તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • On Monsoon Issue In Kerala, Skymet IMD Said, "It Will Come On June 3", But The Meteorological Department Says It Is Not Yet Certain.

સ્કાઇમેટ અને હવામાન વિભાગ સામસામે:કેરળમાં ચોમાસામુદ્દે સ્કાઇમેટ IMDએ કહ્યું, ‘3 જૂને આવશે’ તો હવામાન વિભાગ કહે છે, હજુ ચોક્કસ કહી શકાય નહીં

નવી દિલ્હી14 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કેરળના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. આ જોતાં ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે રવિવારે બપોરે ચોમાસું કેરળ પહોંચવાની જાહેરાત કરી હતી. જોકે હવામાન વિભાગે કહ્યું હતું, ચોમાસું હજુ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું નથી. કાંઠા વિસ્તારોમાં થઈ રહેલો વરસાદ ચોમાસા પહેલાંનો છે. ભારતીય ચોમાસું 3 જૂને કેરળના કાંઠે પહોંચી શકે છે. દેશના બીજા વિસ્તારો અંગે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું નક્કી તારીખથી બે-ચાર દિવસ આગળ-પાછળ ભારત પહોંચી શકે છે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને વિધિવત્ રીતે પ્રવેશે છે.

ત્રણ-ચાર દિવસથી ચોમાસું એક જ જગ્યાએ રોકાયું
આ વખતે સ્કાઇમેટે 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન કર્યું હતું, જ્યારે હવામાન વિભાગે 31 મેનું પૂર્વાનુમાન કર્યું હતું. આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં 21 મેએ ચોમાસું પહોંચી ચૂક્યું હતું. ત્યાર પછી બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં એ સામાન્ય ગતિએ આગળ વધ્યું હતું, જોકે શ્રીલંકાના બે તૃતીયાંશ અને માલદિવ્સને કવર કર્યા પછી ત્રણ-ચાર દિવસથી ચોમાસું એક જ વિસ્તારમાં રોકાઈ ગયું છે.

ગત વર્ષોમાં મોન્સૂનના આગમનનું પૂર્વાનુમાન

વર્ષપૂર્વાનુમાનપહોંચ્યું
20167 જૂન8 જૂન
201730 મે30 મે
201829 મે29 મે
20196 જૂન8 જૂન
20205 જૂન1 જૂન

હજુ કેટલાક જરૂરી માપદંડ પૂરા થવાના બાકી છે: હવામાન વિભાગનો દાવો

હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસા માટે 3 જૂને જ તમામ સ્થિતિ અનુકૂળ બનશે, ત્યારે જ ચોમાસું કેરળના કાંઠા વિસ્તારોમાં પ્રવેશશે. એક ઉચ્ચ અધિકારીના મતે, 10 મે પછી તાઉતે વાવાઝોડું અરબી સમુદ્રમાંથી પસાર થયું, ત્યારે કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં 2.5 મિ.મી.થી 100-150 ગણો વધુ (20-30 સે.મી.) વરસાદ નોંધાયો હતો. રેડિયેશન ઘણું નીચે આવી ગયું હતું, ત્યારે શું અમારે કેરળમાં ચોમાસું આવી ગયાની જાહેરાત કરી દેવી જોઈએ? ના, કારણ કે અમે હવામાન વિભાગના નક્કી માપદંડનું ઉલ્લંઘન ના કરી શકીએ. તાઉતે વખતે પવનની દિશા વારંવાર બદલાય છે. એ વાત સાચી છે કે આ વખતે કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પહેલાંનો વરસાદ ઘણો થઈ ચૂક્યો છે, પરંતુ એતેમાં હાલ ઘટાડો થયો છે, એટલે ચોમાસાના જરૂરી માપદંડો પૂરા થવાની રાહ જોવી પડે.

કેરળમાં ચોમાસાના તમામ માપદંડ પૂરા થયા છે : સ્કાઇમેટનો દાવો
સ્કાઇમેટના વાઈસ- પ્રેસિડેન્ટ મહેશ પલાવતે કહ્યું હતું કે ભારતીય ચોમાસાના તમામ માપદંડ પૂરા થઈ ચૂક્યા છે. આ માપદંડો આ પ્રમાણે છેઃ પહેલો- કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકનાં 14 હવામાન કેન્દ્રોમાંથી 60%માં 10 મે પછી બે દિવસ સુધી 2.5 મિ.મી.થી વધુ વરસાદ નોંધાય. બીજો- ત્યાં જમીનની સપાટીથી ત્રણ-ચાર કિ.મી. સુધી પશ્ચિમી પવન ફૂંકાવા લાગે. ત્રીજો- જમીનની સપાટીથી હવાની ગતિ આશરે 30-35 કિ.મી. પ્રતિ કલાક સુધી રહે. ચોથો- વાદળોનું કદ એટલું મોટું હોય કે જમીનથી આકાશ તરફ જતું રેડિયેશન 200 વૉટ પ્રતિ ચોરસમીટરથી ઓછું થઈ જાય. આ સ્થિતિ હોય ત્યારે એવું મનાય છે કે ચોમાસું ભારતમાં આવી ગયું છે.