સાઉથ આફ્રિકાએ 25 નવેમ્બરે તેમના ત્યાંથી શરૂ થયેલા નવા વેરિયન્ટ ઓમિક્રોન વિશે દુનિયાને એલર્ટ કર્યા છે. ઓમિક્રોનના કારણે માત્ર સાઉથ આફ્રિકામાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં હોબાળો શરૂ થઈ ગયો છે. નવા વેરિયન્ટના પગલે ભારતમાં પણ ત્રીજી લહેર આવવાની શંકા રજૂ કરવામાં આવી છે. ઓમિક્રોન વિશે દરેક દેશના એક્સપર્ટ વિશે સતત એક જ વાત કહેવામાં આવી રહી છે કે, આ વેરિયન્ટ ખૂબ ચેપી છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે.
જોકે સાઉથ આફ્રિકાના લોકલ મીડિયાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓમિક્રોન સાઉથ આફ્રિકાના ઘણાં શહેરોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તેમાં એક સારી વાત એ છે કે, તેના લક્ષણો હળવા હોવાના કારણે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા ફરજિયાત નથી અને તેના કારણે મૃત્યુ આંક પણ અચાનક વધી ગયો નથી. નિષ્ણાતોના મત પ્રમાણે આને એક સારી સાઈન માનવામાં આવે છે. વાયરોલોજીસ્ટ માર્ક વેને જણાવ્યું છે કે, ઓમિક્રોન ડેલ્ટા કરતા વધારે સંક્રમણ ફેલાવે છે પરંતુ તેના કારણે હજી દુનિયામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી તે એક સકારાત્મક વાત માની શકાય છે.
38 દેશોમાં ફેલાયો ઓમિક્રોન પણ એક પણ મોત નથી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ શુક્રવારે કહ્યું છે કે, કોરોનાનો નવો વેરિયન્ટ 10 જ દિવસમાં 38 દેશોમાં ફેલાયો છે. જોકે નવા વેરિયન્ટના કારણે હજી સુધી કોઈના મોતની માહિતી મળી નથી. WHOના પ્રવક્તાએ કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીને ઓમિક્રોનથી સંબંધિત મોતનો એક પણ રિપોર્ટ મળ્યો નથી. તેમણે કહ્યું કે, ઓમિક્રોન કેટલો સંક્રામક છે તે વિશે માહિતી મેળવવામાં પણ અમુક સપ્તાહનો સમય થશે.
સ્વાદ-સુંગધ નથી જતાં, શ્વાસની પણ કોઈ તકલીફ નથી થતી
સાઉથ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓની સારવાર કરતાં એક ડોક્ટર એંજલિક કોએટ્જીના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રોનના લક્ષણ ખૂબ માઈલ્ડ છે. ઓમિક્રોનથી પીડિત દર્દીઓને માત્ર થાક, બોડિ પેઈન, માથામાં દુખાવો અને સામાન્ય તાવની અસર જોવા મળી છે. આ લક્ષણો કોઈ પણ વાયરલ ઈન્ફેક્શનમાં જોવા મળતા હોય છે. ઓમિક્રોનના દર્દીઓના સ્વાદ-સુંગધ પણ જતા નથી. આ તકલીફ ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓમાં જોવા મળતી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. ઓમિક્રોનના દર્દીઓને ઓક્સિજન ઘટી જવાની પણ કોઈ તકલીફ જોવા મળી નથી, જ્યારે ડેલ્ટા વેરિયન્ટમાં તો દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી જતું હતું અને તેથી તેમને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા. ભારતમાં બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછત સર્જાતા જ હજારો દર્દીઓના જીવ ગયા હતા.
અત્યાર સુધી આટલા દેશોમાં પહોંચ્યો ઓમિક્રોન
દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, નેધરલેન્ડ, ઈઝરાયલ, હોંગકોંગ, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, જર્મની, બ્રિટન, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, કેનેડા, સ્વીડન, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ, જાપાન, પોર્ટુગલ, સાઉદી અરબ, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, યુએસએ, નોર્વે, ગ્રીસ. આયરલેન્ડ, ઘાના, નાઈજીરિયા, યુએઈ, શ્રીલંકા, મલેશિયા, સિંગાપોર, ઝિમ્બાબ્વે, ટ્યૂનિશિયા, મેક્સિકો અને ભારત.
ઓમિક્રોન પર વેક્સિનની અસરને લઈને WHOએ શું કહ્યું?
ઓમિક્રોન પર વેક્સિનની અસરને લઈને WHOના ચીફ વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથને ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, કોઈપણ વેરિયન્ટ એવો નથી હોતો, જે વેક્સિનને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કરી દે. જો શરીરમાં વાઈરસના કોઈપણ વેરિયન્ટ માટે તૈયાર કરવામાં આવેલી વેક્સિનને કારણે એન્ટિબોડી હોય તો વાઈરસથી જરૂર બચાવ કરશે. જેણે વેક્સિન નથી લીધી તેમણે વેક્સિન લઈ લેવી જોઈએ.
બાઈડને બૂસ્ટરે ડોઝ લેવાની અપીલ કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કોરોનાના વધતા કેસની આશંકાને ધ્યાનમાં રાખીને બૂસ્ટર ડોઝ આપવાની અપીલ કરી છે. જોકે તેમણે કોઈ નવા કડક નિયમ લગાવવાની વાત કરી નથી. બાઈડન ઈચ્છે છે કે, વીમા કંપનીઓ ઘરે કોવિડ-19ની તપાસનો ખર્ચ ઉપાડે અને તેઓ અમેરિકામાં પ્રવેશ કરતાં લોકોની તપાસના નિયમનું કડક રીતેપાલન કરે. તેમણે કહ્યું કે, અમુક દેશો તેમની સીમાઓ બંધ કરી રહ્યા છે અને ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે પરંતુ તેઓ આ વખતે કોઈ વધારાના પ્રતિબંધો લગાવવા માંગતા નથી. અમેરિકામાં અત્યારે 10 લાખ નાગરિકો બુસ્ટર ડોઝ લેવા માટે યોગ્ય છે અને રોજ આ આંક વધી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.