બિલિયન ડોલર સુધીનો કડાકો બોલાય ગયો. જાણકારો મુજબ યુરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખુલ્યું તે સમયે કોકા કોલાના શેરનો રેટ 56.10 ડોલર હતો, જેના અડધા કલાક બાદ જ રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ થઈ અને કોકા કોલાની બોટલ હટાવવાની ઘટના ઘટી. આ 25 સેકન્ડના દ્રશ્યમાં જ કોકા કોલાના શેર સતત ઘટવા લાગ્યા અને કોકા કોલાના ભાવ 55.22 ડોલર સુધી પહોંચી ગયા. ત્યારથી સતત કોકા કોલાના શેરમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળે છે.

શેરમાં ઘટાડાને પગલે માર્કેટ વેલ્યૂ પણ ઘટી
ઓસ્ટ્રેલિય એસોસિએટેડ પ્રેસ મુજબ શેરમાં ઘટાડાને પગલે કોકા કોલાની માર્કેટ વેલ્યૂ 242 અબજ ડોલરથી ઘટીને 238 અબજ ડોલર થઈ ગઈ છે.

કોકા કોલાએ શું આપ્યું રિએક્શન?
કોકા કોલા 11 દેશોમાં રમાઈ રહેલા UEFA યુરો કપનું ઓફિશિયલ સ્પોન્સર છે. એટલે સ્પોન્સર તરીકે તેનું ડ્રિંક સત્તાવાર કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવે છે. આ વિવાદ બાદ કોકા કોલાએ નિવેદન આપ્યું કે ખેલાડીઓની પ્રેસ કોન્ફરન્સ કે મેચ દરમિયાન દરેક પ્રકારના ડ્રિંક આપવામાં આવે છે, હવે તે વાત તેમના પર નિર્ભર છે કે તેઓ શું પીવાનું પસંદ કરે છે. આ દરેકની પોતપોતાની ચોઈસ હોય છે.

રોનાલ્ડોની ગણતરીના વિશ્વના સર્વશ્રેષ્ઠ ફુટબોલરમાં થાય છે. સોશિયલ મીડિયા હોય કે ફુટબોલ ફેન્સ તેમના ફેન્સ દરેક જગ્યાએ છે, એવામાં રોનાલ્ડો દ્વારા આપવામાં આવેલો એક સામાન્ય સંદેશ કોકા કોલાને ઘણો જ મોંઘો પડ્યો છે. રોનાલ્ડોની આ હરકતનો કેટલાંક લોકોએ પ્રશંસા કરી છે તો કેટલાંક લોકોએ ઢોંગી પણ કહ્યો છે. હકિકતમાં આ પાછળ રોનાલ્ડોની એક જૂની જાહેરાત કારણભૂત છે, જેમાં રોનાલ્ડો પોતે કોકનો પ્રચાર કરતો જોવા મળે છે.

કોકા કોલાની જાહેરાતમાં રોનાલ્ડો
આ જાહેરાતમાં રોનાલ્ડો ફ્રિઝમાં રાખેલી કોકા કોલાના કેન પર ફુટબોલ રમતો નજરે પડે છે. તે ફુટબોલની જગ્યાએ આઈસ ક્યૂબને કિક મારતો નજરે પડે છે. આ જાહેરાત 2006માં આવી હતી, જે કંપનીના કેમ્પેઈનનો ભાગ હતો.

પ્રેસ કોન્ફરન્સમાં કોકા કોલાની બોટલ હટાવ્યા બાદ રોનાલ્ડોની આ જૂની જાહેરાત શેર થવા લાગી છે. કેટલાંક લોકો રોનાલ્ડોને પાખંડી ગણાવી રહ્યાં છે, કેમકે દોઢ દશકા પહેલાં રોનાલ્ડોએ પોતે જ કોકા કોલાનો પ્રચાર કરીને લોકોને પીવાનું કહી ચુક્યા છે અને હવે તે કાર્બોનેટેડ ડ્રિંક પીવાનું મનાઈ કરી રહ્યો છે.

અદાણી જૂથની કંપનીઓમાં બોગસ વિદેશી રોકાણના અહેવાલોને પગલે સોમવારે શેરબજારમાં તોફાન મચ્યું હતું. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા અદાણી જૂથની 6 કંપનીમાં 3 વિદેશી ફંડ દ્વારા તેમની કુલ મૂડીમાંથી 95%થી વધારે રકમ એટલે કે 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું અને આ ત્રણેય વિદેશી ફંડને ફ્રીઝ કરાયાં હતાં. આ અંગેના અહેવાલોને પગલે અદાણી જૂથના શૅર્સમાં એક તબક્કે 1.03 લાખ કરોડ સુધીનું ધોવાણ થયું હતું. ગ્રુપના વિવિધ શૅર 25% તૂટ્યા હતા. સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝના શેર તૂટ્યા. સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝીઝના શેર ઈન્ટ્રા-ડેમાં 22 ટકા તૂટીને 1201 રૂપિયા પ્રતિ યુનિટ સુધી આવી ગયા હતા. જોકે કારોબારના અંતિમ કલાકોમાં રિકવરી જોવા મળી.

ટ્વીટથી તડાફડી - સિનિયર પત્રકારના વાઇરલ ટ્વીટ પછી અદાણી ગ્રુપના શૅરમાં કડાકો
અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓના શૅરમાં સોમવારે થયેલા કડાકાના ઘટનાક્રમમાં સિનિયર પત્રકાર સૂચેતા દલાલના એક ટ્વીટની પણ મહત્વની ભૂમિકા મનાઈ રહી છે. આમ તો નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા અદાણી ગ્રુપમાં રોકાણ કરનાર ત્રણ વિદેશી ફંડ સામેની કાર્યવાહીના અહેવાલ બાદ અદાણીના શૅરમાં ધોવાણ થયું હતું. શનિવારે સવારે 10.26 વાગ્યે સૂચેતા દલાલે અદાણી ગ્રુપનું નામ લીધા વિના પોસ્ટ કરેલા ટ્વીટમાં એક સમૂહ દ્વારા શૅરના ભાવમાં ઉછાળો આવે એ માટે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સંકેત આપ્યો હતો. ટ્વીટમાં દલાલે સેબીની ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ માનવામાં આવે નહીં એવું ‘સ્કેન્ડલ’ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. દલાલે ટ્વીટમાં ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીને પણ ટૅગ કર્યા હતા. સૂચેતા દલાલ એ જ પત્રકાર છે જેમણે 1992માં હર્ષદ મહેતાના શેર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. બાદમાં તેમના પુસ્તકના આધારે ‘સ્કેમ-92’ સિરીઝ બની હતી.

ધનકુબેરોની યાદીમાં સ્થાન ગગડ્યું
અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોનાં ખાતાં ફ્રીઝ થવાના સમાચારથી ગૌતમ અદાણીની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે. ફોર્બ્સના વિશ્વના અમીરોના લિસ્ટ અનુસાર, શેરમાં ઘટાડાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.4 બિલિયન ડોલર લગભગ 39 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણી ફોર્બ્સ લિસ્ટમાં સૌથી વધુ અમીરોમાં 16મા સ્થાને પહોંચી ગયા છે.

શેરોને કારણે નેટવર્થમાં આવેલા ઘટાડાથી ગૌતમ અદાણીએ એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન ગુમાવ્યું છે. ફોર્બ્સના લિસ્ટ અનુસાર, ચીનના જોંગ શાનશાન હવે એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે, જ્યારે ગૌતમ અદાણી ત્રીજી સૌથી અમીર વ્યક્તિ છે. છેલ્લા 24 કલાકમાં જોંગ શાનશાનની નેટવર્થમાં 2.1 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. હવે શાનશાનની કુલ નેટવર્થ 70 બિલિયન ડોલર થઈ ગઈ છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 69.5 બિલિયન ડોલર છે. જોકે શાનશાનની નેટવર્થ ગૌતમ અદાણીથી માત્ર 0.5 બિલિયન ડોલર વધુ છે. ગૌતમ ઝડપથી શાનશાનને પછાડી શકે છે.

ટેસ્લાના CEO એલન મસ્કની ટ્વિટથી કંપનીને લાગી લોટરી
ટેસ્લાના CEO એલન મસ્ક વિશ્વના સૌથી અમીર શખ્સ તરીકે જાણીતા છે, પરંતુ આ અમીર શખ્સ ઘણી કંપનીઓ માટે મસીહા પણ બની જાય છે. એલન મસ્કના એક ટ્વિટથી નાની-નાની કંપનીઓના શેરમાં એકાએક ઉછાળો જોવા મળે છે. હાલમાં જ એલન મસ્કે 'I Kinda Love Etsy'ટ્વિટ કર્યું હતું, અને તે સાથે જ Etsyના શેરમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો.

એલન મસ્ક એક પછી એક એમ બે ટ્વિટ કર્યાં. પહેલી ટ્વિટમાં તેને 'I Kinda Love Etsy' લખ્યું તો બીજી ટ્વિટમાં તેઓએ કહ્યું કે તેઓએ Etsyથી પોતાના શ્વાન માટે હાથેથી બનાવેલું એક ઉનનું માર્વિન ધ માર્ટિયન હેલ્મ ખરીદ્યું. મસ્કની આ ટ્વીટ બાદ Etsyને લોટરી લાગી ગઈ અને માર્કેટ ખુલતાં જ કંપનીના શેર્સ 9 ટકા સુધી વધ્યા. છેલ્લાં 12 માસમાં આ વધારો હાઈએસ્ટ હતો. Etsy એક ઈ-કોમર્સ વેબસાઈટ છે જેના પર હેન્ડમેડ પ્રોડ્કટ મળે છે.

મસ્કના એક ટ્વિટથી વ્હોટ્સએપનું 'Signal' ડાઉન થયું
એલન મસ્કે આ પહેલાં સોશિયલ મેસેજિંગ એપ સિગન્લને લઈને પણ ટ્વિટ કર્યું હતું. મસ્કે સિગ્નલને લઈને ટ્વિટ ત્યારે કર્યું હતું જ્યારે વ્હોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મસ્કે ટ્વિટ કરીને કહ્યું હતું 'Use Signal'. મસ્કની આ ટ્વીટ બાદ સિગ્નલની ડાઉનલોડિંગમાં ઉછાળો આવ્યો હતો. મસ્કે આ ટ્વિટ 7 જાન્યુઆરીનાં રોજ ટ્વિટ કર્યું હતું, જેની અસર એપના ડાઉનલોડિંગમાં જોવા મળતા 11 જાન્યુઆરી સુધીમાં 1.3 મિલિયન લોકોએ એપ ડાઉનલોડ કરી લીધી હતી. મસ્કના ટ્વિટ બાદ એવરેજ 50,000 લોકોએ એપ ડાઉનલોડ કરી હતી.

જો કે મસ્કના ટ્વિટથી એક મેડિકલ કંપનીના શેર્સને ફાયદો થયો હતો. એલન મસ્કે એપ સિગ્નલને લઈને ટ્વિટ કર્યું હતું પરંતુ શેર્સ સિગન્લ એડવાન્સ ઈંકને થયો હતો. આ કંપનીના શેર્સ 116 ગણા વધી ગયા હતા. સિગ્નલ એડવાન્સ ઈંક કંપની અમેરિકાની ટેક્સાસ રાજ્યની એક નાનકડી મેડિકલ ડિવાઈસ કંપની છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ભારે ઉથલ-પાછલ થઈ રહી છે. આ ઉથલ પાથલ પાછળ ચીનની નિયમનકારી જાહેરાત, ટેસ્લાના વડા એલન મસ્કના નિવેદન તેમ જ વિવિધ દેશો દ્વારા ભરવામાં આવી રહેલા પગલાંની ઘેરી અસર માનવામાં આવે છે.

માર્ચ માહિનામાં મસ્કે ક્રિપ્ટો કરન્સી પેમેન્ટ સ્વરૂપમાં સ્વીકારવાની જાહેરાત કરેલી
માર્ચ મહિનામાં એલન મસ્કે જાહેરાત કરી હતી કે અમેરિકામાં બિટકોઈન મારફતે ટેસ્લાના વાહનોની ખરીદી કરી શકાશે. આ અગાઉના મહિને ટેસ્કાએ જાહેરાત કરી હતી કે તેણે 1.5 અબજ ડોલરના મૂલ્યના બિટકોઈનની ખરીદી કરી હતી અને ટૂંક સમયમાં પેમેન્ટ સ્વરૂપમાં ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરશે. એલન મસ્ક દ્વારા આ જાહેરાત કરવામાં આવતા ક્રિપ્ટો કરન્સીના મૂલ્યમાં ભારે ઉછાળો આવ્યો હતો અને 52000 ડોલરની સપાટીને કુદાવી ગઈ હતી.

બિટ કોઈન સ્વીકારવાનો ઈન્કાર કરતા કિંમતમાં 17 ટકા કડાકો આવેલો
અગાઉ એલન મસ્કે બિટકોઈનનો સ્વીકાર નહીં કરવાની જાહેરાત કરતા બિટકોઈનની કિંમતો 54,819 ડોલરથી ઘટીને 45,700 ડોલર થઈ ગઈ હતી. એલન મસ્કે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ટેસ્લા તેના વાહનોની ખરીદી કરવા બિટકોઈન સ્વીકારવાનું બંધ કરશે તેવા તેવા અહેવાલને પગલે તેના મૂલ્યમાં 17 ટકાનો ઘટાડો થઈ ગયો હતો.

ટેસ્લાએ તેના આર્થિક વ્યવહારોમાં બિટકોઈનનો સમાવેશ કરતા કિંમત વધી
વિશ્વમાં જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન અંગે ટેસ્લા કંપનીના માલીક એલન મસ્કે એક નિવેદન આપતા ફરી તેમાં ભારે તેજી જોવા મળી રહી છે. ટેસ્લા ક્રિપ્ટોકરન્સીનો લેવડ-દેવડમાં ફરી શરૂ કરશે તેવા નિવેદનને પગલે બિટકોઈનની કિંમતમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. તેને લીધે ક્રિપ્ટો કરન્સીની કિંમતમાં આશરે 3.40 ટકાના તીવ્ર ઉછાળા સાથે 40,285.66 ડોલરને પાર થઈ ગઈ છે.

ચીનનાં નિયંત્રણોને લીધે ક્રિપ્ટો કરન્સીના મૂલ્યમાં કડાકો
ચીનને ક્રિપ્ટોકરન્સીને લગતી કોઈ પણ સેવા પૂરી પાડવા નાણાકીય સંસ્થાઓ તથા પેમેન્ટ કંપનીઓ પર પ્રતિબંધ મૂકતા ક્રિપ્ટો કરન્સી તેની સર્વોચ્ચ સપાટી 64,899 ડોલર પરથી આશરે 53 ટકા તૂટી 31,000 ડોલરની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. ચીને અગાઉ વર્ષ 2017માં પણ આવી જ એક નિયમનકારી જાહેરાત કરી હતી, જેમાં વિવિધ સેવાઓને પ્રતિબંધિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...