• Gujarati News
  • National
  • Omicron In India News And Updates| Bhaskar Interview Professor Shahid Jameel Said India Should Make Policy For Booster Dose And Vaccination Of Children

ઓમિક્રોન ફેલાતાં વાર નહીં લાગે:વાયરોલોજિસ્ટ શાહિદ જમીલની ચેતવણી - ભારતમાં ચૂંટણીની રેલીઓ સંક્રમણ ફેલાવી શકે; રસીના બે ડોઝ ઝડપથી આપો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. આગામી મહિનાઓમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ચૂંટણી થવાની છે. આ સંજોગોમાં સંક્રમણ વધવાની શક્યતા છે. પ્રખ્યાત વાઇરોલોજિસ્ટ શાહિદ જમીલે પણ આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેઓ અત્યારે તેમના એક પ્રોજેક્ટ માટે યુકે શિફ્ટ થયા છે. આ પહેલાં તેઓ ભારત સરકારમાં કોરોના વાઇરસના વેરિયન્ટ્સના જીનોમ સ્ટ્રક્ચરની ઓળખ કરવા માટે બનાવવામાં આવેલી ટીમ (સિવિયર એક્યૂટ રિસપાઈરેટરી સિન્ડ્રોમ કોરોના વાઇરસ-2 જીનોમિક્સ કન્સોર્સિયા)ના વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા.

કોરોના વાઇરસની બીજી લહેર દરમિયાન પ્રો. શાહિદ જમીલે એક લેખ લખ્યો હતો. એમાં તેમણે ભારત સરકારની કોરોના વાઇરસ સામે લડવાની નીતિ સામે સવાલ ઊભા કર્યા હતા. નીતિ બનાવવામાં વૈજ્ઞાનિક વલણ અને વૈજ્ઞાનિક રિસર્સ માટે ડેટાની પણ કમી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

ત્યાર પછી પ્રો. જમીલને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ભાસ્કરને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં તેમણે બૂસ્ટર ડોઝ અને બાળકો માટે વેક્સિનેશન પોલિસી નહીં બનાવવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે રેલીઓની વધતી સંખ્યા સુપરસ્પ્રેડર સાબિત થઈ શકે છે. આવો, જાણીએ તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશો...

સવાલ: ઓમિક્રોન માટે બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી?
જવાબ: અત્યારસુધીના જે ડેટા છે એનાથી ખ્યાલ આવે છે કે ઓમિક્રોનનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોકે તેનાં લક્ષ્ણો ખૂબ માઈલ્ડ છે. હવે ભારતે એ નક્કી કરવાનું છે કે તેમને ઈન્ફેક્શન સામે રક્ષણ જોઈએ છે કે રોગ સામે? બૂસ્ટર ડોઝ ઈન્ફેક્શન રોકવા માટે જરૂરી છે, પરંતુ સવાલ થાય છે કે બૂસ્ટર ડોઝ અપાશે ક્યારે? જ્યારે બધાને બે ડોઝ આપી દીધા હશે ત્યારે જ અપાશે ને? તો મારા મત પ્રમાણે ભારતે પહેલા તેમની સંપૂર્ણ વસતિને બે ડોઝ આપી દેવા જોઈએ. અત્યારે અંદાજે 38 ટકા વસતિને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જોકે વેક્સિનની સ્પીડ વધારવાની જરૂર છે.
બીજી બાજુ, સરકારે બૂસ્ટર ડોઝની પોલિસી પણ જરૂર બનાવી દેવાની જરૂર છે, જેમ કે આપણે બૂસ્ટર ડોઝ આપીશું તો વેક્સિનની વ્યવસ્થા ક્યાંથી કરીશું? કઈ વેક્સિનનો ઉપયોગ બૂસ્ટર ડોઝ માટે કરવામાં આવશે? સેકન્ડ ડોઝના કેટલા સમય પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે? કોઈપણ પોલિસી વગર આટલી મોટી વસતિને બૂસ્ટર ડોઝનો સપ્લાય કરવો શક્ય નથી.

સવાલ: શું ભારત બૂસ્ટર ડોઝ આપવા માટે તૈયાર છે?
જવાબ: સાચી વાત એ છે કે ભારત હાલ બૂસ્ટર ડોઝ આપવાની સ્થિતિમાં છે જ નહીં. પહેલા ભારતે સમગ્ર વસતિમાં વેક્સિનના બે ડોઝ પૂરા કરવા જોઈએ. સવાલ એ છે કે પહેલા તમે ગંભીર બીમારી સામે રક્ષણ મેળવશો કે માઈલ્ડ ઈન્ફેક્શન સામે? સ્પષ્ટ વાત છે કે ગંભીર બીમારી સામે. તો પછી રસીના બે ડોઝ આપવામાં વિલંબ શાનો?

સવાલ: તમે કહ્યું હતું કે ભારતે બૂસ્ટર ડોઝની પોલિસી બનાવી લેવી જોઈએ, અત્યારે હાજર વેક્સિનમાંથી કઈ વેક્સિન સારી રીતે બૂસ્ટર ડોઝ તરીકે કામ આવશે?
જવાબ: જે લોકોને અત્યારે કોવેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે તેમને કોવિશીલ્ડ અને જેમને કોવિશીલ્ડના બે ડોઝ મળ્યા છે તેમને કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવો જોઈએ. કોવિશિલ્ડ વાઇરલ વેક્ટર વેક્સિન છે. તેમાં બેકગ્રાઉન્ડમાં ઘણાં એવાં પ્રોટીન છે જે બીજા વાઇરસથી ઈમ્યુનિટી વધારે છે, તેથી એનો જ જો ત્રીજો, ચોથા કે પાંચમો ડોઝ આપવામાં આવશે તો એ બેઅસર થઈ જશે, તેથી આપણે દરેક વેક્સિનમાં એ ધ્યાન રાખવું જોઈએ કે બે ડોઝ લઈ લીધેલી વેક્સિનથી અલગ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.

એ સિવાય અન્ય વેક્સિન, જેવી કે DNA વેક્સિન, બે પ્રોટીન વેક્સિન, કોવોવૈક્સ, કોર્નીવૈક્સ-ઈ પણ ભારતમાં છે. તેમનો ફેઝ થ્રી ટ્રાયલ પણ થઈ ગઈ છે. અત્યારે આ વેક્સિન અપ્રૂવલ માટે રેગ્યુલેટર પાસે છે, એટલે ભારત પાસે વેક્સિનની તો અછત નથી, પરંતુ સરકારે હજી બૂસ્ટર ડોઝની કોઈ પોલિસી બનાવી નથી.

સવાલ: એક ડોઝ લેનારની સરખામણીએ બે ડોઝ લેનાર ઓમિક્રોનના હુમલાથી કેટલા સુરક્ષિત છે?
જવાબ: બે ડોઝવાળા લોકો પણ ઈન્ફેક્શન સામે સુરક્ષિત તો નથી જ, પરંતુ તેઓ બીમારીથી સુરક્ષિત છે. જોકે હજી આ વિશે વધારે રિસર્ચની જરૂર છે અને ડેટાનો અભાવ છે.

સવાલ: શું અત્યારે એ વાત માની લેવી જોઈએ કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે, પરંતુ ઓછો ઘાતક છે?
જવાબ: જુઓ આવું તો ઘણાં રિસર્ચમાં સામે આવ્યું છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે અને એ ઓછો ઘાતક છે. આ વિશે દક્ષિણ આફ્રિકાનાં પણ ઘણાં રિસર્ચ સામે આવ્યાં છે, પરંતુ બીજું, વાતાવરણમાં એ કેવી અસર કરશે એ વિશે હજી રિસર્ચની જરૂર છે. પૂરતાં રિસર્ચ પછી જ ચોક્કસ રીતે કંઈક કહી શકાશે. જોકે અત્યારે તો એ જ વિચારવું જોઈએ કે આનાથી બચીશું કેવી રીતે. કોઈ વેરિયન્ટ કેટલો જોખમી છે એ રિસર્ચ પછી જ ખબર પડે છે.

સવાલ: પશ્ચિમ બંગાળમાં રેલીઓ પછી કોરોના વિસ્ફોટ થયો હતો, હવે ફરી રેલીઓ થઈ રહી છે. શું એનાથી ફરી કોરોના વિસ્ફોટની શક્યતા છે?
જવાબ: હા, ચોક્કસથી જોખમ છે. રેલીઓ થશે તો ભીડ ભેગી થશે. કોરોના પ્રોટોકોલના નિયમો તૂટશે અને ઓમિક્રોન તો ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધારે સ્પીડમાં ફેલાય છે. ભારતમાં લગ્નો અને રેલીઓ બંને ખૂબ વધારે થઈ રહ્યાં છે. આ એક રીતે સુપરસ્પ્રેડર ઈવેન્ટ છે. જો આ બધું આ જ રીતે ચાલતું રહેશે તો નવા કેસ ઝડપથી વધી શકે છે.

સવાલ: ત્રણ એવાં પગલાં, જે ભારત સરકારે તરત લેવા જોઈએ.
જવાબ: પહેલું- સરકારે તરત ટેસ્ટિંગ વધારવું જોઈએ. અત્યારે રોજના 10-15 લાખ ટેસ્ટ થઈ રહ્યા છે. એને વધારીને 50 લાખ સુધી લઈ જવા જોઈએ. બીજું કે હોસ્પિટલમાં જે લોકો અન્ય કારણથી પણ દાખલ થઈ રહ્યા છે તેમના ટેસ્ટ કરવા જોઈએ. ત્રીજું અને મહત્ત્વનું પગલું- ભારત સરકારે સહેજ પણ રાહ જોયા વગર બૂસ્ટર ડોઝ અને બાળકોમાં વેક્સિનેશન માટે પોલિસી બનાવવી જોઈએ. દુનિયામાં જેટલા પણ દેશો છે એ બધા પાસે વેક્સિન છે. તેઓ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને વેક્સિન આપી રહ્યા છે. ભારતમાં વાતો તો ઘણા સમયથી થઈ રહી છે, પરંતુ અત્યારસુધી કોઈ પોલિસી બનાવવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...