રાજસ્થાનના ઉદયપુરમાં 13થી 15 મે સુધી કોંગ્રેસની ચિંતન શિબિર યોજાવવાની છે. જેને લઈને ભારે તૈયારીઓ ચાલી રહી છે. ચિંતન શિબિર પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાના સંકેત મળી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચિંતન શિબિમાં કોંગ્રેસ પાર્ટી 'એક પરિવાર, એક ટિકિટ'ના રૂલને લાગુ કરી શકે છે.
આ નિયમ જો લાગુ કરવામાં આવશે તો આ કોંગ્રેસ દ્વારા ભાજપના પરિવારવાદના આરોપનો જવાબ હોય શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ સમિતિઓનો કાર્યકાળ 3 વર્ષ સુધીનો કરવામાં આવી શકે છે. ચિંતન શિબિરમાં આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવ્યા બાદ ફેરફારો પર મહોર લાગી શકે છે.
'એક પરિવાર એક ટિકિટ' નિયમમાં થઈ શકે છે વિશેષ જોગવાઈ
સૂત્રોનું માનવામાં આવે તો કોંગ્રેસ 'એક પરિવાર, એક ટિકિટ'ના રૂલમાં વિશેષ જોગવાઈ લાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે જો આ નિયમ આવશે તો પાર્ટીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કામ કરનારા નેતા અને પાર્ટીમાં સક્રિય તેમના પરિવારને ટિકિટ આપવા માટે યોગ્ય માનવામાં આવશે. જો વિશેષ જોગવાઈ લાગુ થશે તો ગાંધી પરિવારમાંથી એકથી વધુ લોકો ચૂંટણી લડી શકશે.
રાહુલ ગાંધી ભારત યાત્રાની સલાહ અપાઈ
દિલ્હીમાં મળેલી CWCની મીટિંગમાં પાર્ટીના ટોચના નેતાઓએ રાહુલ ગાંધીને ભારતમાં ભ્રમણ કરવાની સલાહ આપી. નેતાઓનું કહેવું છે કે જો રાહુલ ગાંધી દેશભરમાં ફરશે તો પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં જોશ આવશે અને પાર્ટી સંગઠન મજબૂત બનશે.
ચિંતન શિબિર પહેલા થઈ હતી મીટિંગ
ઉદયપુરમાં મળનારી ચિંતન શિબિર પહેલા દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ચિંતન શિબિરમાં થનારા મોટા ફેરફાર અંગે ચર્ચા કરાઈ. આ ઉપરાંત બેઠકમાં દેશના અનેક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને પણ વાત થઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.