• Gujarati News
  • National
  • One Country one Exam, CET Score Will Be Valid For 3 Years, States And Private Sector Can Also Join.

ભાસ્કર એક્સપ્લેનર:એક દેશ-એક પરીક્ષા, CETનો સ્કોર 3 વર્ષ સુધી માન્ય રહેશે, રાજ્યો તથા પ્રાઇવેટ સેક્ટર પણ આની સાથે જોડાઇ શકશે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ભરતી પ્રક્રિયામાં ફેરફાર, દર વર્ષે સરકારી નોકરીની પરીક્ષાઓ આપતા 3 કરોડ યુવાઓને મોટી રાહત
  • રાષ્ટ્રીય ભરતી એજન્સીની રચનાને મંજૂરી અપાઇ
  • ગ્રૂપ બી અને સી માટે એક જ પરીક્ષા યોજાશે
  • એસએસસી, રેલવે ભરતી બોર્ડ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ સર્વિસ પર્સોનલ દ્વારા નોન-ટેક્નિકલ પોસ્ટ્સ માટે લેવાતી પરીક્ષાઓ આ એજન્સી જ લેશે
  • પરીક્ષા જુદી-જુદી 12 ભાષામાં આપી શકાશે, દેશભરમાં 1 હજાર પરીક્ષા કેન્દ્ર બનાવાશે
  • હાલ કેન્દ્રીય નોકરીઓ માટે 20થી વધુ એજન્સીઓ પરીક્ષા લે છે, દર વર્ષે સવા લાખ ભરતી થાય છે

સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં કેન્દ્ર સરકારે મહત્ત્વના ફેરફાર કર્યા છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA)ને મંજૂરી આપી દીધી છે. આ એજન્સી ગ્રૂપ બી અને સીની તમામ નોન-ટેક્નિકલ પોસ્ટ્સ માટે ઉમેદવારોના સ્ક્રીનિંગ માટે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) લેશે. આ એક પરીક્ષા આપનારા ઉમેદવારોને ઘણાં પદ માટે સ્પર્ધામાં રહેવાની તક મળી શકશે. પ્રારંભિક પરીક્ષામાં ક્વોલિફાય થનારા વેકેન્સી પ્રમાણે આગામી પરીક્ષા આપી શકશે. આ નિર્ણયથી દર વર્ષે સરકારી નોકરીઓની પરીક્ષા આપતા 3 કરોડ યુવાઓને મોટી રાહત મળશે. તેમણે જુદી-જુદી અરજીની ફી નહીં ચૂકવવી પડે તેમ જ પરીક્ષા આપવા દૂર પણ નહીં જવું પડે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે દેશભરમાં એક હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવાશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક કેન્દ્ર હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનઆરએ કરોડો યુવાઓ માટે વરદાનરૂપ સાબિત થશે.

સવાલ: નેશનલ એજન્સી કઇ-કઇ પરીક્ષાઓ લેશે?
જવાબ:
સ્ટાફ સિલેક્શન કમિશન, તમામ રેલવે ભરતી બોર્ડ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ સર્વિસ પર્સોનલ (IBPS) દ્વારા નોન-ટેક્નિકલ પોસ્ટ્સ માટે લેવાતી તમામ પરીક્ષાઓ હવે આ એજન્સી જ લેશે. ભવિષ્યમાં લગભગ તમામ એજન્સીઓ તેની સાથે જોડાઇ જશે.

સવાલ: શું રાજ્યોની એજન્સીઓ તેમાં સામેલ નથી?
જવાબ:
હાલ સીઇટીના સ્કોરનો ઉપયોગ ઉપરોક્ત 3 મુખ્ય એજન્સી જ કરશે. થોડા સમય બાદ કેન્દ્રની અન્ય ભરતી એજન્સીઓ પણ તેને અપનાવી લેશે. સીઇટીનો સ્કોર કેન્દ્ર, રાજ્યો તથા ખાનગી ક્ષેત્રની ભરતી એજન્સીઓ સાથે પણ શૅર થશે.

સવાલ: શું એનઆરએ દ્વારા સંચાલિત સીઈટી ક્વૉલિફાઈ કરતા જ નોકરી પાક્કી થઈ જશે?
જવાબ:
હાલ એવું નહીં થાય પણ ભવિષ્યમાં એવું શક્ય છે. સીઈટી હાલ ફક્ત ટિયર-1 પરીક્ષા છે. એટલે કે ફક્ત સ્ક્રીનિંગ/શોર્ટલિસ્ટિંગ માટે છે. સીઈટીમાં સામેલ કોઈ પણ પરીક્ષાર્થી વેકેન્સી મુજબ આગામી ઉચ્ચ સ્તરીય પરીક્ષા માટે તમામ એજન્સીઓ પાસે અરજી કરી શકશે. સીઈટી સ્કોરના આધારે આ એજન્સીઓ અલગથી ટિયર-2 અને ટિયર-3ની સ્પેશિયાલાઈઝ્ડ પરીક્ષા આયોજિત કરશે. જોકે અમુક સરકારી વિભાગોએ ભરતી માટે બીજા તબક્કાની પરીક્ષા રદ કરવા અને ફક્ત સીઈટી સ્કોરના આધારે ઉમેદવારોની ફિજિકલ અને મેડિકલ તપાસ કરી નિમણૂક કરવાના સંકેત આપ્યા છે.

સવાલ: 12મુ પાસ કે ગ્રેજ્યુએટ માટે ભરતી પરીક્ષા અલગ યોજાય છે. એવામાં સીઇટીમાં કઈ વ્યવસ્થા હશે?
જવાબ:
અભ્યાસના સ્તરના આધારે એનઆરએ પણ ત્રણ સ્તરે સીએટી સંચાલિત કરશે. બિનટેક્નિકલ પદ માટે ગ્રેજ્યુએટ, હાયર સેકન્ડરી(12મુ) અને મેટ્રિક(10મુ) પાસ ઉમેદવારો માટે અલગ અલગ પરીક્ષાઓ યોજાશે. પણ અભ્યાસક્રમ એક જ રહેશે. હવે દરેક પરીક્ષા માટે અલગ અલગ અભ્યાસક્રમ નહીં હોય.

સવાલ: સીઈટીનો સ્કોર કેટલાં વર્ષ સુધી માન્ય ગણાશે? આ પરીક્ષા કેટલી વખત આપી શકાશે?
જવાબ:
સ્કોર પરિણામ જાહેર થવાની તારીખથી 3 વર્ષ સુધી માન્ય રહેશે. ઉમેદવાર સ્કોર વધારવા માટે વારંવાર પરીક્ષા આપી શકશે. સીઈટીમાં મહત્તમ વયમર્યાદા વર્તમાન નિયમો અનુસાર રહેશે. વર્તમાન નીતિ અનુસાર જ એસસી, એસટી, ઓબીસી અને અન્ય કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ અપાશે.

સવાલ: સીઈટી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કઈ હશે? પરીક્ષા કેન્દ્ર કઈ રીતે નક્કી કરાશે?
જવાબ:
ઉમેદવારોને પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ દરમિયાન પરીક્ષા કેન્દ્ર માટે તમારી પસંદગી પણ જણાવવી પડશે. ઉપલબ્ધતાના આધારે જ તેમને પરીક્ષા કેન્દ્રો ફાળવાશે. સરકારે દેશભરમાં એક હજાર પરીક્ષા કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

સવાલ: નવી વ્યવસ્થાનો ફાયદો શું થશે?
જવાબ:
ઉમેદવારોને નોકરી માટે પરીક્ષામાં ભાગ લેવા અને તૈયારીમાં લાગતો મહત્ત્વપૂર્ણ સમય, નાણાં બચશે તથા મુશ્કેલી મહદઅંશે ઘટશે. સીઈટીથી ભરતી પ્રક્રિયાનો સમયગાળો પણ ઓછો રહેશે. દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર હોવાથી દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા ઉમેદવારો સુધી પહોંચમાં સરળતા રહેશે. સીઈટી 12 ભાષાઓમાં આયોજિત કરાશે. પરીક્ષા ફી ઉપરાંત ઉમેદવારોએ મુસાફરી ખર્ચ, રોકાણ, વગેરે પર થતો વધારાનો ખર્ચ કરવો પડે છે. સીઈટી જેવી એકલી પરીક્ષાથી મહદઅંશે ઉમેદવારોનો નાણાકીય બોજો ઘટશે.

અન્ય સમાચારો પણ છે...