દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)થી પુણે જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. આ ફ્લાઈટ IGI એરપોર્ટથી સાંજે 6:30 વાગ્યે ઉપડવાની હતી. ત્યારે જ તેમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી ફ્લાઈટમાં બોર્ડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું અને બોમ્બ સ્કવોડની ટીમને બોલાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, અત્યાર સુધીની તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી.
વિમાનમાં બોમ્બ હોવાનો ફોન આવ્યો હતો
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પાઈસજેટના વિમાનમાં બોમ્બ હોવાનો ફોન આવ્યો હતો.પોલીસ અધિકારીઓના કહેવા મુજબ અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ SOP મુજબ સુરક્ષા ડ્રિલનું પાલન કરવામાં આવશે. પેરામિલિટરી ફોર્સ CISF અને દિલ્હી પોલીસ સ્ટેન્ડબાય પર છે.
એરપોર્ટ પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેકઓફ પહેલા માહિતી મળી હતી કે ફ્લાઈટમાં બોમ્બ હોઈ શકે છે. માહિતીના આધાર દિલ્હી પોલીસ અને એરપોર્ટના અધિકારીઓ એલર્ટ થઈ ગયા અને જમીન પર તપાસ હાથ ધરી. જો કે અત્યાર સુધીની તપાસમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ બોમ્બની માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બની જાણકારી મળી હતી
આ પહેલા 10 જાન્યુઆરીએ મોસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર્ડ વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. હકીકતમાં ગોવા ATCને એક મેલ આવ્યો હતો, જેમાં ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી.
ફ્લાઇટમાંથી તમામ 244 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર અંગે ભારતીય સત્તાવાળાઓ દ્વારા દૂતાવાસને એલર્ટ કરવામાં આવ્યું હતું.
NSGની બે ટીમે આખી રાત તપાસ કરી હતી
ફ્લાઈટમાંથી 236 પેસેન્જર અને આઠ ક્રૂ સહિત 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બોમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSGની બે ટીમે પણ આખી રાત વિમાનની તપાસ કરી હતી અને હવે સવારે મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી રહી છે. વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતાં NSG તરફથી ક્લિયરન્સ આપ્યા બાદ બીજા દિવસે બપોરે 12:48 વાગ્યે ફ્લાઈટે ઉડાન ભરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.